તમારે સોથી એકસો પચીસ વર્ષ જીવવું છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયનની વ્યાખ્યા ડૉ. એમ્બ્રોઝ બિયર્સે ‘ધ ડેવિલ્સ ડિક્શનરી’માં કરી છે. ‘ધર્મ એ એક જાતની આશા-પુત્રી છે. ધર્મ એ આશા સાથે ડરાવનારી ચીજ અને વિષય છે. ટૂંકમાં, જે જાણવું ગહન છે તે ન જાણી શકાય તેવી વસ્તુ ધર્મ છે, પરંતુ ઈશ્વરે ધર્મ દ્વારા જે ‘કાનૂનો’ ઘડ્યા છે, તે કાનૂનો આપણા સૌના ભલા માટે છે, તેમ ‘એલિમેન્ટરી મોરાલિટી’ પુસ્તકમાં ડૉ. સેમ્યુએલ બટલરે કહ્યું છે. ટૂંકમાં, મને, તમને અને સૌને પોતપોતાના ધર્મને પાળ્યા વગર છૂટકો નથી. ધર્મમાં નહીં માનનારા આંગળીને વેઢે ગણાય તેટલા નાસ્તિક ભારતમા માંડ હશે. યુરોપમાં થોડાક વધુ છે. હવે યુરોપમાં વધે છે.

પણ, આપણે તો આ લેખમાં વાર્તાઓ દ્વારા, કથા દ્વારા ધર્મને જીવતો રાખનારા સંતને યાદ કરવા છે. 79 વર્ષ પહેલાં સાત વર્ષની ઉંમરે મહુવાની ‘ગ્લોબ ટોકિઝ’માં સંત તુલસીદાસ, ભક્ત તુલસીદાસ કે તુલસીદાસને લગતી ફિલ્મો આવતી તે ભક્તિપૂર્વક જોતા. એક આનાની ટિકિટ લઈને ટોકિઝમાં ફિલ્મ જોવા જમીન પર બેસતા. ફિલ્મ જોવી એ પણ અવસર હતો. તુલસીદાસની ફિલ્મ જોવા જતા પહેલાં સાંજે બીજી વખત સ્નાન કરતો. ફૈબાને ઘરે ભણતો એટલે પાડોશી પાસે ચાંદલો કરાવતો અને પછી મહુવાના વિશ્વકર્મા રોડના પરમાર હાઉસમાંથી બહાર નીકળીએ, ત્યારે કોઈ સારા શુકન જોઈને ઘરમાંથી નીકળતા. ફિલ્મ શરૂ થતા પહેલાં ગ્લોબ ટોકિઝમાં મહારાજા કૃષ્ણકુમારની તસવીર દેખાતી. તેને પગે લાગતા અને પછી સંત તુલસીદાસની ફિલ્મ શરૂ થાય, એટલે વારંવાર ભોંય ઉપર બેઠાં બેઠાં તુલસીવંદન કરીએ.

અયોધ્યાના કુમારી મંદાકિની શ્રીરામ કિંકર, જબલપુરના ડૉ. અખિલેશ શ્રીવાસ્તવ અને મધ્ય પ્રદેશના ભાગવત પ્રસાદને તલગાજરડામાં આજકાલમાં તુલસીદાસ એવૉર્ડ અપાશે, ત્યારે સંત તુલસીદાસ વિશે લખવાનો અવસર આંચકી લઉં છું. સંત તુલસીદાસ કવિ કૂલભૂષણ ગોસ્વામી તુલસીદાસ કહેવાતા. કહેવાય છે કે, તેમનો જન્મ 1554માં થયો હતો. પિતાનું નામ આત્મારામ દુબે હતું અને માતાનું નામ તુલસી અગર થુલસી હતું. કહેવાય છે કે જન્મતી વખત સંત તુલસીદાસ રડ્યા નહોતા, પણ તેમના મોંમાંથી ‘રામ’ શબ્દ નીકળ્યો હતો! આજે 21મી સદીમાં 2016માં ઘણાં મેધાવી બાળકો યુરોપ-અમેરિકા અને ભારતમા જન્મે છે, પણ મેધાવી બાળકોની સિલેક્ટેડ શરૂઆત 500 કરતાં વધુ વર્ષ પહેલાં થઈ ગઈ હતી, તેવું લાગે છે. (તુલસીદાસ પરથી).

તુલસીદાસ જન્મતાવેંત પ્રખર મેધા બતાવતા હતા, એટલે માતા-પિતા ડરી ગયાં. એટલે માતા-પિતાએ તુલસી-થુલસી નામની માતાની દાસીને ઘરે બાળક તુલસીદાસને આપી દીધા. લોકો તેને ‘રામબોલા’ પણ કહેતા. આ બાળક તુલસીદાસે તેના ગુરુજીને રામચરિતમાનસ કંઠસ્થ કરીને સંભળાવ્યું, ત્યારે જ તેનું નામ વિધિવત્ તુલસીદાસ રાખવામાં આવ્યું. એ પછી તુલસીદાસ કાશી-બનારસ ગયા અને પંદર વર્ષ વેદોનું અધ્યયન ર્ક્યું અને ત્યાં જ તેના ગુરુ પંડિત દીનબંધુ પાઠકની પુત્રી રત્નાવલી સાથે તુલસીદાસનું લગ્ન થયું.

