મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજીત પવાર પોતાની પ્રતિષ્ઠા માટે મેદાને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ ભારતના રાજકારણમાં જે કોઇ ઊથલપાથલ થાય છે તેના મૂળમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હોય છે. ૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસાકૌભાંડને કારણે કેન્દ્રની યુપીએ સરકારના માથેથી ઘાત ગઇ તે પછી હવે મહારાષ્ટ્રનો વારો છે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઇ કૌભાંડમાં સંડોવણીના ગંભીર આક્ષેપને પગલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે રાજીનામું આપીને કોંગ્રેસ-એનસીપીની યુતિ સરકારને સંકટમાં મૂકી દીધી છે. અજિત પવારનાં આ રાજીનામાંને એનસીપીના સર્વેસવૉ શરદ પવાર સામેના બળવા તરીકે જોવાઇ રહ્યું છે અને તેને કારણે એનસીપીમાં ચાલતું વારસાયુદ્ધ સપાટી ઉપર આવી ગયું છે. અજિત પવારને આંગળી પકડીને રાજકારણમાં લાવનારા તેમના કાકા શરદ પવાર જ હતા. શરદ પવારની જ કૃપાથી તેમને મહારાષ્ટ્રનું નાયબ મુખ્ય પ્રધાનપદ મળ્યું હતું. શરદ પવાર દિલ્હીમાં રાષ્ટ્રીય રાજકારણના દાવપેચમાં વ્યસ્ત હતા ત્યારે અજિત પવારે મહારાષ્ટ્રના રાજકારણમાં અને એનસીપીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું હતું. સિંચાઇકૌભાંડમાં અજિત પવારનું નામ ઉછળ્યું તેનો લાગ જોઇને શરદ પવારે પોતાની પુત્રી સુપ્રિયા સૂળેને નાયબ મુખ્ય પ્રધાનપદ આપવાની તૈયારીઓ કરી લીધી હતી. મહારાષ્ટ્રમાં ઇ.સ. ૨૦૧૪ની લોકસભાની અને ત્યારબાદ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ પણ એનસીપી સુપ્રિયા સૂળેના નેતૃત્વ હેઠળ લડશે એમ કહેવાઇ રહ્યું હતું. શરદ પવાર થોડા સમયથી પક્ષમાં અજિત પવારની ઉપેક્ષા પણ કરી રહ્યાં હતાં. સુપ્રિયા મૂળેને તેઓ મહારાષ્ટ્રનાં ભવિષ્યનાં મુખ્યપ્રધાન તરીકે પણ પ્રોજેક્ટ કરી રહ્યા હતા. જો આવું બને તો અજિત પવારની રાજકીય કારકિર્દી ખતમ થઇ જાય તેમ હતું. આ કારણે અજિત પવારે લાગ જોઇને હથોડો માર્યો છે અને શરદ પવારની ગણતરીઓ ઉપર પાણી ફેરવી દીધું છે. ઇ.સ.૧૯૯૯થી ૨૦૦૯ દરમિયાન અજિત પવાર સિંચાઇખાતાના પ્રધાન હતા. તેમની ઉપર એવો આક્ષેપ છે કે તેમણે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઇ કોન્ટ્રેકટો પોતાના માનીતા કોન્ટ્રેકટરોને નિયમોની ઉપેક્ષા કરીને આપી દીધા, જેનો લાભ હજી સુધી મહારાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોને મળ્યો નથી. અજિત પવારના સ્થાને સિંચાઇપ્રધાન બનેલા એનસીપીના સુનિલ તટકરે ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. આ રીતે સિંચાઇ કૌભાંડમાં કુલ આશરે ૭૨,૦૦૦ કરોડ રૂપિયા વેડફાઇ ગયાં હતાં. મહારાષ્ટ્રના કોંગ્રેસી મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે એનસીપીને સકંજામાં લેવા આ કૌભાંડ બાબતમાં શ્વેતપત્ર કાઢવાની ઘોષણા કરી હતી. પૃથ્વીરાજ ચૌહાણને પાઠ ભણાવવા અજિત પવારે રાજીનામું આપ્યું હોવાનું પણ માનવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ બેઠકો છે. તે પૈકી કોંગ્રેસ પાસે ૮૨ અને એનસીપી પાસે ૬૨ બેઠકો હોવાથી તેમની યુતિનું સંખ્યાબળ ૧૪૪નું થાય છે. આ ઉપરાંત કેટલાક અપક્ષો પણ સરકારને ટેકો આપી રહ્યાં છે. જો એનસીપીના સભ્યો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લે તો પૃથ્વીરાજ ચૌહાણની સરકારનું કાચી સેકન્ડમાં પતન થઇ શકે છે. અજિત પવાર રાજીનામું આપીને સરકારનું પતન કરવા નથી માંગતા પણ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર અને કદાચ શરદ પવાર ઉપર દબાણ લાવીને પોતાનું ધાર્યું કરાવવા માંગે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ બાબતમાં ધીમી ગતિએ આગળ વધવાનું દબાણ આણવા શરદ પવારના કહેવાથી જ અજિત પવારે રાજીનામું આપ્યું હતું, પણ અજિત પવારે રાજીનામું આપ્યા પછી જે ચાલ રમી તેનાથી શરદ પવાર ઊંઘતા ઝડપાઇ ગયા હતાં. અજિત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન હોવા ઉપરાંત એનસીપીના વિધાનસભા પક્ષના નેતા પણ છે. તેમણે પોતાનું રાજીનામું મુખ્યપ્રધાનને મોકલી આપ્યું તે પછી અજિત પવારે પોતાના બંગલે એનસીપીના વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એનસીપીના બધા પ્રધાનોએ અજિત પવારના કહેવાથી પોતાનાં રાજીનામાં લખીને એનસીપીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ મધુકર પિચડને મોકલી દીધા હતાં. આ સ્ક્રિપ્ટ શરદ પવારે નહોતી લખી પણ તેના લેખક અજિત પવાર હતા. શરદ પવાર આ સમયે કોલકાતામાં હતાં. તેમને એનસીપીના બધાં પ્રધાનોનાં રાજીનામાંના સમાચાર મળ્યા ત્યારે તેઓ તે માની શક્યા નહોતાં. જોકે પીઢ રાજકારણી શરદ પવારે તરત જ સ્વસ્થતા કેળવીને કહ્યું હતું કે બધાં પ્રધાનો રાજીનામાં પાછા ખેંચી લેશે. શરદ પવારના આ હુકમનું એનસીપીના પ્રધાનો કેવું પાલન કરે છે એ હવે જોવાનું રહે છે.મહારાષ્ટ્રમાં એનસીપીના અનેક પ્રધાનો ગળાડૂબ ભ્રષ્ટાચાર માટે વગોવાઇ ગયા છે. સિંચાઇ પ્રધાન સુનિલ તટકરે સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ ચાલી રહી છે. એનસીપીના બીજા સિનિયર પ્રધાન છગન ભૂજબળ સામે મહારાષ્ટ્ર ભવનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટ ખાતાનાં પ્રધાન ગુલાબરાવ દેવકર તો જલગાંવ હાઉસિંગ કૌભાંડમાં જેલમાં પણ જઇ આવ્યા છે. તેમાંના કોઇ પ્રધાનને શરદ પવારે રાજીનામું આપવાનું ન કહ્યું પણ અજિત પવારને કહ્યું તેને કારણે આ મામલે બિચકયો હોય તેમ લાગે છે.શરદ પવારની મૂળ યોજના અજિત પવારનાં રાજીનામાં દ્વારા કેન્દ્રની નેતાગીરી ઉપર દબાણ લાવીને પૃથ્વીરાજ ચૌહાણને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી દૂર કરાવવાની હતી. અગાઉ પણ શરદ પવારે દિલ્હીમાં કોંગ્રેસ સામે બળવો કર્યો ત્યારે તેમની આ માંગણી હતી, જે મંજૂર રાખવામાં આવી નથી. હવે જો શરદ પવાર અને અજિત પવાર સંપી જાય તો ફરીથી તેઓ પૃથ્વીરાજ ચૌહાણની સરકારને જોખમમાં મૂકી શકે છે. મહારાષ્ટ્રના આ મહાભારતમાં શરદ પવારની મુત્સદ્દીગીરીની ખરી કસોટી થવાની છે.