નેતાજીના જીવન-મરણનો કોયડો ઉકેલાશે ખરો?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંગાળમાં લોકલાડીલા સુભાષચંદ્ર બોઝ- નેતાજી- જીવતા હતા ત્યારે જેટલા ચર્ચાસ્પદ હતા, તેટલી ચર્ચા તેમના અવસાન અંગે અને અવસાન પછી પણ ચાલતી રહી છે. તેમનાં કુટુંબીજનો ખાસ કરીને તેમનાં ભત્રીજાઓની પ્રવૃત્તિઓ અને પત્રવહેવાર પર અંગ્રેજી રાજવટે શરૂ કરેલી જાસૂસી, જવાહરલાલે વીસ વરસ સુધી ચાલુ રાખી તેવા તાજેતરનાં ઘટસ્ફોટે વિવાદનો વંટોળ જગાવ્યો છે. સુભાષચંદ્ર અંગેનાં દસ્તાવેજો જાહેર કરવાનો ભારત સરકારે હંમેશાં ઈનકાર કર્યો છે અને કોંગ્રેસનાં અભિગમને નરેન્દ્ર મોદીએ પણ અનુમોદન આપ્યું છે.

આ દસ્તાવેજો જાહેર કરવામાં આવે તો જાપાન-જર્મની, રશિયા જેવા મિત્રરાજ્યો સાથેનાં સંબંધો બગડી જવાની સંભાવના છે. તેથી નેતાજીનાં કુટુંબીજનોનાં આગ્રહ છતાં આ દસ્તાવેજો જાહેર થવાની સંભાવના નહીંવત છે. સુભાષચંદ્રનું જીવતર હંમેશાં ઝંઝાવાતી રહ્યું છે અને ચર્ચાબાજીનાં વમળમાં અથડાતું રહ્યું છે. સી.આર.દાસનાં સાથી તરીકે આઝાદીની લડતમાં ઝુકાવનાર સુભાષબાબુ કોંગ્રેસનાં યુવાન અને ઉદ્દામવાદી જૂથનાં આગેવાન તરીકે જવાહરલાલ નેહરુનાં સમોવડિયા અને હરીફ હતા. બીમારીની સારવાર અને સર્જરી માટે ઓસ્ટ્રીયામાં (1933-36) ત્રણ વર્ષ રહ્યાં ત્યારે જર્મન યુવતી જોડેનાં સંબંધ અને પુત્રી અનિતાનાં જન્મની હકીકત તેમણે કદી જાહેર કરી નહીં. ઓસ્ટ્રીયામાં સારવાર લઈ રહેલાં વિઠ્ઠલભાઈ પટેલે પોતાની અઢળક મિલકત સુભાષને સોંપી દેવા માટે કરેલાં વસિયતનામા સામે સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરા ડાહ્યાભાઈએ ખટલો ચલાવીને વસિયતનામું રદ કરાવ્યું.

હરીપુરાનાં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદ સંભાળી લેનાર સુભાષ બોઝનાં જલદ પ્રવચન અને ઉદ્દામવાદી કાર્યક્રમથી કોંગ્રેસનાં યુવાન અને આદર્શવાદી કોંગ્રેસીઓમાં ઉત્સાહનાં પૂર ઉમટ્યા, પણ બીજા વર્ષે પ્રમુખપદે ચાલુ રહેવાનાં તેમનાં આગ્રહનાં કારણે ગાંધીજી અને કોંગ્રેસ કારોબારી જોડે તેમને અણબનાવ થયો. ગાંધીજી કોંગ્રેસ પ્રમુખની વરણી કરે તેવી વણ-લખી પરંપરાને પડકારીને લડેલી ચૂંટણી જીતીને તેમણે કારોબારીનાં સભાસદોની નિમણૂક મહાત્માજીની સલાહ અનુસાર કરવાનો ઈનકાર કર્યો. વિવાદ સુભાષ બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. બીજા વિશ્વયુદ્ઘે કોંગ્રેસી આગેવાનો સામે અકળ કોયડો ઊભો કર્યો.