આ આખો લેખ અને જૂની વાત ઉખેડવાનો શું અર્થ છે? આજના કોમ્પ્યુટર-મોબાઇલ યુગની પ્રજાને માટે તુલસીદાસજીનું જીવનચરિત્ર કઈ રીતે રેલેવન્ટ છે? કઈ રીતે માર્ગદર્શક છે? પ્રથમ વાત એ કે તુલસીદાસજીથી માંડીને આજ સુધીના મહાત્મા કે ઋષિ જોઈ જાઓ. અમેરિકા અને યુરોપનાં આજ સુધીના નેતાઓ જોઈ જાઓ. અગાઉ લખી ગયો છું કે, 99.9 ટકા નેતાઓ પરણેલા છે. રામ સજોડે હતા, કૃષ્ણ સજોડે હતા. તમને દેખાશે કે દરેક દેશનો વડો ધબધબતો ગૃહસ્થી માલૂમ પડ્યો છે.

આપણે તુલસીદાસના જીવનચરિત્રનો દોર સાધીએ, તો તુલસીદાસજીને શ્રીરામનાં દર્શન કરવા માટે હનુમાનજીની લાગવગ લગાવવા, તેની ભક્તિ કરવી પડી. 1607માં મૌની અમાસના દિવસે રામ પ્રગટ થયા, ત્યારે દર્શન ર્ક્યાં. આવો બધો ચારસો-પાંચસો વર્ષ પહેલાંની કથાનો કુથો છે. યુવાન વાચકો ફરી પૂછશે કે આજે આ બધી જૂની કથા અમારા કાનમા શું કામ રેડવી જોઈએ?

રામાયણને મૂળ સંસ્કૃતમાં લખનારા તરીકે તુલસીદાસજી પ્રખ્યાત છે, પણ બચપણમાં પાંચ વર્ષની ઉંમરે તુલસીદાસ ઘરે-ઘરે ભીખ માગતા હતા. પછી ધર્મકથામાં કહેવાય છે કે, દેવી પાર્વતીએ બ્રાહ્મણીનો વેશ ધારણ કરીને, રામબોલાને ખોળે લીધો. તુલસીદાસનું કવિત્વ સંસ્કૃતમાં કવિતા લખવા પૂરતું મર્યાદિત હતું, પણ પછી દેવીઆજ્ઞાથી અવધી ભાષામાં લખ્યું અને આપણે હિન્દીમાં પ્રાપ્ત થયું. હવે મારે કહેવાની આ લેખાના હેતુની મુખ્ય વાત આવે છે. તુલસીદાસજી 1554માં જન્મીને 1680માં મરણ પામ્યા.
‘હિન્દીએસે’ નામની વેબસાઇટ બતાવે છે કે, તેઓ 126 વર્ષ જીવ્યા હતા. રિપીટ, 126 વર્ષ જીવ્યા હતા. તો? તો એટલું જ કે 1554 એટલે કે 400-500 વર્ષ પહેલાં 126 વર્ષ જીવાતું હોય, તો 2016 અને 21મી સદીમાં હું, તમે સૌ સવાસો વર્ષ કે ઓછામાં ઓછું 100 વર્ષ તો જીવી શકીએ છીએ. જૈન સાધુઓને મેં દક્ષિણ ભારતની મુડબિદ્રીની ગુફામાં દિગમ્બર અવસ્થામાં સો-સવાસો વર્ષનું આયુષ્ય ભોગવતા જોયા છે.

તમે વાચક તરીકે કહેશો કે અમને તો આ ગુજરાતી કવિતા ગમે છે - ‘આજનો લ્હાવો લિજીએ કાલ કોણે દીઠી રે?’ આ લખનારા બહુ જૂનવાણી હતા. ત્યારે હજી કોમ્પ્યુટર શોધાયાં નહોતાં, મોબાઇલ નહોતા. આજના નવાં નવાં ઇલેક્ટ્રોનિક્સનાં રમકડાં નહોતાં. જેમાંથી તમે એક હાથમાં તે ‘રમકડા’ને પકડીને આખી દુનિયા સાથે વાત કરી શકો. દુનિયાના ખેલ જોઈ શકો. ખેલ કરી શકો. ઇલેક્ટ્રોનિક રમકડાં સાથે ખેલ કરી શકો અને હજી નવું ઘણું ઘણું જોવાનું આવશે. તે નવું નવું જોવા તમારે 100 કે 126 વર્ષ જીવવું જ જોઈએ. હું પોતે 100 વર્ષ જીવીને એ ઉંમરે પણ લેખ લખવા માગું છું અને પંડિત સ્વ. હૃદયનાથજી (ઋષિકેશવાળા)ની માફક હવા ખાઈને જીવી શકું, તો 126 વર્ષ જીવવું છે. દુનિયાના નવા નવા ખેલ જોવા છે.
અન્ય સમાચારો પણ છે...