તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાચીન કાળનું મહિલા સશક્તિકરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલાઓને ‘બિચારી-બાપડી’ ગણાવીને સશક્ત કરી નાખવા મહિલા સશક્તિકરણ અભિયાનોની આહલેક જગાવતા કે બાંગ પોકારતા સત્તાધીશો કે રાજકીય નેતાઓનો આપણે ત્યાં તોટો નથી. ‘બિચારી દુઃખી અબળાઓ’ પર ઉપકાર કરવા મેદાને પડનાર ‘ઝોળાછાપ એનજીઓ’(નરેન્દ્ર મોદીના શબ્દોમાં)ના સૂત્રધારો ફાટફાટ થાય છે. ત્યારે પ્રાચીન ભારતમાં ખરેખર મહિલાઓ કેટલી વિદ્વાન અને બળૂકી હતી એ જણાવવા માટે સરકારે ખાસ તાલીમીવર્ગોનું આયોજન કરવાની જરૂર ઊભી થઈ છે. 

ભારતના પ્રાચીન વારસાના અજ્ઞાન કે અધૂરા જ્ઞાનને કારણે પશ્ચિમના દેશોની ‘વિમેનલિબ’ કે અન્ય ચળવળોમાં આદર્શ શોધનારાઓનો પણ તોટો નથી. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનાં અભિયાનો આદરવામાં આવતાં હોય ત્યારે છેક વેદકાળથી વિવિધ તબક્કાઓમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી એ શાળા-કૉલેજોમાં શીખવવું જોઇએ. એ માટે હવે બ્રિટિશ શાસકો પાસે ખોળો પાથરવા જવાની જરૂર નથી. સ્વદેશી રાજ્ય સરકારોની અભ્યાસક્રમ તૈયાર કરનારી સંસ્થાઓના દેશી અધ્યાપકો અને નિષ્ણાતો તેમજ યુનિવર્સિટીના બૉર્ડ ઑફ સ્ટડીઝ નક્કી કરી શકે છે. ભારતીય ગૌરવની બાબતો અભ્યાસક્રમમાં કેમ દાખલ કરાતી નથી, એવા પ્રશ્નો ઊઠાવીને હજુ લૉર્ડ મૅકોલેને ભાંડવામાં આપણે બુદ્ધિનાં પ્રદર્શન કરીએ છીએ. અંગ્રેજ ગયાને સાત દાયકા વીત્યા અને ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના જ્યોતિર્ધરો દાયકાઓથી રાજ્યમાં અને હવે તો કેન્દ્રમાં પણ કેટલાંક વર્ષથી રાજ કરે છે છતાં અભ્યાસક્રમની સ્થિતિ યથાવત્ છે.

ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર હશે જેમાં પ્રાચીનકાળથી સ્ત્રીઓ અગ્રક્રમે ન હોય. વેદ-ઉપનિષદ-પુરાણના સમયગાળામાં ગર્વ લઈ શકાય એટલી હદે પ્રત્યેક ક્ષેત્રમાં સ્ત્રીઓની ઉપલબ્ધિઓ જોવા મળે છે. સ્મૃતિકાળ એમાં થોડો નંદવાઈ ગયો, પણ મનુસ્મૃતિ કંઈ નારીને ‘તાડનની અધિકારી’ જ કહે છે એવું સાવ નથી. એમાં પણ સ્ત્રીઓનો આદર કરવાની પરંપરાને અખંડ રખાયા છતાં શિક્ષણના કન્યાના અધિકાર પર તરાપ આવતી અનુભવાય છે. વેદકાળમાં કન્યા માટે શિક્ષણ અનિવાર્ય હતું, એમાં ઓટ આવેલી જરૂર લાગે છે. મહાત્મા ગાંધીએ આખા આયખા દરમિયાન, ભારતીય સંસ્કૃતિને આધારે જ, વિપુલ પ્રમાણમાં અર્થઘટનો કરવાનું પસંદ કર્યું હતું. તેમણે સ્ત્રીને અબળા કહેવાને બદલે સદાય સબળા કહેવાનું પસંદ કર્યું છે. 

એથીય આગળ વધીને એમણે તો મહિલાને પુરુષ સમોવડી નહીં, પણ પુરુષો કરતાં વધુ પ્રતિભાવંત લેખાવી છે. વિવિધ સમયગાળામાં સ્ત્રીઓની સ્થિતિ વિશે વિશદ સંશોધન કરનાર ડૉ. ટીના દોશીના મતે, વેદથી મહાભારત સુધીનાં નારીપાત્રો વ્યથા અને વેદનાની નહીં, વીરતા અને વિદ્વત્તાની કથા જેવાં છે. વેદથી મહાભારત સુધીના સમયગાળાની સ્ત્રીઓનાં, જન્મથી લઈને મરણ સુધીનાં, તમામ પાસાંને આવરી લેતા તેમના આ વિશ્વકોશનો 820 પાનાંનો પ્રથમ દળદાર ગ્રંથ પ્રકાશિત પણ થઈ ચૂક્યો છે. એમાં વેદકાળથી લઈને બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, સૂત્ર, સ્મૃતિ, પુરાણ, રામાયણ અને મહાભારત સુધીના સમયગાળાનાં અનેક સ્ત્રીપાત્રોનાં સાવ અજાણ્યાં પાસાંની અધિકૃત ગ્રંથોને આધારે વિગતવાર છણાવટ થઈ છે. હજુ ચાર ગ્રંથ પર કામ ચાલુ છે.

તેમના સંશોધનનાં કેટલાંક તારણ આ પ્રમાણે છે: વેદકાલીન કન્યાને ભણાવવામાં આવતી એટલું જ નહીં, કન્યા માટે શિક્ષણ મેળવવું અનિવાર્ય પણ હતું, વૈદિક કન્યાને બે પ્રકારનું શિક્ષણ અપાતું: લૌકિક અને આધ્યાત્મિક. લૌકિક શિક્ષણમાં સંગીત અને નૃત્ય જેવી કળાઓમાં કન્યા કુશળતા પ્રાપ્ત કરતી. યુદ્ધશાસ્ત્રમાં રસ હોય તેવી કન્યાઓ લશ્કરી તાલીમ મેળવતી. આધ્યાત્મિક શિક્ષણમાં ધર્મશાસ્ત્રો, ઐતિહાસિક પરંપરા અને પૌરાણિક સંદર્ભનું જ્ઞાન અપાતું. કેટલીક વિદુષીઓ વેદમંત્ર રચનારી ઋષિકાઓ પણ હતી. વેદગ્રંથોમાં આવી 26 જેટલી ઋષિકાઓમાં રોમશા, લોપામુદ્રા, અદિતિ, દાક્ષાયણી, વિશ્વવારા, અપાલા, આત્રેયી વગેરેએ મળીને 450 કરતાં પણ વધુ મંત્રોની રચના કરી હતી. વેદકાલીન સ્ત્રી ન્યાય તોળીને દુષ્ટનું દમન કરવા ઉપરાંત અપાલાની જેમ યુદ્ધમાં પણ જતી હતી. વેદકાળમાં પરદા પ્રથાનું અસ્તિત્વ નહોતું. એટલું જ નહીં, સ્ત્રીઓ જાહેરમાં ભાષણો કરવા ઉપરાંત યજ્ઞ અને ઉત્સવોમાં પણ સામેલ થતી હતી. સોળ વર્ષની કન્યા વિવાહ માટે યોગ્ય ઉંમરની ગણાતી. એ પોતાના જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતા ધરાવતી હતી અને ઈચ્છે તો અપરિણીત રહીને ઉચ્ચ અભ્યાસ પણ કરી શકતી હતી. વેદકાળમાં સતીપ્રથા નહોતી. પુન:લગ્ન કરવાની મોકળાશ હતી.

પૌરાણિક કાળના લોકો પુત્રીજન્મની કામના કરતા જોવા મળે છે. બ્રહ્મપુરાણમાં કન્યાનો મહિમા કરાયો છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ પોતાને ઘેર દીકરી જન્મે એની કામના કરતા હતા. વર અને વધૂની પસંદગી અંગેના નિર્દેશો પણ આ સમયગાળામાં જોવા મળે છે. બહુવિવાહનું પ્રચલન હતું. ચારેય વર્ણની સ્ત્રીઓ સાથે ગમનની જોગવાઈ વરાહ મહાપુરાણ દર્શાવે છે. પહેલી લખતીવાંચતી સ્ત્રી પદ્મપુરાણની સુલોચના હતી. તે પ્લક્ષદ્વીપની વિખ્યાતાનગરીના રાજા ગુણાકર અને રાણી સુશીલાની કુંવરી હતી. પહેલવહેલો પ્રેમપત્ર તાલધ્વજાના રાજકુમાર માધવે સુલોચનાને લખ્યો હતો. લખી-વાંચી શકતી સુલોચનાએ માધવને વળતો પત્ર લખ્યો હતો. બંનેનાં લગ્ન થયાં હતાં. એ જ રીતે રુકિમણીએ પોતાના હૈયાની વાત પહોંચાડવા શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખીને પોતાનું હરણ કરી જવા સૂચવ્યું હતું.

રામાયણકાળમાં પુત્રનું મહત્ત્વ વધુ જોવા મળે છે. જોકે માંગલિક અવસરો તો કન્યાઓની ઉપસ્થિતિથી જ શોભતા હતા. સ્ત્રીઓની ઓળખ માતા, પત્ની કે બહેન ઉપરાંત જ્ઞાનની વિશેષતા સાથે જોવા મળે છે. દા.ત. શ્રીરામની માતા કૌશલ્યા વેદમંત્રોની જાણકાર હોવાની સાથે ઔષધિશાસ્ત્રની જ્ઞાતા હતી. શ્રીરામની પત્ની સીતા સામુદ્રિકશાસ્ત્રની નિષ્ણાત હતી. ભરતની માતા કૈકેયી યુદ્ધકળામાં પારંગત હતી. રાવણની પત્ની મંદોદરી અસુરકુળની ઇતિહાસવિદ હતી. રાવણની બહેન શૂર્પણખા રાક્ષસકુળની રાજનીતિજ્ઞ હતી. કૈકેયી રાજ્યશુલ્કા હતી એટલે કે રાજા દશરથે તેની સાથે લગ્ન કર્યાં ત્યારથી જ એ કૈકેયરાજ સાથે શરતે બંધાયેલા હતા કે તેનાથી થનાર પુત્રને રાજ્ય આપશે. મહાભારતની દ્રૌપદીની ઓળખ એના ચીરહરણના પ્રસંગથી વિશેષ પણ છે. તે ગણિતશાસ્ત્રમાં પારંગત હતી. પાંડવોની નાણામંત્રી, મહેસૂલમંત્રી અને ગૃહમંત્રી હતી. કુંતીપુત્રોના ખજાનાનો વહીવટ તે એકલે હાથે કરતી હતી.

પશ્ચિમમાંથી આયાત થયેલું બધેબધું જ્ઞાન જ શ્રેષ્ઠ એવા ભ્રમમાં રહેલા આપણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની આગવી ઓળખ ખોઈ બેઠા છીએ. પાંચ હજાર વર્ષની સંસ્કૃતિનો ગર્વ કરવા માત્રથી વિશ્વગુરુ થઈ જવાય નહીં. ભારતીય જ્ઞાનને આજના સ્પર્ધાત્મક વિશ્વ સમક્ષ મૂકીને એના ચઢિયાતાપણાને સાબિત કરવાનું રહેશે. વેદકાળથી વર્તમાન સુધીના મહિલા સશક્તિકરણના તબક્કાઓનો ગહન અભ્યાસ કરીને, આત્મનિરીક્ષણ કરી, આપણે ક્યાં ઊણાં ઉતર્યાં એ તપાસીને, જાતે સુધરવાની જરૂર છે. 

ડૉ.હરિ દેસાઈ,  લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો