કાર્યવાહી કે દેખાડો?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુપીએ સરકારે દુષ્કર્મ અને મહિલાઓ પર હિંસાની ઘટનાઓમાં સજાની જોગવાઈને વધુ સખત બનાવવા માટે વટહુકમનો સહારો લઈને એવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે તે જસ્ટિસ જે.એસ. વર્મા સમિતિની ભલામણો પર અમલ કરવા બાબતે ગંભીર છે. જોકે એવી આશંકા પણ છે કે તે વર્મા સમિતિના સંપૂર્ણ રિપોર્ટ પર અમલ કરવાને બદલે કેટલાક ગણતરીનાં સરળ પગલાં ભરીને પોતાની ફરજ પૂરી થઈ ગયાનું જણાવશે. વર્મા સમિતિના રિપોર્ટની વિશેષતા એ છે કે તેમાં યૌન હિંસા કે યૌન ઉત્પીડનને વ્યાપાક સામાજિક-આર્થિક- સાંસ્કૃતિક પરિસ્થિતિના સંદર્ભમાં જોવામાં આવી છે. સમિતિએ પોતાના રિપોર્ટને કેટલાક કાયદામાં ફેરફાર કરવા સુધી મર્યાદિત રાખ્યો નથી, પરંતુ દુષ્કર્મ કે મહિલાઓની અસલામતીના સવાલને પુરુષપ્રધાન સંસ્કૃતિના વ્યાપક દાયરામાં મૂકીને જોયો છે.

પરિણામ સ્વરૂપે તેની ભલામણોમાં પોલીસતંત્રમાં સુધારણાથી માંડીને ચૂંટણીપદ્ધતિમાં સુધારણા સુધીના મુદ્દાનો સમાવેશ થાય છે. આ જ ક્રમમાં સમિતિએ દુષ્કર્મના આરોપી સુરક્ષા કર્મચારીઓને મળેલું વિશેષ કાયદાકીય સંરક્ષણ દૂર કરવાનું સૂચન કર્યું છે. સમિતિનો નિષ્કર્ષ એટલો છે કે સમસ્યા સખત કાયદાનો અભાવ નથી, પરંતુ કાયદાના અમલમાં નિષ્ફળતા છે. સમિતિએ સજાને પણ સખત બનાવવાની ભલામણ કરી છે, પરંતુ તેનો મત એવો હતો કે ફાંસીની સજાની જોગવાઈ કરવાથી દુષ્કર્મને અટકાવવામાં કોઈ મદદ મળશે નહીં. મૂળ જરૂરિયાત તો તપાસ અને આરોપનામું ઘડવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને સંવેદનશીલ બનાવવાની છે. કેન્દ્ર સરકારે દુષ્કર્મની સાથે હત્યા કે પીડિતાની હત્યા કરી દેવાના કિસ્સામાં મૃત્યુદંડની જોગવાઈ કરવાનો નિર્ણય લીધો છે. જો સરકાર તેની સાથે જ તંત્રમાં સુધારણાનાં પગલાં પણ ભરશે તો તેની આ ઉતાવળને સમજી શકાય એમ હતું. આવા લાંબાગાળાના સુધારા માટે રાજકીય સર્વસંમતિ પણ મહત્વની શરત છે. જેને માટે સૌથી શ્રેષ્ઠ મંચ સંસદ છે, જેનું બજેટસત્ર ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. આ સંદર્ભમાં એ વાત યાદ રાખવી જોઈએ કે કંઈ કામ કરતાં હોવાનું દેખાડવાની જરૂર નથી, પરંતુ વાસ્તવિકતામાં અમલીકરણની જરૂર છે, જેનાથી બંધારણમાં આપવામાં આવેલી સ્વતંત્રતાઓ મહિલાઓને વાસ્તવિકતામાં પણ મળી શકે.