તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનાં બાળકો માબાપોનું શોષણ કરે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતીમાં કહેવત છે કે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. જૂના જમાનામાં માબાપો પેટે પાટા બાંધીને બાળકોને ભણાવતાં હતાં; ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બનાવતાં હતાં. બાળકો પણ મોટાં થઇને માબાપની સેવા કરતાં હતાં અને તેમની ઇજ્જત કરતાં હતાં. આજે માહોલ બદલાયો છે. આજનાં મધ્યમ વર્ગનાં માબાપો બાળકોનાં ભણતર પાછળ લગભગ ખુવાર થઇ જાય છે. તેઓ બાળકોને ભણાવવા માટે પોતાનો ફ્લેટ, ફેક્ટરી કે દુકાન ગિરવે મૂકીને બેન્કમાંથી લોન લે છે. પોતે જિંદગીમાં ક્યારેય નહોતી ભોગવી તેવી બાદશાહી સગવડો ભણતાં બાળકોને આપે છે.
બાળકો એટલું ભણે છે કે તેમને માબાપો અભણ, પછાત અને જૂનવાણી લાગવા માંડે છે. ભણીગણીને તેઓ કારકિર્દીમાં સેટલ થઇ જાય છે, પણ પોતાનાં માબાપનો ઉપકાર ભૂલી જાય છે. વાતવાતમાં માબાપનું અપમાન કરવામાં અને તેમને ઊતારી પાડવામાં તેમને જરાય સંકોચ નથી થતો. આવાં સંતાનો માબાપને છોડીને કે તરછોડીને અલગ થઇ જાય છે કે માબાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે. આ જોઇને લાગે છે કે માબાપો દ્વારા બાળકોના થઇ રહેલા ઉછેર પાછળનો અભિગમ બદલવાની જરૂર છે.
જૂનાં જમાનાનાં માબાપો બાળકોને નર્સરી સ્કૂલમાં એડમિશન અપાવવા લાંબી લાઇનમાં ઊભા નહોતા રહેતાં. એડમિશન માટે તગડું ડોનેશન નહોતા આપતાં. બાળકોને ટ્યૂશન રાખવામાં નહોતું આવતું. બારમાં ધોરણ સુધી તેઓ જાતમહેનત ઝિંદાબાદ ગણી ભણી લેતાં હતાં. તેમને સ્કૂલ બસની સવલત પણ નહોતી મળતી. તેઓ પગે ચાલીને નિશાળે પહોંચી જતા હતા. ઘરમાં બાળકો માટે અલગ સ્ટડી રૂમો નહોતા. અમુક બાળકો તો સ્ટ્રીટલાઇટના પ્રકાશમાં ભણતાં હતાં. તેઓ ગવર્નમેન્ટ ક્વોટામાં એડમિશન લઇને ડોક્ટર કે એન્જિનિયર બનતાં હતાં. માબાપોનો તેઓ ઉપકાર માનતાં હતાં.
હવેનાં બાળકો એવી રીતે ભણે છે કે જાણે માબાપ પર કોઇ મોટો ઉપકાર કરતાં હોય. શ્રીમંત માબાપો તેમના માટે શોફરડ્રિવન કારની સવલત કરે છે તો મધ્યમ વર્ગનાં માબાપો તેમને ટુ વ્હિલર પર સ્કૂલે લેવા-મૂકવા જાય છે. તેઓ ભણતાં હોય તે દરમિયાન તેમને કોઇ ઘરકામ કરવાનું કહેવામાં આવતું નથી. તેઓ પરીક્ષા માટે વાંચવા બેસે ત્યારે મમ્મી જ્યૂસનો ગ્લાસ તેના ટેબલ પર મૂકી દે છે. દીકરીની પરીક્ષા હોય ત્યારે મમ્મી ઉજાગરા કરે છે. દીકરો પાણી માગે ત્યાં દૂધ હાજર થઇ જાય છે.
આજનાં માબાપો માને છે કે બાળકની જેટલી વધુ આળપંપાળ કરશું અને તેમને જેટલી વધુ સગવડો આપશું એટલાં તેઓ ભણવામાં હોંશિયાર થશે અને કારકિર્દીમાં આગળ વધશે. હકીકતમાં આવું બનતું નથી. બધી સગવડો આપ્યા પછી પણ જો બાળકમાં પ્રતિભા ન હોય તો તે બારમાં ધોરણના મેરિટ લિસ્ટમાં આવી શકતું નથી. બારમાં ધોરણમાં ઓછા ટકા આવ્યા હોય તો પણ માબાપો સેલ્ફ ફાઇનાન્સ્ડ કોલેજોની ઊંચી ફી ખર્ચીને તેમને મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવડાવે છે. આ કોલેજ ઘરથી દૂર હોય છે, માટે બાળક માબાપથી અલગ પડી જાય છે.
