ઉજજવળ ભવિષ્ય તરફ આગેકૂચ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાં શહેરોમાં તો સ્કૂલબસ હોય છે, પરંતુ ગામડાંનાં બાળકો માટે સ્કૂલે જવું સરળ કામ હોતું નથી. દેશભરમાં અનેક બાળકો માતા-પિતાનાં કામમાં મદદ કરવાની સાથે અભ્યાસ કરે છે. લગભગ દરરોજ હું સ્કૂલે જતાં બાળકોને જોઉં છું. મસૂરીની આજુબાજુનાં ગામડાંનાં આ બાળકોમાંથી ઘણાં બધાં એવાં છે જે સ્કૂલબસનો ખર્ચ ભોગવી શકે એમ નથી, આથી તેઓ પગપાળા જ ચાલી નીકળે છે. તેમાંથી ઘણાને સ્કૂલ સુધી પહોંચવા માટે એક લાંબું અંતર કાપવું પડતું હોય છે. દસ વર્ષના રણબીરને સ્કૂલે જવા માટે ચાર માઈલ ચાલવું પડે છે, પરંતુ મેદાની વિસ્તારોના ચાર માઈલ અને પર્વતીય વિસ્તારોના ચાર માઈલમાં ઘણું મોટું અતર હોય છે. રણબીરની સ્કૂલ પર્વત પર છે અને તેનો કસબો બે હજાર ફૂટ નીચે વસેલો છે. દરરોજ ચાર માઈલનું ચઢાણ ભલભલાની હવા કાઢી શકે છે. રણબીર પાસે સારાં જુતાં પણ નથી, તેમ છતાં તે હંમેશાં મને ખુશખુશાલ જોવા મળે છે. તે મને જ્યારે પણ જુએ છે ત્યારે હાથ હલાવીને અભિવાદન કરે છે. ક્યારેક તે પોતાના પિતાના ખેતરમાંથી મારા માટે કાકડી પણ લેતો આવે છે. હું તેની પાસેથી મફતમાં કાકડી લેતો નહીં, પરંતુ બદલામાં તેને થોડા પૈસા જરૂર આપી દઉં છું. તેનાથી તે પોતાને માટે પુસ્તકો ખરીદે છે. રણબીર જેવા ગરીબ અને જરૂરિયાતમંદ કેટલાંય બાળકો હશે. જોકે એક વાત સાચી છે કે તેઓ તેમના પિતાના સ્કૂલે જવાના દિવસો કરતાં સારી સ્થિતિમાં છે. તેમાંથી અનેક બાળકોનાં માતા-પિતા ક્યારેય સ્કૂલ જઈ શક્યાં નથી અને તેમણે ખેતરોમાં મજુરી કરીને જ પોતાનું આખું જીવન પસાર કર્યું છે. રણબીરને જોઈને એવું લાગે છે કે તે મોટો થઈને જરૂર કંઈક બનશે. રણબીરે આજ સુધી રેલગાડી જોઈ નથી, પરંતુ તે દરરોજ પર્વતોની ઉંપરથી ઊડતાં વિમાન જુએ છે. એક વખત તેણે મને પૂછ્યું કે, વિમાન કેટલે દૂર સુધી જઈ શકે છે? મેં જવાબ આપ્યો, વિમાન આખી દુનિયાનું ચક્કર કાપી શકે છે. એ વખતે તેણે કહ્યું હતું કે, એક દિવસ હું પણ આખી દુનિયાનું ચક્કર કાપીશ. થોડાં વર્ષ પહેલાં સુધી પર્વતોમાં ઓછી સંખ્યામાં છોકરીઓ સ્કૂલે જતી હતી. તે ઘરકામ કરતી રહેતી હતી અને મોટી થતાં તેમનાં લગ્ન કરી દેવાતાં હતાં. આજે સ્કૂલ જનારાં બાળકોમાં છોકરીઓની સખ્યા પણ છોકરાઓ જેટલી જ હોય છે. તેમાંની એક છોકરી છે બિન્દ્રા. તે માત્ર ૧૪ વર્ષની છે, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેના પિતા એક ફોરેસ્ટ ગાર્ડ છે અને મને સારી રીતે ઓળખે છે. મને બિન્દ્રાને રોજ જોવાની ટેવ પડી ગઈ છે. એક વખત જ્યારે તે એક અઠવાડિયા સુધી દેખાઈ નહીં તો મેં તેના ભાઈને પૂછ્યું કે, બિન્દ્રા ક્યાં ગઈ છે? તેની તબિયત તો ખરાબ થઈ નથી ને? તેના ભાઈએ જવાબ આપ્યો, ના, એ તો સ્વસ્થ જ છે, પરંતુ ઘાસ કાપવામાં મમ્મીની મદદ કરી રહી છે. ચોમાસું પૂરું થતાં ઘાસ સૂકાઈ જાય છે, એટલે અમે અત્યારે જ તેને કાપીને