અમિત શાહ સ્કૂલ ઑફ ઇ-મેનેજમેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે અહીં ‘ઇ.’નો અર્થ ઇલેક્શન થાય છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા ઐતિહાસિક વિજયમાં ‘મોદી-પરિબળ’ કે ‘મોદી-કરિશ્મા’ જેટલું જ કે તેનાથી પણ બે દોરા વધારે મહત્ત્વનું પરિબળ અમિત શાહની વ્યૂહકારી છે, એવા અહેવાલ આવી રહ્યા છે. પરિણામ પછી કારણો આપવાનું બહુ સહેલું હોય છે - પછી તે હાર હોય કે જીત, પરંતુ અમિત શાહની વ્યૂહકારીને સાવ પચ્છમ-સમજૂતી તરીકે ખપાવી શકાય તેમ નથી.

ચૂંટણીમાં રાજનેતાની અપીલની સાથે ‘વિનેબિલિટી’- જીતક્ષમતાનું પરિબળ દાયકાઓથી મહત્ત્વનું ગણાતું રહ્યું છે. ‘વિનેબિલિટી’ના ઓઠા તળે કોમવાદ-જ્ઞાતિવાદ-પેટાજ્ઞાતિવાદ-પ્રાંતવાદ જેવાં અનેક વિભાજક પરિબળો અાશરો મેળવતાં રહ્યાં છે. મોટા ભાગના રાજકીય પક્ષોનો જમીની સંપર્ક તૂટ્યા પછી તેમને નિષ્ણાત વ્યૂહબાજોની જરૂર પડવા લાગી. પહેલાં જે કામ શિસ્તબદ્ધ કેડર અને તેમના આયોજનપૂર્વકના ઉપયોગ વડે થતું હતું, તે પરદેશમાં ભણેલા વ્યૂહકારો કે પ્રશાંત કિશોર જેવા વિચારધારાનિરપેક્ષ લોકો કરવા લાગ્યા. લોકોનું હિત નહીં, મત કેવી રીતે મેળવાય તેની વ્યૂહરચનાઓ ઘડાવા લાગી. સફળતા પણ મળી, પરંતુ વ્યૂહબાજીના ખેલમાં અમિત શાહ કાબેલ અને કાબા પુરવાર થયા છે. 

અમિત શાહની વ્યૂહરચનામાં સૌથી મહત્ત્વનું પરિબળ જમીની સંપર્ક અને છેવાડાના મતદાર સાથેનું જોડાણ છે. અમિત શાહે ઉત્તર પ્રદેશમાં વિજય મેળવવા માટે દરેક બૂથ - હા, દરેક બેઠક નહીં, દરેક બૂથ - દીઠ દસથી વીસ યુવાનોની ભરતી કરી હતી. સેંકડો યુવાનોને બાઇક આપીને ઉત્તર પ્રદેશના ખૂણેખૂણે સરકારની યોજનાઓના પ્રચાર અને તે વિશે લોકોના અભિપ્રાયો મેળવવા મોકલી દીધા હતા. 

જમીની કાર્યકર્તાઓની મદદથી મતદારોને પડતી તકલીફો અને તેમણે આપવાનાં સૂચનો એકઠાં કર્યાં અને સતત તેનું વિશ્લેષણ કરતા રહ્યા. એટલું જ નહીં, એ પ્રમાણે ચૂંટણીનાં સાત રાઉન્ડ દરમિયાન વ્યૂહરચના બદલતા રહ્યા, મુદ્દાના ઉમેરા-બાદબાકી કરતા રહ્યા. સમાજવાદી પક્ષ ઓબીસી સમુદાયમાંથી ફક્ત યાદવોને અને બહુજન સમાજ પક્ષ દલિતોમાંથી ફક્ત જાટવોને મહત્ત્વ આપતો હતો. અમિત શાહે યાદવ સિવાયના ઓબીસી અને જાટવ સિવાયના દલિતોને મોટા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપીને તેમને પાંખમાં લીધા. 

ઉત્તર પ્રદેશના આઇટી સેલ પાસે દરેકે દરેક બૂથની રજેરજ વિગતો ઉપલબ્ધ બનતી હતી અને આ રીતે માહિતી એકત્ર કરવામાં કન્ફર્મેશન બાયસ એટલે કે જેટલું અનુકૂળ હોય એટલું જ દેખાય એવી માનસિકતા કામ ન કરી જાય, તે માટે કાર્યકર્તાઓને પહેલાં પંદર દિવસની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત મુસ્લિમોને ટિકિટ નહીં આપવાનાં અને હિંદુ મતને એકજૂથ કરે એવાં ભાષણો તો ખરાં જ ખરાં. ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવામાં વપરાયું એવું બારીક મેનેજમેન્ટ શાસન કરવામાં વપરાય તો ગંગા નાહ્યા.  
અન્ય સમાચારો પણ છે...