મહારાષ્ટ્રમાં કંઇ પણ બની શકે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મહારાષ્ટ્રમાં કંઇ પણ બની શકે છે
- શરદ પવાર દાવપેચ લડાવે છે | મહારાષ્ટ્રમાં ભાજપની સફળતાનો યશ નરેન્દ્ર મોદીને જ મળવો જોઇએ

હરિયાણામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો એટલો મહારાષ્ટ્રમાં ચાલ્યો નથી, તો પણ મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હોય તો તેની ક્રેડિટ મોદીની ઝંઝાવાતી રેલીઓને જ આપવી પડે. હરિયાણામાં સરકાર બનાવવા ભાજપને કોઇ અન્ય પક્ષના સહારાની જરૂર નહીં પડે, પણ મહારાષ્ટ્રમાં ત્રિશંકુ વિધાનસભાનું સર્જન થયું હોવાથી ભાજપે સત્તાના સિંહાસન સુધી પહોંચવા ગઠબંધન કરવું પડશે અને બાંધછોડ પણ કરવી પડશે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાના તમામ વિકલ્પો અત્યારે ખુલ્લા છે.

પહેલો અને સૌથી મજબૂત વિકલ્પ છે, શિવસેના-ભાજપની યુતિ સરકાર. આ વિકલ્પ ૧૫ વર્ષ અગાઉ અસ્તિત્વમાં હતો અને બરાબર ચાલતો હતો. ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાને કારણે આ યુતિ તૂટી ગઇ હતી. હવે જો પોતાને મળેલી ઓછી બેઠકોમાંથી બોધપાઠ લઇને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદનો આગ્રહ જતો કરે તો મહારાષ્ટ્રમાં જપ-શિવસેનાની યુતિ સરકાર અસ્તિત્વમાં આવી શકે છે, જેના મુખ્ય પ્રધાન ભાજપના જ હોવા જોઇએ. બીજો વિકલ્પ એ છે કે શિવસેના અને ભાજપ અઢી-અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદના વારા કાઢે.

જોકે ભાજપને મળેલી બેઠકો જોતાં ભાજપના નેતાઓ આ વિકલ્પ માટે તૈયાર થાય તેવી સંભાવના બહુ ઓછી છે. આ સંયોગોમાં શિવસેના ભાજપ સરકારને સમર્થન આપવાના બદલામાં રાજ્યના અને કેન્દ્રના પ્રધાનમંડળમાં પોતાના સભ્યોનો બહોળી સંખ્યામાં સમાવેશ કરવાની સોદાબાજી કરે તેવી સંભાવના છે.જો શિવસેના મુખ્ય પ્રધાનપદના દાવાને જિદથી વળગી રહે અને કોઇ પણ જાતની બાંધછોડ કરવા તૈયાર ન થાય તો ભાજપ માટે શિવસેના અસ્પૃશ્ય બની જશે.