ઘણી મમ્મીઓ દીકરાને કે દીકરીને હોસ્ટેલમાં ન રહેવું પડે તે માટે અજાણ્યાં શહેરમાં ફ્લેટ ભાડે રાખીને તેની સાથે રહે છે અને તેને ગરમા ગરમ રસોઇ જમાડે છે. આ દરમિયાન તેનો બિચારો પતિ હોટેલમાં જમીને કે ટિફિન ખાઇને નભાવી લેતો હોય છે. બાળકો એટીકેટી લેતાં લેતાં માંડ માંડ ડોક્ટર કે એન્જિનિયર થાય છે. કોઇ પણ વિદ્યાર્થી ડોક્ટર કે એન્જિનિયર કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને ત્યાં સુધી તેની ઉંમર ૨૫ વર્ષની થઇ ગઇ હોય છે. તે હજુ પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખ્યો નથી હોતો. તેના પોકેટમનીની સગવડ પણ માબાપો કરતાં હોય છે.
વિદ્યાર્થીને એમ હોય છે કે તે ભણીને બહાર પડશે કે તરત મહિને ૨૫ હજાર કે ૫૦ હજારના પગારની નોકરી તેની રાહ જોતી હશે. આજકાલ તેવું બનતું નથી. એન્જિનિયરને પણ મહિને ૧૦ હજારના પગારની નોકરી સહેલાઇથી મળતી નથી. ડોક્ટરની ક્લિનિક શરૂ કરવા માટે દસ કે વીસ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે. નોકરી ન મળે ત્યારે વિદ્યાર્થી હતાશ થઇ જાય છે. તેની પાસે ડિગ્રીનું સર્ટિફિકેટ હોય છે,પણ કોઇ હુન્નર નથી હોતો, જેનો ઉપયોગ કરીને તે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરી શકે.
માબાપે વધુ સગવડો આપીને તેને પરોપજીવી બનાવી દીધો હોય છે. બેચલરની ડિગ્રી ઓછી પડે ત્યારે તે માસ્ટર્સની ડિગ્રી કરવા જાય છે. એન્જિનિયરની ડિગ્રી લીધા પછી તે એમબીએ કરવા જાય છે. ભણતાં ભણતાં તે ૩૦ વર્ષની ઉંમરે પહોંચી જાય છે. માબાપો રાહ જોઇને બેઠાં હોય છે કે ક્યારે મારો દીકરો ભણી લેશે અને ક્યારે કુટુંબની આર્થિક જવાબદારી સંભાળી લેશે. બહુ ભણ્યા પછી દીકરાને સારા પગારની નોકરી મળે તો બીજાં શહેરમાં મળે છે.
ભણતાં ભણતાં કે નોકરી કરતાં કરતાં તે કોઇ યુવતીના પ્રેમમાં પડે છે અને પરણી જાય છે. નવાં શહેરમાં તે પોતાનો સંસાર શરૂ કરે છે. નવો ફ્લેટ ખરીદવા માટે તે બેન્કમાંથી લોન લે છે. લોન લઇને ઘરનું રાચરચીલું વસાવે છે અને કાર પણ ખરીદે છે. તેનો પગાર બધા હપ્તાઓ ભરવામાં ખર્ચાઇ જાય છે, માટે માબાપને તે કોઇ રકમ મોકલતો નથી. માબાપો જૂની લોનના હપ્તા ભર્યા કરે છે. જો તેઓ પોતાનાં સંતાનો સાથે રહેવા માગતાં હોય તો પોતાનું ઘર છોડીને તેમનાં શહેરમાં રહેવા જવું પડે છે.
આ જોઇને લાગે છે કે બાળકોને જેટલી વધુ સગવડો આપીએ તેટલાં તેઓ સગવડોનાં ગુલામ અને નિર્બળ થઇ જાય છે. તેને બદલે તેમને સગવડો ઓછી આપવી જોઇએ અને જીવનની કઠણાઇઓ સહન કરવાની તાલીમ વધુ આપવી જોઇએ. તો જ તેઓ આત્મનિર્ભર નાગરિક બનશે.
@ sanjay.vora@dbcorp.in
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો