દરેક માણસ ટાપુ જેવો કેમ બનતો જાય છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું હતું કે, તારી જો હાક સૂણીને કોઇ ન આવે; એકલો જાને રે. કવિવરે કોઇ આધ્યાત્મિક મસ્તીમાં આ ગીત ગાયું હશે, પણ સામાજિક જિંદગીમાં એકલતા આજના યુગનો મોટામાં મોટો અભિશાપ બની ગયો છે. જૂના જમાનામાં આપણે શરદી, તાવ, ખાંસી, કમળો, મરડો, ક્ષય, કોલેરા, મેલેરિયા, ટાઇફોઇડ વગેરે બીમારીઓનાં નામો સાંભળ્યા હતાં. જમાનો બદલાયો તેમ આપણે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ વગેરે બીમારીઓ વિશે જાણતા થયા. હવેના યુગમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને લોન્લીનેસ જેવી બીમારીઓ સૌથી ઘાતક ગણાવા માંડી છે. આ બીમારીની ગંભીરતા પારખીને તાજેતરમાં બ્રિટને લોન્લીનેસ નામનું મંત્રાલય પણ શરૂ કર્યું છે.
 
આધુનિક તબીબી વિજ્ઞાને એકલતા કેટલી ભયાનક છે? તે ઉદાહરણો વડે સમજાવવાની કોશિશ કરી છે. તમે રોજની 15 સિગારેટ પીતા હો, તેનાથી તમારા આરોગ્યને જેટલું નુકસાન થાય છે, તેના કરતાં પણ વધુ નુકસાન એકલતાથી થાય છે. રોજના શરાબના 6 પેગ કરતાં એકલતા વધુ હાનિકારક છે. એકલતાને કારણે હાર્ટ એટેકનું જોખમ 29 ટકા અને પક્ષઘાતનું જોખમ 32 ટકા વધી જાય છે. એકલતાને કારણે સ્ટ્રેસના હોર્મોન વધે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.
 
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને કારણે દુનિયા આજે નાનકડા ટાપુ જેવી બની ગઈ છે. દેશ-દેશ વચ્ચેનાં ભૌતિક અંતરો ઘટી ગયાં છે; પણ માનવ-માનવ વચ્ચેનાં માનસિક અંતરો વધી ગયાં છે. અમેરિકાના દૂરના ખૂણે બેઠેલા ફેસબુક ફ્રેન્ડ સાથે ‘ચેટ’ કરવા માટે આપણી પાસે કલાકોનો સમય હોય છે, પણ ઘરમાં માંદગીનાં બિછાને પડેલી વૃદ્ધ દાદી સાથે વાત કરવાનો સમય હોતો નથી. એક માણસ પાસે ફેસબુકના 4000થી વધુ ફ્રેન્ડ હતા. ટ્વિટર પર તેના 8000થી વધુ લોકો તેને ફોલો કરતા હતા. વૉટ્સએપના 200 ગ્રૂપમાં તે સભ્ય હતો.
 
ફેસબુક પર તે એક ફોટો મૂકે તો તેને 500 લાઇક મળતી હતી અને 200 કોમેન્ટ મળતી હતી. તેને હાર્ટ એટેક આવ્યો અને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પથારી પાસે માત્ર પાંચ લોકો હતા, જે તેનાં માતાપિતા, પત્ની અને બે પુત્રો હતા. આ લોકો સાથે વાત કરવાનો તેની પાસે સમય જ નહોતો. ફેસબુકનો એક પણ ફ્રેન્ડ તેની ખબર કાઢવા આવ્યો નહોતો. હા, તેમણે ‘ગેટ વેલ સૂન’ના સંદેશા જરૂર મોકલ્યા હતા. સાજા થઈને ઘરે આવ્યા પછી તેણે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપનાં બધાં અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યાં.
 
મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ આપણે દૂરના સંબંધીઓને નજીક આણવા માટે કરવાનો હતો; પણ તેના થકી આપણે નજીકના સંબંધીઓથી દૂર નીકળી જઇએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે, મને એકલતા બહુ સતાવે છે. પહેલાંના સમયમાં માણસને એકલતા સતાવે તો તે પડોશીના ઘરમાં ડોકિયું કરીને અલકમલકની વાતો કરતો ત્યારે મન હળવું થઈ જતું હતું. આજે દરેક માણસ ઈગો, સ્ટેટસ અને પ્રાઇવસીના વિષચક્રમાં ફસાયો છે, માટે લોકોને મળતાં પણ ડરનો અનુભવ કરે છે.
 
આજના સમાજમાં માણસનો આર્થિક દરજ્જો જેમ જેમ ઉપર આવે તેમ તે વધુને વધુ એકલો બનતો જાય છે. ઝૂંપડાંમાં રહેતા ગરીબોને પોતાના સગાસંબંધીની તેમ જ પડોશીની સૌથી વધુ ગરજ હોય છે, કારણ કે તેની પાસે જીવન જીવવાનાં સંસાધનો ઓછાં હોય છે. તેને ખબર હોય છે કે જીવનમાં જ્યારે આપત્તિ આવશે ત્યારે આ લોકો જ મદદે દોડી આવવાના છે. આ કારણે તે બધા સાથે હળીમળીને રહે છે અને ઉષ્માભર્યા સંબંધો રાખે છે. માટે તેને એકલતા બિલકુલ સતાવતી નથી. 
 
ફ્લેટમાં રહેનારને પડોશીની બહુ ગરજ નથી હોતી, પણ તે મિત્રો તેમ જ સગાસંબંધીને સાચવી લે છે, કારણ કે તેને ખબર છે કે કાંઇક કટોકટી આવશે તો તેઓ મદદ કરવાના છે. આ કારણે તેને પણ બહુ એકલતા સતાવતી નથી. બંગલામાં રહેતા શ્રીમંતને ઘમંડ હોય છે કે પૈસાથી બધી સેવાઓ ખરીદી શકાય છે; માટે તે પડોશીઓ ઉપરાંત મિત્રો, સગાસંબંધીઓ વગેરેની પણ ઉપેક્ષા કરે છે. પછી તે ફરિયાદ કરે છે કે, મને એકલતા બહુ સતાવે છે. ગરીબને તૂટેલા પલંગ પર પણ સુખની નિદ્રા આવી જાય છે; પણ શ્રીમંતને સવા મણ રૂની તળાઈમાં પણ, ઊંઘની દવા લીધા પછી પણ નસીબમાં ઊંઘ નથી હોતી.
 
એકવીસમી સદીમાં વધી રહેલી એકલતાનું કારણ શહેરીકરણ અને તૂટી રહેલી કુટુંબ વ્યવસ્થા પણ છે. ગામડાંમાં રહેતા બધા લોકો એકબીજાને ઓળખતા હતા, માટે તેમને એકલતા સતાવતી નહોતી. જો તમે પ્રાઇવસીનો આગ્રહ છોડી દો અને તમારા જીવનની અંગત સુખદુ:ખની વાતો ઈગો છોડીને બીજા સાથે શેર કરતાં શીખો તો એકલતા તમારી નજીક પણ ફરકી શકતી નથી. ગામડાંમાં કે શહેરોની ચાલીમાં રહેતા લોકો પ્રાઇવસીના જડ આગ્રહી નહોતા, માટે એકલતાના અભિશાપથી મુક્ત રહી શકતા હતા. શહેરોમાં પણ સંયુક્ત પરિવારમાં રહેતા લોકોને એકલતા ઓછી સતાવે છે.
 
સંયુક્ત પરિવારમાંથી વિભક્ત પરિવાર બન્યા ત્યારે એકલતાનો રોગ ફેલાતો ગયો હતો. હવે તો વિભક્ત પરિવારો શોધવા પણ મુશ્કેલ બનતા જાય છે. પતિ મુંબઈમાં નોકરી કરતો હોય, પત્ની સુરતના પોતાના ઘરમાં એકલી રહેતી હોય, પુત્ર ગાંધીનગરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોય અને પુત્રી જામનગરની મેડિકલ કૉલેજમાં ભણતી હોય; તેવા પરિવારો પણ વધી રહ્યા છે. સંતાનો કમાવા માટે વિદેશ ચાલ્યાં ગયાં હોય અને વૃદ્ધ માબાપ દેશમાં એકલાં રહેતાં હોય તેવાં લાખો ઉદાહરણો મળી આવશે. જ્યારે આપણે પરિવાર કરતાં કારકિર્દીને અને લાગણી કરતાં પૈસાને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે આપણને એકલતા સતાવે છે, તેવી ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ રહેતો નથી.
અન્ય સમાચારો પણ છે...