તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયતંત્ર સામેના ગંભીર પડકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંધારણદિવસ નિમિત્તે વડાપ્રધાન અને કાયદામંત્રીએ મનનીય વાતો કરી, પરંતુ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના સૂર સાથે કાયદામંત્રીના સૂરનો દેખીતો વિસંવાદ થયો. ભારતની લોકશાહીમાં સંસદ-ધારાસભાઓ મહદંશે પક્ષીય રાજકારણના અખાડા બની છે. વહીવટી તંત્રનો મોટો હિસ્સો રાજકીય આકાઓની સામે ઘૂંટણીયાભેર છે. ઘણીખરી બાબતો રાજકીય ફાયદા-નુકસાનના ત્રાજવે તોળાય છે, ત્યારે બંધારણે દીધેલા નાગરિકી અધિકારો માટે છેલ્લા ઠેકાણા તરીકે લોકશાહીના ત્રીજા પાયા જેવી અદાલતો હજુ ઠીકઠીક પ્રમાણમાં બચેલી છે.


પરંતુ અદાલતોની મુશ્કેલીઓનો પાર નથીઃ હદ બહારનો બોજ, જરૂર કરતાં ઓછો સ્ટાફ- સંસાધનોની કમી ઉપરાંત બાકીના બે પાયાની મુશ્કેલીઓને કારણે આવી પડેલી વધારાની જવાબદારી. પિક્ચર રિલીઝ થવાથી માંડીને પ્રદૂષણમાં વધારો અને ધાર્મિક સ્થાનોમાં પ્રવેશથી માંડીને બ્લૂ વ્હેલ ગેમ જેવી બાબતમાં અદાલતે દરમિયાનગીરી કરવી પડે છે. આટલું ઓછું હોય તેમ, આ મહિને પ્રકાશમાં આવેલી ઘટનાઓ સામાન્ય, નજરઅંદાજ કરી શકાય એવા ધોરણ કરતાં ઘણી વધારે ચિંતાજનક છે--ફક્ત ન્યાયતંત્ર માટે જ નહીં, તેમાં થોડોઘણો વિશ્વાસ ધરાવતા સૌ કોઈ માટે.


બે-એક અઠવાડિયાં પહેલાં એવી સ્થિતિ સર્જાઈ, જેને કેટલાક અભ્યાસીઓએ ‘ન્યાયતંત્રની વિશ્વસનીયતા સામે કટોકટી પછીના સૌથી ગંભીર પડકાર’ તરીકે ઓળખાવી. તેના છાંટા છેક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુધી ઊડ્યા. લેભાગુ વચેટિયાઓ અદાલતોમાંથી અનુકૂળ ચુકાદા લાવી આપવાના વાયદા કરીને લોકોને છેતરે, પણ અહીં તો એવો આરોપ ઉત્તર પ્રદેશ હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશ પર થયો. તેમણે સુપ્રીમ કોર્ટમાંથી અનુકૂળ ચુકાદો લાવી આપવાનું કહીને લખનઉની મેડિકલ કૉલેજ પાસેથી નાણાં લીધાં. સીબીઆઈએ ભ્રષ્ટાચારના આરોપસર તેમની ધરપકડ કરી, પરંતુ સવાલ ફક્ત તેમનો નહોતો. ‘સંપર્કોનો ઉપયોગ કરીને ઉપરથી અનુકૂળ ચુકાદો લાવી આપવાના’ તેમના દાવાનું શું?


ત્યાર પછી જે ઘટના બની તે સર્વોચ્ચ અદાલતની ગરિમાને હાનિ પહોંચાડનારી હતી. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોના જાણે બે ભાગ પડી ગયા. બે ન્યાાયાધીશોની એક બેન્ચે આરોપોની તપાસ માટે પાંચ ન્યાયાધીશોની કોન્સ્ટિટ્યુશન બેન્ચ નીમવાનો આદેશ કર્યો, જેને મુખ્ય ન્યાયાધીશે એમ કહીને રદબાતલ ઠરાવ્યો કે આવી બેન્ચ નીમવાની સત્તા ફક્ત મુખ્ય ન્યાયાધીશને જ છે.


તકરારનો મુદ્દો કેવળ આટલો ન હતો. જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે એક સંસ્થા વતી અરજદાર તરીકે એવો પણ ઇશારો કર્યો કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અગાઉ લખનઉ કૉલેજને લગતા કેસની સુનાવણીમાં સંકળાયેલા હતા. માટે આ કેસને લગતી સુનાવણી માટે જે બેન્ચ રચાય તેમાં મુખ્ય ન્યાયાધીશનું નામ ન હોવું જોઈએ. બીજી તરફ, મુખ્ય ન્યાયાધીશ દ્વારા રચાયેલી બેન્ચે અરજદાર પર ‘ફોરમ શોપિંગ’નો--એટલે કે તેમને અનુકૂળ એવા ન્યાયાધીશ સમક્ષ રજૂઆત સુનિશ્ચિત કરવાનો--આરોપ મૂક્યો.


સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિતના કેટલાક ન્યાયાધીશો આ પ્રકારની ખેંચતાણમાં સંકળાયેલા દેખાય અને એકબીજાના પગલાની બંધારણીયતા જ નહીં, ઇરાદા વિશે પણ શંકા સેવતા હોવાનું લાગે, એ બહુ ખેદજનક ગણાય.


એક તરફ ન્યાયતંત્ર ન્યાયાધીશોની નિમણૂકના મામલે સરકાર સાથે ગૂંચવાયેલું હોય, બીજી તરફ સરકારને સતત એવું લાગતું હોય કે ન્યાયતંત્ર ઘણી વાર ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારક્ષેત્રમાં અનધિકાર પ્રવેશ કરે છે અને બંધારણદિવસ જેવા પ્રસંગ નિમિત્તે એકબીજા વિશેની આ છાપની પ્રત્યક્ષ અને જાહેર આપ-લે થતી હોય, ત્યારે ન્યાયતંત્રે પોતાની બંધારણનિષ્ઠા અને ફક્ત બંધારણને વફાદાર હોવાનો--કોઈ સરકારની નહીં, પણ ફક્ત બંધારણની સર્વોપરિતા-સાર્વભૌમત્વ સ્વીકારવાનો મિજાજ ટકાવી રાખવા માટે પણ વધારે સાવધાન રહેવું જરૂરી છે. ઉચ્ચ સ્થાને બેઠેલા ન્યાયાધીશો પર આવતાં સંભવિત રાજકીય દબાણ કે તેમાંથી કેટલાક પર થતા લાગવગના કે લાંચની આપ-લેના બધા આરોપને એકસરખી ગંભીરતાથી ન લઈ શકાય, તે સમજાય એવું છે પરંતુ એવા આરોપ સાથે જ્યારે ન્યાયતંત્રના જ સાથી ન્યાયાધીશના મૃત્યુને સાંકળવામાં આવે, ત્યારે વાતાવરણ સ્પષ્ટ કરવા માટે પણ ન્યાયપૂર્ણ અને તલસ્પર્શી તપાસની અપેક્ષા રહે છે--અને એવી અપેક્ષા ફક્ત ન્યાયતંત્ર જ નહીં, નાગરિકો પણ રાખી શકે છે.


ન્યાયતંત્રને તેની હદ બતાવવાની સરકારની આતુરતા સમજી શકાય એવી છે, પરંતુ અદાલતોની અતિસક્રિયતાની ફરિયાદ કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાનો દાવો કરનારા જ્યારે મતબેન્કના રાજકારણને આધીન થઈને મર્યાદિત જૂથો સામે મુજરા કરે, ત્યારે કંઈક રાહત-કંઈક આશ્વાસન અદાલતો તરફથી જ મળે છે. ‘પદ્માવતી’ ફિલ્મ નિમિત્તે થયેલો વિવાદ તેનો તાજો દાખલો છે. પણ વિવિધ રાજકીય પક્ષો અને સરકારો જે રીતે સંગઠનોની ધાકધમકીની ભાષા સામે મોમાં તરણાં લે છે અથવા મેળાપીપણાયુક્ત મૌન જાળવે છે,

 

ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતનું આ મુદ્દે વલણ યાદ રાખવા જેવું છે. એક્ઝિક્યુટિવ (વહીવટી તંત્ર) પાસે આવી સ્થિતિ સાથે અસરકારક રીતે પનારો પાડવાની પૂરતી સત્તાઓ હોય છે પરંતુ આગળ જણાવ્યું તેમ, સરકારોની ઇચ્છાશક્તિનો સવાલ આવીને ઊભો રહે છે. એવા વખતે સર્વોચ્ચ અદાલતે યાદ અપાવવું પડે છે કે ‘કોઇ પુસ્તક, નાટક, નવલકથા કે ફિલ્મ કળાકીય સર્જન હોય છે. કળાકાર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એવી કોઈ પણ રીતે પોતાની અભિવ્યક્તિ કરી શકે છે--અને આવા કાયદાકીય પ્રતિબંધોને પણ સર્જકદિમાગની અભિવ્યક્તિના અધિકારને શૂળીએ ચઢાવવાના હેતુથી ન ઘટાવી શકાય.’ અદાલતે એમ પણ કહ્યું કે ઇતિહાસમાં એવા ઘણા દાખલા નોંધાયા છે, જ્યારે સર્જકોએ સામાન્ય લોકો કરતાં જુદો વિચાર જુદી રીતે રજૂ કર્યો હોય. એ બાબતમાં કાયદા સિવાય બીજી કોઈ બાબતનો અંકુશ હોઈ ન શકે.


આ ટિપ્પણી સર્વોચ્ચ અદાલતે અરવિંદ કેજરીવાલ પર બનેલી દસ્તાવેજી ફિલ્મ સામે અદાલતમાં થયેલી રજૂઆત નિમિત્તે કરી હતી, પરંતુ તેમાં ‘પદ્માવતી’વિવાદનો પડઘો અને એ વિશે અદાલતનો અભિપ્રાય કોઈ પણ વ્યક્તિ વાંચી શકે.


તટસ્થ અદાલતોની વધુ ને વધુ જરૂર પડી રહી છે, ત્યારે અદાલતોએ નાગરિકોની અપેક્ષા, લોકશાહીની સુરક્ષા અને પોતાની અસરકારકતા બરકરાર રાખવા માટે પણ ગરિમા અને વિશ્વસનીયતા ટકાવવાં રહ્યાં. 

અન્ય સમાચારો પણ છે...