તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટોની તંગી જાણી જોઇને સર્જવામાં આવી હતી?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડા પ્રધાન નરેદ્ર મોદીએ તા.૮ નવેમ્બરની સાંજે ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી તે પછીના ૨૦ દિવસમાં દેશમાં ચલણી નોટોની અભૂતપૂર્વ તંગી પેદા થઇ હતી. વિપક્ષો કહેતા હતા કે સરકારે ગેરવહીવટ કર્યો છે. હવે સરકારે કાળાં નાણાંને ધોળું કરવા માટે ૫૦/૫૦ની સ્કિમ રજૂ કરી તે જોયા પછી લાગે છે કે શ્રીમંતો નવી બે હજારની નોટોને ઝડપથી કાળાં નાણાંમાં ફેરવી ન કાઢે તે માટે સરકારે જાણી જોઇને માર્કેટમાં ચલણી નોટોની તંગી પેદા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જે માસ્ટર પ્લાન હતો તેનાં એક પછી એક પાસાં હવે ખુલતાં જાય છે.

(૧) તા.૮ નવેમ્બરે સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે લોકોને પોતાનું રોકડ નાણું બેન્કમાં કે પોસ્ટ ઓફિસમાં ભરવા માટે ૫૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ગભરાટના માર્યા લોકોએ ૫૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો જમા કરાવવા લાંબી લાઇનો લગાવી હતી. સરકારે જૂની નોટો લેવાનું શરૂ કર્યું હતું,પણ તેને બદલે નવી નોટો આપવામાં કંજૂસાઇ કરી હતી તે યોજનાનો ભાગ હતો.

(૨) રિઝર્વ બેન્કે ચલણમાં બે હજાર રૂપિયાની નવી નોટ મૂકી હતી, પણ તેની ડિઝાઇન એવી રીતે બનાવાઇ હતી કે તે નોટો એટીએમમાં ચાલી શકે નહીં. શું રિઝર્વ બેન્કને ડિઝાઇન બનાવતી વખતે ખ્યાલ નહોતો કે એટીએમમાં ચાલે તેવી નોટોની ડિઝાઇન બનાવવી જોઇએ? હકીકતમાં સરકાર ઇચ્છતી નહોતી કે શ્રીમંતો બેન્કમાં જૂની નોટો જમા કરાવીને તેની સામે બે હજારની નોટો મોટા જથ્થામાં મેળવી લે અને તેનું રૂપાંતર પણ કાળાં નાણાંમાં કરવા માંડે. આ કારણે ઉપાડ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં અને તેના માટે બે લાખ એટીએમના કેલિબ્રેશનનું બહાનું આગળ કરવામાં આવ્યું હતું.

(૩) સરકાર બજારમાં ચલણી નોટોની તંગી પેદા કરવા માગતી હતી તેનો બીજો પુરાવો એ છે કે સરકારે ૫૦૦ની નવી નોટ બજારમાં મોડેથી મૂકી અને હજાર રૂપિયાની નવી નોટ તો બજારમાં મૂકી જ નહીં. જો રિઝર્વ બેન્કે ૫૦૦ની નવી નોટોની સાથે હજાર રૂપિયાની નવી નોટો બજારમાં મૂકી હોત તો તેનો ઉપયોગ કાળાં નાણાંના રૂપાંતર માટે થાત તેવો સરકારને ડર હતો. હજારની નોટો બજારમાં ન આવી તેને કારણે કાળું નાણું રાખવા માગતા લોકો માત્ર બે હજારની નોટોનો સંગ્રહ કરવા લાગ્યા છે.

(૪) નોટબંધીના પગલે લોકોના હાથમાં જે થોડુંઘણું પણ કાળું નાણું બચ્યું હતું તેનું રૂપાંતર બે હજારની નોટોમાં થઇ જાય તે પછી કહેવાય છે કે સરકાર બે હજારની નોટો પણ ચલણમાંથી પાછી ખેંચી લેશે. આ રીતે રહ્યુંસહ્યું કાળું નાણું નાશ પામે તે પછી હજારની નોટ પાછી ચલણમાં લાવવામાં આવશે.

(૫) સરકારની યોજના પહેલેથી ૫૦/૫૦ની સ્કિમ લાવવાની હતી, પણ તે માટે પૂરતી સંખ્યામાં જૂની નોટો બેન્કોમાં જમા થઇ જાય તેની તે રાહ જોતી હતી. ગયા શુક્રવારે બેન્કોમાં જ્યારે ૬ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો જમા થઇ તે પછી સરકારે વિચાર્યું હતું કે હવે કાળાં નાણાંને ધોળું કરવાની સ્કિમ જાહેર કરવાનો યોગ્ય સમય છે, માટે કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

(૬) સરકાર આ વર્ષના પૂર્વાર્ધમાં જે સ્વૈચ્છિક જાહેરાત યોજના લાવી તેમાં ૪૫ ટકા ટેક્સ ભરીને કાળાં નાણાંને ધોળું કરવાની જોગવાઇ હતી, પણ તેના થકી સરકારના હાથમાં માત્ર ૬૫,૦૦૦ કરોડ રૂપિયા જ આવ્યા હતા. આ યોજનામાં નાણું લોકોના હાથમાં હતું અને તેને જાહેર કરવું કે નહીં? તેનો નિર્ણય લોકોને કરવાનો હતો. હવેની યોજનામાં ફરક એ છે કે દેશનું ૮૬ ટકા કાળું નહીં પણ ધોળું નાણું પણ સરકારની મુઠ્ઠીમાં આવી ગયું છે. સરકાર તેને સહેલાઇથી પાછું આપવા માગતી નથી.

(૭) ભારતનાં ચલણમાં ફરતી બધી નોટોનું મૂલ્ય આશરે ૧૬ લાખ કરોડ રૂપિયાનું હતું. તેમાંની ૧૪ લાખ કરોડ રૂપિયાની ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાના મૂલ્યની નોટો હતી. તા.૨૮ નવેમ્બરની સાંજ સુધીમાં તેમાંની ૮.૪૫ લાખ રૂપિયાની નોટો સરકારના કબજામાં આવી ગઇ હતી. તેની સામે સરકારે કંજૂસાઇ કરીને માત્ર ૨.૫૦ લાખ રૂપિયાની ચલણી નોટો જ પ્રજાને પાછી આપી છે. આ રીતે બેન્કોના હાથમાં આજની તારીખમાં ૬ લાખ રૂપિયાની સિલક જૂની નોટોના રૂપમાં રહી ગઇ છે. જો સરકારે જેટલી નોટો લીધી તેટલી જ પાછી આપી દીધી હોત તો તેની સ્કિમ સફળ ન થઇ હોત.

(૮) હવે સરકારના હાથમાં જે ૬ લાખ કરોડ રૂપિયા છે તે કાળું નાણું છે? ધોળું નાણું છે? મહેનતની કમાણી છે? અનીતિની કમાણી છે? તે નક્કી કરીને યોગ્ય કરવાનો નિર્ણય નવી યોજના મુજબ લોકો પર છોડવામાં આવ્યો છે, પણ ખોટી જાહેરાત કરનારને દંડનો તેમ જ જેલનો ડર ઊભો રાખવામાં આવ્યો છે. આ બાબતમાં પણ અંતિમ ફેંસલો કરવાની સત્તા ઇન્કમ ટેક્સને આપવામાં આવી છે. હવે ૬ લાખ રૂપિયાનું નાણું સરકારની મુઠ્ઠીમાં હોવાથી ૫૦/૫૦ની સ્કિમમાં સરકારનો હાથ ઉપર રહેવાનો છે.

(૯) તા. ૨૮ નવેમ્બરે રિઝર્વ બેન્કે પરિપત્ર બહાર પાડીને બેન્કોમાંથી રોકડ રકમનો ઉપાડ કરવાની મર્યાદા હટાવી લીધી છે, પણ તેમાં શરત કરવામાં આવી છે. આ મુક્તિ બેન્કમાં જમા કરાવવામાં આવેલી નવી નોટો સામે જ આપવામાં આવી છે. જૂની નોટો માટે સાપ્તાહિક ૨૪,૦૦૦ રૂપિયાની મર્યાદા ચાલુ જ રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીનો સંદેશો બહુ સ્પષ્ટ છે : જ્યાં સુધી તમે સરકારને ૫૦ ટકા રકમ આપવા તૈયાર નહીં થાઓ ત્યાં સુધી તમારાં નાણાં પાછાં મળશે નહીં. જેઓ ઇજ્જતથી જીવવા અને શાંતિથી સૂવા માગતા હોય તેમણે આ સ્કિમ અપનાવી જ લેવી જોઇએ
અન્ય સમાચારો પણ છે...