રાખી લઈએ છીએ. આ ઘાસ શિયાળામાં કામ લાગે છે. મેં તેને પૂછ્યું કે, બિન્દ્રા ઘાસ કાપી રહી છે તો તું તેની મદદ કેમ નથી કરતો? તેણે જવાબ આપ્યો કે તે કેવી રીતે ઘાસ કાપશે, તેની તો આજે ક્રિકેટ મેચ છે. ક્રિકેટ ક્યારેક શ્રીમંતોની રમત કહેવાતી હતી, પરંતુ આજે દેશની પ્રજાની પ્રિય રમત બની ગઈ છે. રજાના દિવસે ભારતના કોઈ પણ ખૂણામાં જતાં રહો, તમને મેદાનોમાં ટોળું બનાવીને ક્રિકેટ રમતાં બાળકો જરૂર જોવા મળશે. તેમાંથી કેટલાંક બાળકોને રમતાં જોઈને તો મને આશ્ચર્ય થઈ જાય છે. આ બાળકો અત્યંત પ્રતિભાશાળી અને તંદુરસ્ત છે. પર્વતોની કેટલાંક સ્થાનિક ગામડાંની ટીમો શહેરની કોઈ પણ ખાનગી શાળાની ટીમ પર ભારે પડી શકે છે. દુ:ખની વાત એ છે કે આ ગરીબ બાળકોને ક્યારેય ઉચ્ચ સ્તરે પોતાની પ્રતિભા દેખાડવાની તક મળતી નથી. તેઓ ક્યારેય પણ સત્તામાં રહેલાં પ્રતિભાશાળી લોકોની પ્રાથમિકતાની યાદીમાં સામેલ થઈ શકતાં નથી. જેમ-જેમ શિયાળાની ઋતુ નજીક આવવા લાગે છે અને દિવસ ટૂંકો થવા લાગે છે, દૂર ગામડાંમાં રહેતાં બાળકો ઝડપથી ઘેર પાછાં ફરવા લાગે છે. તેમ છતાં રણબીર અને તેનો મિત્ર અંધારું થઈ ગયા બાદ પોતાના ઘરે પહોંચી શકે છે. મારા ઘરની સામેના ઢાળ પરથી પસાર થતાં સમયે ક્યારેક તેઓ મને પૂછી લેતાં હોય છે કે, અંકલ, કેટલા વાગ્યા છે? લગભગ બધાં જ બાળકો મને અંકલ કહીને બોલાવે છે. શિયાળાની ઋતુમાં જ્યારે પર્વતો પર સાંજે ૬ વાગે અંધારું થઈ જાય છે, ત્યારે રણબીરનો એ પ્રયાસ રહેતો હોય છે કે ૬ વાગ્યા પહેલાં દેવદારનું જંગલ પાર કરીને ખુલ્લી સડક સુધી આવી જાય. જંગલમાં તો દિવસના અજવાળામાં પણ રસ્તો ભૂલી જવાની આશંકા રહે છે. રાત્રે જંગલમાંથી પસાર થવું રણબીર જેવા બહાદુર છોકરા માટે પણ ઘણું મુશ્કેલ હોય છે. સ્કૂલે જતાં બાળકોની આ વાર્તા માત્ર પર્વતો સુધી જ મર્યાદિત નથી. રાજસ્થાનમાં રેતીની આંધીથી માંડીને કાશ્મીરમાં બરફની આંધી સુધી સ્કૂલનાં બાળકો કેટલીય મુશ્કેલીઓ સહન કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે. મોટાં શહેરોમાં તો સ્કૂલબસ હોય છે, પરંતુ ગામડાંનાં બાળકો માટે સ્કૂલે જવું સરળ કામ નથી હોતું. જેમ કે ઓડિશાના એક જિલ્લાનાં બાળકો અંગે તાજેતરમાં જ વાંચવા મળ્યું કે, પુલ ન હોવાને કારણે તેમને નદી તરીને સ્કૂલે જવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી દેશમાં અસંખ્ય બાળકોને પસાર થવું પડતું હશે. દેશભરમાં અનેક બાળકો માતા-પિતાનાં કામમાં મદદ કરવાની સાથે-સાથે અભ્યાસ કરતાં હોય છે. હું મારી બારીમાં ઊભો રહીને સ્કૂલે જતાં આ બાળકોને જોતો રહું છું. નાનાં-મોટાં, કેટલાક સીધા-સાદા તો કેટલાંક તોફાની, કેટલાંક ચંચળ બધાં જ એક્સાથે ધીંગા-મસ્તી કરતાં જતાં હોય છે. આશા રાખું કે તેઓ પોતાના એક ઉજજવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યાં હોય. રસ્કિન બોન્ડ લેખક પદ્મશ્રીથી સન્માનિત બ્રિટિશ મૂળના સાહિત્યકાર છે.