તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તમાન ભારતમાં સ્ત્રી ખરેખર કેટલી સુરક્ષિત છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગ્રેજીમાં મોડેસ્ટી (Modesty) શબ્દ છે. મોડેસ્ટી એટલે લજ્જા, વિનય, લાજ, શાલીનતા અને નમ્રતા. ભારતના પ્રવાસ ખાતાના પ્રધાન મહેશ શર્માએ વિદેશી ટૂરિસ્ટ મહિલાઓને સલાહ આપી છે કે ટૂંકાં સ્કર્ટ ન પહેરવાં અને મોડી રાત્રે બજારમાં કે રસ્તામાં એકલાં ન ફરવું. આ સલાહ સાચી, સારી અને પ્રેક્ટિકલ હતી. નારી સ્વાતંત્ર ભારતમાં અમેરિકન અને યુરોપના ધોરણ આંબી ગયું છે. ભારતમાં આવનારા વિદેશી ટૂરિસ્ટોને સ્વાગતનાં સુંદર પતાકડાં છાપીને અપાય છે, પણ મહિલા ટૂરિસ્ટોને અમુક સૂચના અપાય છે તે ભારતીય કલ્ચરને અનુરૂપ છે.
નાનાં શહેરોમાં એને મોટાં થયેલાં ગામડાઓમાં ‘પોતાની જ સલામતી’ માટે અમુક જાતના વેસ્ટર્ન ડ્રેસ ન પહેરવાનું સલામત માનવામાં આવે છે. સંસ્કૃતિ અનુરૂપ ગણાય છે, પણ ટૂરિસ્ટોએ શું કરવું, શું ન કરવું? તેનું લાંબુ લિસ્ટ પ્રવાસ ખાતા તરફથી એકલી સ્ત્રીને અપાય છે. કોઈ પણ સ્ત્રી જ્યારે કોઈ ટેક્સી કે મોટરવાહનમાં સફર કરે, ત્યારે એ વાહનનો નંબર તેની કોઈ ફ્રેન્ડને મોકલી આપવો સલામત છે. પ્રધાન મહેશ શર્માએ સાચું કહ્યું કે ભારતનું કલ્ચર પશ્ચિમના દેશો કરતાં જુદંુ છે. અમારી મહિલાના ડ્રેસ ભારતની સંસ્કૃતિને હજી જાળવે છે.

નવી દિલ્હીમાં મોડી રાત્રે એકલી મુસાફરી કરનારી એક મેડિકલ વિદ્યાર્થિની ઉપર સામૂહિક રેપ થયો. આ ઘટના પછી મહિલા ટૂરિસ્ટો ઉપર ઘણા હુમલા દિલ્હી, કોલકાતામાં થયાના સમાચાર હતા. મુંબઈમાં ઘરકામ કરનારી સ્ત્રીઓને પોતાના ઘરે રાત્રે 8 વાગ્યા સુધીમાં આવી જવાની કડક સૂચના હોય છે. રાત્રે 9 પછી તો આજે પણ ગામડામાં સોંપો પડી જાય છે. યુરોપ-અમેરિકાની ફોરેન ઓફિસો પણ પોતાના દેશની મહિલા ટૂરિસ્ટોને કડક સૂચના આપે છે કે ભારતમાં જ્યાં રાત્રે મુસાફરી કરો, ત્યાંના સ્થાનિક રિવાજો અને સ્ત્રીએ કેમ વર્તવું તે જાણી લેવું જોઈએ અને ખાસ તો એકલતાવાળા વિસ્તારમાં અને સમુદ્રના બીચ ઉપર તો એકલા જવાનું જોખમ ખેડવું જ નહીં.
પ્રવાસન મંત્રી શર્માએ વિદેશી ટૂરિસ્ટો માટે આ વાત કરી, ત્યાં તો તેમના ઉપર પસ્તાળ પડી. દિલ્હીનાં નારીવાદી કાર્યકર્તા રંજનાકુમારી તો (સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ) નારી સ્વાતંત્ર્ના નામે શર્માની સૂચનાને ધિક્કારવા માંડ્યાં. રંજનાકુમારી ગામડા કે નાના શહેરની સ્થિતિથી અજાણ લાગે છે. મહિલા ઉપરના બળાત્કાર માટે ભલે કડક કાયદા હોય અને દિલ્હીમાં 2012ના ગેંગરેપ પછી કાનૂન વધુ કડક થયા હોય, પણ મોડી રાત્રે કાયદો કંઈ કામનો રહેતો નથી. આ કંઈ વૈદિક કાળનું ભારત નથી.
જ્યાં સ્ત્રી બિનધાસ્ત ફરી શકતી. આજે ભારતમાં બળાત્કારના આંકડા કહે છે કે, રોજ 92 સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે અને હવે ગામડાં સુધી રેપના કિસ્સા પહોંચ્યા છે. જોકે, આ આંકડો તો ઘણો નાનો છે. દરરોજ બાંધી મુઠ્ઠી જેટલા બળાત્કારના કિસ્સા ભારતમાં જ નહીં, પણ અમેરિકામાં પણ નોંધાય છે. અંગ્રેજીમાં જેને ઇવ ટીઝિંગ કહે છે - તે સ્ત્રી કે છોકરીને ‘પરેશાન’ કરવાના કિસ્સા 79 ટકા સ્ત્રીઓએ જાતે અનુભવ્યા હોય છે - હાલનો સર્વે આ આંકડો આપે છે.
હમણાં જુલાઈ 2016માં એક યહૂદી સ્ત્રી (ઇઝરાયલની ટૂરિસ્ટ) ઉપર મનાલીમાં સામૂહિક બળાત્કાર થયો હતો, એક જાપાની સ્ત્રીનું બિહારમાં અપહરણ થયું હતું અને દિલ્હીમાં એક ઓટો રિક્ષામાં ડ્રાઇવરે રશિયન સ્ત્રી ઉપર બળાત્કાર કરેલો. આવા કિસ્સા વધુ ને વધુ બની રહ્યા છે. આના માટે સ્ત્રીઓને તેમનાં વસ્ત્રો ઉપર મોડેસ્ટી જાળવવાની સલાહ આપવામાં આવે છે.

લંડનનું ‘ઈન્ડિપેન્ડન્ટ’ દૈનિક કહે છે કે ભારતમાં આવતા વિદેશી ટૂરિસ્ટોની સંખ્યા 10 ટકા વધી છે. જોકે, મહિલા ટૂરિસ્ટોની સંખ્યા 41 ટકાને બદલે 40 ટકા થઈ છે. એટલે કે ઘટાડો માત્ર એક ટકાનો થયો, તે મોટો નથી. વિદેશી મહિલા ટૂરિસ્ટની સંખ્યા ઘટી છે તે કોઈ બળાત્કારના ડરને કારણે નહીં, પણ વિદેશમાં સ્ત્રીઓ ઑફિસોમાં અને બહાર કામ કરે છે, સાથોસાથ ગૃહિણી તરીકેની ફરજ પણ બજાવે છે. એટલે આર્થિક કારણોસર ટૂરિસ્ટ તરીકે સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. વળી, હમણાં પશ્ચિમમાં મંદી છે. ભારતમાં સ્ત્રીઓ પોતાની ‘મોડેસ્ટી’ જાળવતી આવી છે અને હજી જાળવશે.

‘મોડેસ્ટી’ની વિકિપિડિયાની વ્યાખ્યા છે, ‘મોડેસ્ટી એટલે વેશ-પરિવેશમાં શરીરના અમુક ભાગને એવી રીતે ખુલ્લો રાખવો, જેમાં પુરુષ પાત્રને આકર્ષણ કે ઉત્તેજના ન થાય. સ્કૂલ-કૉલેજોમાં મેડિકલ તપાસમાં છોકરીઓ માટે મહિલા શિક્ષિકા જ રાખવામાં આવે છે. ડૉ. રિચર્ડ બ્રિન્કલીએ ‘ધ રાઇવલ્સ’ પુસ્તકમાં કહ્યું છે કે મોડેસ્ટી એ એવો ગુણ છે, જેમાં કોઈ સ્ત્રીનો પ્રેમી એકાંતમાં પણ વધુ ને વધુ શાલીનતા સેવે છે. રસ્કિને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિની હ્યુમિલિટી જ તેને મહાન બનાવે છે. માત્ર ડ્રેસમાં જ નહીં, જ્ઞાનમાં જ નહીં, પંડિતાઈમાં પણ માણસે નમ્ર રહેવું જોઈએ અને હાલતાંચાલતાં પાંડિત્ય બતાવવું નહીં.

આજે સ્ત્રી-પુરુષની બરોબરીનો વિચાર વ્યાપક બન્યો છે. પરિણામે, કેટલીક સ્ત્રીઓ પુરુષ જેવાં કપડાં પણ પહેરે છે, પણ ‘હફિંગ્ટન પોસ્ટ’ નામનું અખબાર કહે છે કે ભારતની ઑફિસોમાં સાડી પહેરનારી સ્ત્રીઓ પ્રત્યે આજે પણ માનથી જોવામાં આવે છે. સ્ત્રીને કુદરતે સ્ત્રીત્વ બક્ષ્યું છે, તેને સ્ત્રી પોતે જ વધુ ખીલવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...