આઝાદી માટે બ્રિટન સામે લડવું કે નાઝીવાદ સામે લડી રહેલા બ્રિટનને ટેકો આપવો, મૂંઝાયેલા ગાંધીજી-નેહરુને માર્ગ સૂઝતો નહતો ત્યારે સુભાષ બોઝે સળગતી આગમાં ઝંપલાવ્યું અને આઝાદી મેળવવા માટે જર્મની-જાપાનની ઓથ લીધી. નેતાજી બન્યા, આઝાદ હિંદ ફોજ ઊભી કરીને લશ્કરી સર સેનાપતિ બન્યા. મહાત્મા ગાંધીજીને “રાષ્ટ્રપિતા’નું સંબોધન સૌથી પહેલું સુભાષ બોઝે આપ્યું અને જાપાની લશ્કરી સહાયથી આંદામાન-નિકોબારમાં ટાપુઓ કબજે કરીને નાગાલેન્ડમાં પ્રવેશ કર્યો. પણ બાજી પલટાઈ ગઈ. જર્મનીનો પરાજ્ય થયો. જાપાનની પીછેહઠ શરૂ થઈ અને લડાઈ સમાપ્ત થવાની હતી ત્યારે જાપાનનાં તાઈહોકુ એરપોર્ટનાં વિમાની અકસ્માતમાં સખત ઘાયલ થયેલાં બોઝ લશ્કરી ઈસ્પીતાલમાં અવસાન પામ્યા.

પણ આ આખો ઘટનાક્રમ રહસ્યમય બની ગયો. વિમાની અકસ્માત હતો કે રશિયાએ વિમાન તોડી પાડ્યું? નેતાજી જીવતા છે? રશિયાની કેદમાં છે? ગુપ્તાવાસમાં છે? આવા અગણિત સવાલોનાં જવાબ કોઈની પાસે નથી. સુભાષ બોઝ પાછા ફરે તો નેહરુની નેતાગીરીને ટક્કર લાગે તેવા હેતુથી ભારત સરકાર ઢાંકપીછોડો કરે છે તેવા આક્ષેપને રદિયો આપવા માટે અવારનવાર તપાસપંચો નિમાયા છે. આઝાદ હિંદ ફોજનાં સેનાની શાહનવાઝ ખાન પંચે (1956)માં નેતાજીનાં અવસાન થયાનું સ્વીકારી લીધું. 1970માં નિમાયેલા ખોસલા પંચે તેનું સમર્થન કર્યું. પણ 1999માં નિમાયેલા મુખરજી પંચે 2005માં આપેલા હેવાલમાં વિમાની અકસ્માત નકારી કાઢાયો અને બોઝ લાંબો સમય જીવંત રહ્યા હોવાનો હેવાલ આપ્યો.

બ્રિટિશ જાસૂસી સંસ્થા M-15નાં દસ્તાવેજો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ભારતનાં ઈન્ફોર્મેશન બ્યૂરોની કેટલીક વિગતો જાહેર કરવામાં આવી છે. પણ આનાં કારણે ગૂંચવાડો વધ્યો છે. ભારત સરકાર 1968 સુધી સુભાષચંદ્ર બોઝનાં ભત્રીજાઓનાં પત્રવહેવાર પર નજર રાખી તે જાસૂસીનું કશું કારણ સમજાતું નથી. સુભાષ બાબુ બીજા વિશ્વયુદ્ઘ પછી જીવતા રહ્યાં હોય તો ભારતમાં પાછા ફરવાનો તેમના પર કશો પ્રતિબંધ નહતો. જાપાન-જર્મની જેવા દુશ્મન દેશો જોડે સહકાર આપવા માટે અને ભારતીય લશ્કરનાં યુદ્ઘ કેદીઓને શિસ્ત ભંગ માટે ઉશ્કેરણી કરવાનાં ગુનાસર અંગ્રેજ સરકાર તેમને શિક્ષા કરે, પણ આઝાદી પછી ભારત સરકાર આવું કશું કરી શકે નહીં. જવાહરલાલ નેહરુ સુભાષચંદ્રની લોકપ્રિયતાથી ગભરાતા હતા અને ડરનાં માર્યા જાસૂસી કરાવતાં હતા તેવો આક્ષેપ વાહિયાત છે. આઝાદી લડતની ત્રિપુટી ગાંધી-સરદાર-જવાહર ભય અને લાલચથી સંપૂર્ણત: મુક્ત હતા તે બાબતમાં બેમત નથી. જાસૂસીનું કારણ સમજી કે સમજાવી શકાય તેમ નથી અને નેતાજીનાં જીવન અને અવસાનની માફક આ કોયડો પણ અકળ રહેવા સર્જાયેલો છે.