તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ ગાંધીની મહાખાટયાત્રા કેટલી સફળ થશે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતની ગરીબ પ્રજાની ઇમાનદારીની આપણે ગમે તેટલી તારીફ કરીએ; પણ આ ઇમાનદારી બેઇમાન બનવાની તકના અભાવને કારણે પેદા થયેલી છે. જો ગરીબ પ્રજાને તક મળે અને તેને સજાનો ભય ન હોય તો તેને બેઇમાન બનતા વાર લાગતી નથી તેની સાબિતી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉત્તર પ્રદેશની મહાયાત્રાના પહેલા જ દિવસે મળી ગઇ છે. કોંગ્રેસે તેનાં રાજ દરમિયાન પ્રજાને મફતનું ખાવાની એવી કુટેવ પાડી છે કે દેવરિયામાં તેમને બેસવા માટે જે બે હજાર ખાટલાઓ આપવામાં આવ્યા હતા તેને પણ ભેટસોગાદ માનીને લોકો ઘરે લઇ ગયા હતા.
ખાટલાની લૂંટફાટના સૂચિતાર્થો: મતદારોને મફતની આદત પાડવામાં જોખમ છે
કોંગ્રેસના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે જ્યારે ઉત્તર પ્રદેશ સર કરવા માટે રાહુલ ગાંધીની મહાયાત્રાનું આયોજન કર્યું હશે ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે મતદારોને ચર્ચા કરતાં ખાટલામાં વધુ રસ પડશે. હવે પ્રશાંત કિશોરે આવો ધબડકો અટકાવવા અને મહાયાત્રાને સફળ બનાવવા માટે કોઇ નવો તુક્કો અજમાવવો પડશે.

કોંગ્રેસ પક્ષ ૨૭ વર્ષથી ઉત્તર પ્રદેશમાં સત્તાથી વિમુખ રહ્યો છે. આ ૨૭ વર્ષ દરમિયાન મહદ્દંશે માયાવતીએ અને મુલાયમ સિંહે વારાફરતી રાજ કરીને ઉત્તર પ્રદેશને તારાજ કર્યું છે. ઇ.સ.૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના મોરચાએ ઉત્તર પ્રદેશની ૮૦ પૈકી ૭૩ બેઠકો કબજે કરીને માયાવતીને અને મુલાયમને ધૂળ ચાટતાં કરી દીધાં હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી બે બેઠકો મળી હતી, જ્યારે માયાવતીનો પક્ષ તો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ વાતાવરણમાં ઇ.સ.૨૦૧૭ની ચૂંટણી પછી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચવાનું સપનું જોવામાં જ રાહુલ ગાંધીએ જબરદસ્ત બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. આ બહાદુરી મૂર્ખતામાં ખપી ન જાય તે જોવાની જવાબદારી રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે લીધી છે. ઉત્તર પ્રદેશમાં છેક ચોથાં સ્થાને રહેલા કોંગ્રેસ પક્ષને જો પહેલા સ્થાને નહીં લાવી શકે તો પ્રશાંત કિશોરની કારકિર્દી પણ જોખમાઇ જવાની છે.
ઇ.સ.૨૦૧૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે કુલ ૪૦૩ બેઠકોમાંથી રોકડી ૨૮ બેઠકો મળી હતી. આ ૨૮થી ૨૦૨ વચ્ચેનું અંતર કાપવું દુષ્કર છે, પણ પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજીના જોર પર કોંગ્રેસ આ ફાંસલો મિટાવવાના ખ્વાબ જોઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા જીતવા માટે જ્ઞાતિવાદનો વિરોધ કરતી કોંગ્રેસે જ્ઞાતિવાદના ધોરણે જ પોતાની વ્યૂહરચના ઘડી કાઢી છે.

ઉત્તર પ્રદેશના બ્રાહ્મણોને જીતવા તેણે મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે શીલા દીક્ષિતની જાહેરાત કરી છે, જેઓ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારનાં પૂત્રવધૂ છે. મુસ્લિમ મતો મેળવવા માટે ગુલામ નબી આઝાદને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દલિત રાજ બબ્બરને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજપૂત આર.પી.એન. સિંહને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે બધી જાતિને ખુશ કરીને કોંગ્રેસ ૨૦૦નો આંકડો વટાવી શકશે?

ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસની રણનીતિ ઘડવાનું કામ પ્રશાંત કિશોરને સોંપવામાં આવ્યું ત્યારે તેમનો આગ્રહ એવો હતો કે ગાંધી પરિવારના કોઇ સભ્યનું નામ જ કોંગ્રેસના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. પ્રશાંત કિશોરની ઇચ્છા રાહુલ ગાંધીને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની હતી, પણ રાહુલ ગાંધી જોખમ લેવા તૈયાર નહોતા. પ્રશાંત કિશોરે બીજું નામ પ્રિયંકા વાડ્રા ગાંધીનું સૂચવ્યું, પણ પ્રિયંકા રાજકારણમાં બિનઅનુભવી હોવાથી મતદારો તેમનામાં વિશ્વાસ મૂકશે કે કેમ તેની શંકા હતી. છેવટે ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય પ્રધાન બની ચૂકેલાં શીલા દીક્ષિતના માથે કળશ ઢોળવામાં આવ્યો હતો.
શીલા દીક્ષિત મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવાર હોય અને સોનિયા, રાહુલ તેમ જ પ્રિયંકા પોતાની તમામ તાકાત વડે તેમના માટે પ્રચાર કરે તો ગાડી ૨૮ બેઠકથી તો જરૂર આગળ વધી શકે તેમ છે. જો કોઇ ચમત્કાર થાય અને કોંગ્રેસ જીતી જાય તો તેની ફુલ ક્રેડિટ ગાંધી પરિવારને આપી શકાય; અને કોંગ્રેસ હારી જાય તો શીલા દીક્ષિતના માથે જવાબદારી નાખીને ગાંધી પરિવારને બચાવી શકાય. પ્રશાંત કિશોરે આવી આબાદ વ્યૂહરચના ગોઠવી કાઢી છે.

રાહુલ ગાંધીની મહાયાત્રાને સફળ બનાવવા માટે બે વચનો લોલિપોપની જેમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલું વચન છે, કિસાનોનું દેવું માફ કરી દેવાનું. બીજું વચન છે, વીજળીનાં બિલમાં ૫૦ ટકા જેટલી રાહત આપવાનું. રાહુલ ગાંધીએ દેવરિયાની સભામાં જ રજૂઆત કરી હતી કે યુપીએ સરકારે કિસાનોનું ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું તેમ જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ઉત્તર પ્રદેશના કિસાનોનું દેવું પણ માફ કરવામાં આવશે. રાહુલ ગાંધી એ વાત ભૂલી જાય છે કે દેવું માફ કરવાની સત્તા બેન્કોને છે અને બેન્કોનો કન્ટ્રોલ કેન્દ્ર સરકારના હાથમાં છે. જો રાજ્ય સરકાર ખેડૂતો વતી બેન્કોનું દેવું ચૂકવી દે તો પણ આટલા રૂપિયા રાજ્ય સરકાર ક્યાંથી લાવશે? તેનો વિચાર રાહુલ ગાંધીએ કરવાની જરૂર નથી; કારણ કે ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બનવાની સંભાવના બહુ પાંખી છે.

ઉત્તર પ્રદેશની મુખ્ય સમસ્યા વીજળીનાં ભારે બિલો નથી પણ વીજળીની અછત છે. રાજ્યની ૧૬,૦૦૦ મેગાવોટની આવશ્યકતા સામે પુરવઠો ૧૪,૪૫૪ મેગાવોટનો જ છે. વીજળીની તંગીને કારણે ઉત્તર પ્રદેશનાં શહેરો રોજના આઠ કલાકના પાવર કટની પીડા વેઠી રહ્યા છે તો ખેડૂતોનો પાક સૂકાઇ રહ્યો છે. રાહુલ ગાંધીએ સસ્તી વીજળીને બદલે પૂરતી વીજળીનું વચન આપવું જોઇએ; પણ મફતના ખાટલામાં સંતુષ્ટ પ્રજા મફતનાં વચનોથી લોભાઇ જશે, તેમ રાહુલ ગાંધી માને છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો