'વય’નો મુદ્દો પાયાની સમજ માગી લે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સર્વપક્ષીય બેઠકઃ સવાલ સ્ત્રી વિ. પુરુષ અગર પુરુષ વિ. સ્ત્રીનો નથી, પણ સ્વસ્થ સમાજને લાયક પુખ્તતાનો છે

નિર્ભયા ઘટનાએ દેશજનતાને ઝકઝોરી જરૂર; પણ બળાત્કાર સમેત એકંદર જાતીય વલણ અને વ્યવહાર બાબતે સ્વસ્થ સમજ તેમજ રાજકીય સંકલ્પશક્તિની દૃષ્ટિએ હજુ કેટલું લાંબું અંતર કાપવાનું રહે છે એનો એક અંદાજ આ દિવસોમાં ૧૬ વરસની સંમતિવય આસપાસ જે વિવાદ ચાલી રહ્યો છે એમાંથી મળી રહે છે. સોમવારે સર્વપક્ષીય બેઠક વ્યાપક સહવિચાર માટે યોજાઈ રહી છે ત્યારે વાસ્તવિકતા એ છે કે કેન્દ્રીય કેબિનેટે સંમતિવયના મુદ્દે લીધે નિર્ણયની સાથે એકથી વધુ મંત્રીઓ સહિ‌ત ખુદ સત્તાપક્ષનાયે સંખ્યાબંધ સાંસદો પણ નથી.

જે એક સાદી પણ બુનિયાદી દલીલ ૧૬ વરસે સંમતિઅધિકાર બાબત સામે આવે છે એનો વિરોધ કરવો બેશક સરળ નથી. લગ્નસંબંધમાં ૧૮ વરસની વયમર્યાદા અનિવાર્ય લેખાતી રહી છે. આ કાનૂની ભૂમિકા આખરે કયે ધોરણે બની છે? કન્યા રજસ્વલા થાય, જૂની ઢબે કહેતાં 'વેશમાં આવે’ એટલા માત્રથી એને લગ્ન અર્થાત્ જાતીય સંબંધ યોગ્ય લેખવાની જૂની સમજથી આપણે આગળ ગયા છીએ. હવે ૧૮ ઉપરથી ૧૬ ઉપર જવાની વાતમાં (ભલે લગ્ન નહીં પણ 'સંમત સંબંધ’ના મુદ્દે) એક પ્રકારે પીછેકૂચ નથી એમ તો કહી શકાતું નથી.

જોકે આ આખી ચર્ચા આપણા સામાજિક આંતરવિરોધોની રીતે તપાસવા અને સમજવા જેવી છે. લગ્નવય વિષયક ચોક્કસ કાનૂની ધોરણ ઠરાવ્યા પછી આટલે વરસે પણ પ્રતિવર્ષ હજારો બાળલગ્નની કોઈ નવાઈ નથી. ૧૬ વરસે જાતીય સંબંધ સારુ સંમતિવય ગણાય કે નહીં એની આપણે ચર્ચા કરીએ છીએ, બીજી બાજુ એ વયે અને એથી વહેલાં લગ્ન અને સંબંધ ભોગવટા તેમજ પ્રસૂતિનો સિલસિલો જારી છે

ખરું જોતાં 'સંમતિવય’ જેવો શબ્દઘૂંટડો પણ કેમે કરીને ગળે ઉતારવો રહે છે, કેમ કે આ પ્રયોગ પાછળનો ઇતિહાસ આકરી સ્મૃતિએ ભરેલો અને ભારેલો છે. લગ્નની વય તેમજ જાતીય ભોગવટાની છૂટ બાબતે અંગ્રેજ વારામાં જ્યારે સુધારક કાયદાની હિ‌લચાલ ચાલી ત્યારે તમે કોણ અમારા ધર્મમાં હસ્તક્ષેપ કરનાર એવા અવાજો આપણે ત્યાંથી ઊઠયા હતા, અને એમાં એ સમયના મોટા માણસો પણ અપવાદ નહોતા. જ્યાં સુધી સુધારાનો સવાલ છે, સતીપ્રથાની નાબૂદીનો બેન્ટિંકનો નિર્ણય પણ એમ તો 'ધર્મમાં હસ્તક્ષેપ’ જ હતો ને.

રેનેસાંપુરુષ એટલા જ ધર્મપ્રવણ રાજા રામમોહન રાય ત્યારે આપણી વચ્ચે હતા, એ જુદી વાત છે, પણ જ્યારે ઘોર માસૂમ પરિણીતા સાથે અઘોર એવી લગ્નસુખ અધિકારની જડ પુરુષસત્તાક ચેષ્ટા થઈ ત્યારે એ બચાડી બાળકી 'સૌભાગ્યવતી’ના વરદાનપૂર્વક મરણને શરણ થઈ હતી. 'મંગલ મંદિર ખોલો દયામય’ના રચયિતા, ભગવદ્હૃદય અને લિબરલ સ્કૂલના નરસિંહરાવ દિવેટીઆ જેવા ત્યારે આપણી વચ્ચે હતા જેમને એ બાળકીનો ચિત્કાર સંભળાઈ શકતો હતો, એ ગનીમત.

આજે આટલે વરસે સમજ અને સંવેદનાની કસોટીએ ક્યાં ઊભા છીએ આપણે? નર્ભિયા ઘટનાએ આપણને ઝકર્ઝોયા તે સાથે આપણી કમજોરીઓ પણ ઓછી બહાર નથી આવી. બળાત્કારની શું વાત કરો છો, સ્ત્રી સાથેના પુરુષસત્તાક વ્યવહારની જ વાત કરો ને. હજુ ૨૦૦૯ સુધી સર્વોચ્ચ અદાલતનો પણ એ અધીન મત હોઈ શકતો હતો કે સાસરામાં કોઈ સ્ત્રીને ગડદાપાટુનો અનુભવ થાય તો એ કોઈ ક્રૂરતાનો કેસ નથી બનતો. જોકે, સદ્ભાગ્યે, ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે આ બાબતે દોષદુરસ્તીનો રાહ લીધો છે. પણ આ વાનું સંભારવાનું કારણ એટલું એક જ છે કે સ્ત્રીપુરુષ સમાનતા અને સ્વતંત્રતાની દિશામાં કેટલી લાંબી મજલ કાપવાની છે એનાં કંઈકે ઓસાણ રહે.

ખેર, ૧૬ વરસની સંમતિવય સિવાય પણ જે બધા મુદ્દાઓ સૂચિત કાનૂન-ચર્ચામાં આવ્યા છે એ પણ લક્ષમાં લેવા જોગ છે. સ્ત્રીને છૂપી રીતે જોવાની ચેષ્ટા કે તેનો સતત પીછો, એને પણ આવરી લેવાની વાત છે. હેવાલો પ્રમાણે સમાજવાદી પક્ષ આ બાબતે જુદું વલણ ધરાવે છે. એને એમ લાગે છે કે સમાજમાં સ્ત્રીપુરુષને મળવાનાં, સાથે કામ કરવાનાં ઠેકાણાં અને નિમિત્તો અગાઉને મુકાબલે ખાસાં વધી ગયાં છે. આમાં તમે ક્યાં કોનું ને કેટલું ધ્યાન રાખશો? નજર નાખવાનું, પૂંઠે પૂંઠે હીંડવાનું વિચાર્યું વણવિચાર્યું ચાલ્યા કરવાનું છે.

તમે જો સ્ત્રીપુરુષનાં ખાણીપીણીખરીદીનાં અલાયદા બજાર નથી રાખી શકતા, તો આવી બધી ઊઠવેઠ ટઈડપઈડ સિપાઈપરાંગીરી ક્યાં સુધી રાખી શકવાનાં હતાં. ભાઈ, આ વાત દેખીતી સાચી તોપણ ખોટી છે, અને દેખીતી ખોટી તોપણ સાચી છે. કારણ, સ્વાભાવિક હળવામળવાનું બને અને સૌ પરસ્પર ઊઘડતાં ચાલે, સહજરૂપે કોળે એ એક વાત છે અને ઇરાદાપૂર્વકની ચેષ્ટાઓ તે બીજી વાત છે. જે વસ્તુ નસિયત પાત્ર છે અને હોવી જોઈએ તે તો આ ઈરાદાપૂર્વકની ભદ્દી હરકતોની છે- અને એમાંયે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ એવું યૌન શોષણ રહેલું છે એ આપણા ખ્યાલમાં આવવું રહે છે અને એમાં કાયદાની ચોક્કસ ભૂમિકા છે તેમજ રહેશે.

છેવટે તો આ ચર્ચા કોઈ પુરુષદ્વેષી નારીવાદી ચળવળની અગર. તો ધરાર ધણીપણાવાદી પુરુષ માનસની નથી. જેમાં સ્ત્રીપુરુષ બેઉનાં સમાન સ્થાનમાન સખ્ય, સહજીવનની ભૂમિકાએ વિકસેવિલસે એવા સ્વસ્થ સજીવ સપ્રાણ સમાજની છે. સોમવારની સર્વપક્ષીય બેઠક આ પાયાની સમજથી કિનારો કરીને શાબ્દિક મારામારી અને જ્ઞાનતંતુઓના યુદ્ઘમાં ન ખોવાઈ જાય તેમ સૌ ઇચ્છશે.