ખેતી દ્વારા સમૃદ્ધિ : રિઝર્વ બેંકના પૂતળાનો સંદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘તમારા શહેરનાં કારખાનાઓને બાળી નાખો, પણ માત્ર તમારાં ખેતરો અને ખેતીને બચાવો. એ શહેરો પાછા સજીવન થશે, પરંતુ તમે તમારાં ખેતરો અને ખેતીવાડીને બાળીને ઉજ્જડ કરી નાખો, તો ત્યાં શું થશે? બસ, પછી ત્યાં માત્ર ઘાસ ઉગશે.’ આવું સનાતન સત્ય અમેરિકાના વિદ્વાન કૃષિશાસ્ત્રી અને ત્રણ વખત અમેરિકન પ્રમુખ પદની ચૂંટણી હારી જનારા વિદ્વાન વિલિયમ જેનિંગ્ઝ બ્રાયાને ઉચ્ચારેલું. ખેતીવાડી જ જગતને ઉગારશે. અણુબોમ્બ પડે પછી વરસો સુધી કારખાનાં નહીં ઉઝરે પણ ખેતરો અને ખેતી સજીવન થશે.
રિઝર્વ બેન્ક વિશેના લેખનો ‘મસાલો’ પુસ્તકોમાં જોતો હતો, ત્યારે જોયું કે નવી દિલ્હીના રિઝર્વ બેન્કના દરવાજા ઉપર એક યક્ષિણીનું પૂતળુ મૂક્યું છે અને કોઈ ખેતીવાડીના ચાહક ઓફિસરે આ પૂતળા નીચે લખ્યું છે, ‘પ્રોસ્પરિટી થ્રૂ એગ્રિકલ્ચર’ રિઝર્વ બેન્કનું આ સૂત્ર માત્ર પૂતળા પાસે જ રહ્યું છે. ભારતમાં નાના નાના ખેડૂતો ભાંગતા જાય છે. ખેડૂતો ખેતી છોડીને અને મોટા મોટા ખમતીધરોને કે રાજકારણની વગવાળાને ખેતરો વેચી શહેરમાં મજૂર કે હીરાઘસુ કે અમુક તો ભીખ માગતા થયા છે. યક્ષિણીનું પૂતળું આઠ દાયકા પહેલાં રિઝર્વ બેન્કને દરવાજે મૂકનાર અને ખેતીને સમૃદ્ધિનું દ્વાર બતાવનાર કોઈ કલાકાર કે રિઝર્વ બેન્કનો વડો ખેતીનો ચાહક હોવો જોઈએ.

તમે મુંબઈમાં મોટાં કારખાનાં કે ઉદ્યોગ ધરાવનારા જે ગુજરાતના ગામડેથી આવી મુંબઈમાં પણ ફાર્મ, ફાર્મહાઉસ કે યાંત્રિક ખેતી કરનારા કોઈ કોઈ ઉદ્યોગપતિને જોશો. મુંબઈના પૂર્વ શૅરિફ ડૉ. મોહન પટેલ પાસે મોટું કારખાનું છે, પણ સાથે ફાર્મ જીવતું રાખ્યું છે. કવિ પ્રભાશંકર પટ્ટણીએ લખ્યું છે કે, ‘રે ખેડૂત, તું ખરે જગતનો તાત ગણાયો - આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો’ આ ‘ખેતીની સમૃદ્ધિ’ કાવ્ય પૂરતી રહી છે. પ્રોસ્પરિટી થ્રૂ એગ્રિકલ્ચરનું સૂત્ર નવી દિલ્હીની રિઝર્વ બેન્કને દરવાજે જ શોભારૂપ રહ્યું છે. મારા પિતાએ વારસામાં આપેલી 40 વીઘાની કૂવાવાળી વાડી સસ્તામાં વેચી નાખ્યા બાદ આજે એ વાડી વેચાતી લેનાર ખેડૂતે ગામડામાં એક રિસોર્ટ બનાવ્યો છે અને ગામડામાં રહીને પણ શહેરી જેટલું જ કમાય છે.

વેબસ્ટરની ડિક્શનરીના કર્તા ડો. ડેનિયલ વેબસ્ટરે કહ્યું કે જગતનો ઇતિહાસ જુઓ- પ્રથમ ખેતર ખેડાય છે, પછી જ ત્યાં તમામ કળા ખીલે છે. ધ એગ્રિકલ્ચર શબ્દમાં ‘કલ્ચર’ શબ્દ છે. એક જૂના લેખકે કહેલું કે ખેડૂત પાસે કૅલેન્ડર હોતું નથી. તેનું હૈયું જ તેનું કૅલેન્ડર છે. તે વાવણી અને લણણી કે લણણીમાં મોડો પડે, તો તમામ ક્ષેત્રમાં મોડો અને મોળો પડે છે. મેં બી.કોમ. પછી થોડો સમય ખેતી કરેલી એટલે મને ખબર છે કે ખેડૂત આકાશવૃત્તિ રાખે છે, પણ વગર કૅલેન્ડરે તમામ કૃષિનું કામ સમયસર- ‘ઘડિયાળને કાંટે’ કરે છે.

રાજવીઓ દક્ષિણામાં જમીનો આપતા. ખેતીની જમીન માટે લડાઈઓ થતી અને બહારવટા પણ ખેડાતાં, પણ પછી 21મી સદીમાં તો ‘આલિયો-માલિયો સૌ સાચી કે ખોટી રીતે પૈસાદાર થવા માંડ્યા અને શહેર કે ગામડામાં જથ્થાબંધ રીતે ખેતરો ખરીદવા માંડ્યા. રાજકારણીઓએ જગતના તાતને ખેતીમાથી હાંકી કાઢીને તેને જગતનો મજૂર બનાવી દીધો. રિઝર્વ બેન્કના પ્રવેશદ્વારે મૂકેલાં પૂતળા નીચે લખેલા સૂત્રને ખેતીને ચાહનારા કોઈ રાજનેતાએ યથાર્થ બનાવીને ખેડૂતને ખરેખર પાછો જગતનો તાત બનાવવો જોઈએ.

ખેતીવાડી માટે એગ્રિકલ્ચર સાયન્સ ભણાવવા કૉલેજો નહોતી. છેક 1862માં અમેરિકન કૉંગ્રેસ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર ઊભું ર્ક્યું. પહેલાં તો વેપાર ઓછો હતો ને ખેતી જ ખેતી હતી. ખેતીનો દેવતા ‘ક્ષેત્રપાળ’ હતો. માણસ પગપાળો કે બળદગાડામાં સફર કરતો અને એક ગામથી બીજા ગામનુ અંતર પણ ‘ખેતર’થી મપાતું. આજે પણ ગામડે જાઓ, તો સાંભળવા મળશે કે અમારું ગામ સ્ટેશનથી એક ‘ખેતરવા’ છેટું છે.

આપણે 21મી સદી અને આજના અર્થતંત્રની વાત કરીએ, તો પ્રથમવાર ગુજરાતના ગામડાના કોઈ ખેડૂતના પૌત્ર કે પ્રપૌત્ર ડૉ. ઉર્જિત પટેલ રિઝર્વ બેન્કના ગવર્નર બન્યા છે. તેઓ ભારતમાં બહુ ભણ્યા નથી. આમ છતાં, આશા રાખીએ કે રિઝર્વ બેન્ક ધિરાણોમાં અને ભારતના અર્થતંત્રના પ્રશ્નો ઉકેલવામાં ગામડાના નાના-નાના ખેડૂતો કેમ ‘ભાંગવા’ માંડ્યા છે અને જગતના તાતને બદલે સુરતના હીરાના નિકાસકારનો હીરાઘસુ મજૂર બનવું પડે છે?- તેનો પ્રશ્ન હાથ ધરે.

‘પ્રોસ્પરિટી’ શબ્દ બહુ વપરાય છે. શું આજે ખેતીવાડી પ્રોસ્પરિટી લાવે છે? સૌ પ્રથમ તો નાના-મધ્યમ ખેડૂતને માટે ખેતી વેચવાનો કપરો સમય આવે તેવી કરુણ હાલત છે. ટૂંકમાં, તમે ગમે તે ગામ કે શહેર કે પરદેશ રહેતા હો, વતનમાં તમારી પાસે એક ખેતર રાખજો અને તમને ખેડૂત તરીકે ગણાવવાનો હક્ક આપજો. આજે મને કલમની ખેતી દૂઝે છે, પણ જમીનની ખેતીને મને હજી એવી ને એવી ભૂખ છે.
અન્ય સમાચારો પણ છે...