શિવસેનાના સાથ વગર પણ જો મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર બનાવવી હોય તો એકમાત્ર વિકલ્પ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ બાકી રહે છે, કારણ કે કોંગ્રેસનો સાથ લઇને મહારાષ્ટ્રમાં કે અન્ય કોઇ રાજ્યમાં સરકાર બનાવવાની કલ્પનાસુદ્ધાં ભાજપના નેતાઓ કરી શકે નહીં.મહારાષ્ટ્રના ચૂંટણીપ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ સૌથી કાતિલ હુમલો શરદ પવારના કથિત ભ્રષ્ટાચાર સામે કર્યો હતો. આ દૃષ્ટિએ ભાજપના નેતાઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે યુતિ કરવા તૈયાર ન થાય, પણ રાજકારણમાં કંઇ પણ બની શકે છે.
ભાજપ જો શિવસેનાની અઘટિત માંગણીઓ સામે ઝૂકવા ન માંગતો હોય તો તેણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે ભાગીદારી કરવાનો વિકલ્પ અપનાવવો પડશે. શરદ પવાર આ માટે તૈયાર છે. જોકે મહારાષ્ટ્રમાં ભાજપને ટેકો આપવાની કિંમત શરદ પવાર પણ માગ્યા વિના રહેશે નહીં. તેઓ કદાચ કેન્દ્રમાં પણ એનડીએની સરકારમાં ભાગીદારી માંગે અને ફરી પાછા પ્રધાન બની જાય તેવું પણ બની શકે છે.શરદ પવાર એક બાજુ ભાજપના નેતાઓને “ફીલર્સ” મોકલી રહ્યા છે તો બીજી બાજુ તેમણે શિવસેના સાથે કુલડીમાં ગોળ ભાંગવાનું ચાલુ રાખ્યું છે.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને એકાએક શરદ પવાર માટે સહાનુભૂતિ ઉભરાઇ આવી છે. ભાજપને સત્તાથી દૂર રાખવા મહારાષ્ટ્રમાં શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસને સાથે લાવવાનો ચમત્કાર શરદ પવાર કરી શકે છે. જોકે શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની બેઠકોનો સરવાળો કરીએ તો પણ ૧૪૫ના જાદુઇ આંકડાની તેઓ નજીક પહોંચતા નથી. આ સંયોગોમાં કોંગ્રેસ તેમને બહારથી ટેકો પણ આપી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી તેનું અર્થઘટન કેટલાક લોકો એવું કરે છે કે હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં મોદીનું મેજીક ચાલ્યું નથી.

હકીકત કાંઇક અલગ છે. ઇ.સ. ૨૦૦૯માં મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપની યુતિ હતી તો પણ ભાજપને ૪૬ બેઠકો જ મળી હતી. ૨૦૧૪માં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સામે એકલે હાથે ચૂંટણી લડીને ભાજપને બમણા કરતાં વધુ બેઠકો મળી તેનો સૌથી વધુ યશ નરેન્દ્ર મોદીને મળવો જોઇએ. જો નરેન્દ્ર મોદીનો જાદુ ન ચાલ્યો હોત તો ભાજપને ૫૦ બેઠકો પણ માંડમાંડ મળત. જો મહારાષ્ટ્રમાં સ્થાનિક મજબૂત નેતાગીરી હોત અને સંગઠનનું માળખું મજબૂત હોત તો ભાજપને સ્પષ્ટ બહુમતી પણ મળી શકતી.

નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે.મહારાષ્ટ્રની પ્રજાએ મતપેટીઓ દ્વારા પોતાનો સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે કે તેમને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ સરકાર જોઇતી નથી. જો ભાજપ અથવા શિવસેના શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસની મદદ લઇને સરકાર બનાવશે તો તે મતદોરોના ચુકાદાનો અનાદર હશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મળેલા કારમા પરાજયના પરિણામે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણની રાજકીય કારકિર્દી જોખમમાં આવી પડી છે.

રાજ ઠાકરેનું રાજકીય ભવિષ્ય અત્યંત ધૂંધળું બની ગયું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના જ ખરી સેના છે, અને બાળ ઠાકરેના રાજકીય વારસ ઉદ્ધવ છે, એટલું આ ચૂંટણીએ નિર્વિવાદપણે સાબિત કરી દીધું છે.મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતમાં તમામ રાજકીય પક્ષોના તમામ નેતાઓ અત્યારે દાવપેચ લડાવવામાં વ્યસ્ત છે. પંચકોણિય મુકાબલામાં કોઇ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવી સંભાવના બહુ ઓછી જ હોય છે.

આ સંયોગોમાં કોની સરકાર રચાશે, કેવી સરકાર રચાશે અને સરકારમાં કોણ જોડાશે તેનું ચિત્ર બે-ત્રણ દિવસમાં સ્પષ્ટ થઇ જશે. ત્યાં સુધી જોડતોડના તમાશાઓ જોવા મળશે. આ તમાશાઓમાં રાજકીય પક્ષોની અસલિયતનો પરિચય પણ મતદારોને થશે. આ તમાશામાં મતદારોની ભૂમિકા માત્ર પ્રેક્ષકની જ રહેશે.
@ sanjay.vora@dbcorp.in