શ્રીદેવીનું મૃત્યુ રહસ્યમય સંયોગોમાં થયું હતું?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માત્ર 54 વર્ષની ઉંમરે અકુદરતી મોતનો ભોગ બનેલી શ્રીદેવી બાબતમાં જાતજાતના સવાલો પૂછાઇ રહ્યા છે. દુબઇનાં પ્રતિષ્ઠિત અખબાર ખલિજ ટાઇમ્સમાં શ્રીદેવીનાં મૃત્યુ અગાઉની 30 મિનિટનો પળપળનો હેવાલ છપાયો છે, જે વાંચીને અનેક શંકાઓ પેદા થાય તેમ છે.


શ્રીદેવી, તેનો પતિ બોની કપૂર અને પુત્રી ખુશી ગયા સપ્તાહે ભત્રીજા મોહિત મારવાનાં લગ્નમાં ભાગ લેવા દુબઇ ગયા હતા. લગ્ન થઇ ગયાં પછી બોની કપૂર અને ખુશી મુંબઇ પાછા ફર્યા હતા, પણ શ્રીદેવી દુબઇમાં રહી ગઇ હતી. કહેવાય છે કે શ્રીદેવીને બ્રેક જોઇતો હતો, માટે તે દુબઇમાં રોકાઇ ગઇ હતી. કદાચ તે શોપિંગ કરવા દુબઇમાં રોકાઇ ગઇ હતી. ગમે તે કારણ હોય, પણ શ્રીદેવી દુબઇમાં રોકાઇ કેમ ગઇ? તે વાત રહસ્યમય છે. બોની કપૂર પોતાની પત્નીને દુબઇમાં એકલી મૂકીને મુંબઇ પાછો કેમ આવી ગયો? તે વાત પણ રહસ્યમય છે. કહેવાય છે કે શ્રીદેવીની બહેન શ્રીલતા દુબઇમાં રહે છે; તેની સાથે કેટલોક વખત ગાળવા શ્રીદેવી દુબઇમાં રોકાઇ ગઇ હતી.


જો શ્રીદેવી પોતાની બહેન શ્રીલતા સાથે થોડો સમય ગાળવા માટે દુબઇમાં રોકાઇ ગઇ હોય તો તે બહેનના ઘરે હોવી જોઇએ. તેને બદલે તેણે દુબઇની પ્રસિદ્ધ જુમેરિયા એમિરાટ્સ ટાવર્સ હોટેલમાં રૂમ બૂક કર્યો હતો અને તે ત્યાં રહી હતી. શ્રીદેવી હોટેલમાં એકલી જ રહી હતી કે તેની સાથે તેની બહેન શ્રીલતા હતી? તે હજુ સુધી સ્પષ્ટ થતું નથી. શ્રીદેવીને શ્રીલતા સાથે એટલા ગાઢ સંબંધો નહોતા કે તેને મળવા માટે તે પોતાના પતિ અને પુત્રી સાથે મુંબઇ જવાને બદલે દુબઇમાં રોકાઇ રહે. શ્રીદેવીની માતાનું મરણ થયું ત્યારે તેની બહેને સંપત્તિ માટે શ્રીદેવી સામે કોર્ટમાં કેસ કરવાનું પસંદ કર્યું હતું.


મુંબઇ આવેલા બોની કપૂરે મનમોહન શેટ્ટીના જન્મદિનની પાર્ટીમાં ભાગ લીધો હતો. બોની કપૂર રવિવારે પણ મુંબઇમાં જ રહેવાનો હતો, પણ શનિવારે એવું શું બન્યું કે તે પોતાની પત્નીને મળવા પાછો દુબઇ પહોંચી ગયો? ખલિજ ટાઇમ્સના હેવાલ પ્રમાણે બોની કપૂર શનિવારે સાંજે 5-30 કલાકે પત્નીને સરપ્રાઇઝ આપવા દુબઇની હોટેલમાં પહોંચ્યો ત્યારે શ્રીદેવી સાજીસારી હતી. તેણે 15 મિનિટ બોની કપૂર સાથે વાતચીત કરી હતી અને પછી તે વોશરૂમમાં ગઇ હતી.

 

15 મિનિટ સુધી વોશરૂમનો દરવાજો ન ખૂલતાં બોની કપૂરે દરવાજો તોડી નાખતાં તે બાથટબમાં નિશ્ચેતન હાલતમાં મળી હતી. બોની કપૂર શ્રીદેવીને હોસ્પિટલમાં લઇ ગયો ત્યાં સુધીમાં તેનું મરણ થઇ ચૂક્યું હતું.ખલિજ ટાઇમ્સમાં અને દુબઇનાં બીજાં અખબારોમાં જે હેવાલો છપાયા છે તેમાં વિસંગતી જોવા મળે છે. દુબઇનાં અન્ય અખબારમાં છપાયેલા હેવાલ પ્રમાણે શ્રીદેવી હોટેલમાં એકલી હતી ત્યારે તેણે રૂમ સર્વિસમાં કોઇ ઓર્ડર કર્યો હતો.

 

હોટેલનો વેઇટર ખાવાનું લઇને 15 મિનિટમાં રૂમ પર પહોંચ્યો અને તેણે દરવાજો ખટખટાવ્યો ત્યારે અંદરથી કોઇ જવાબ મળ્યો નહોતો. હોટેલના વેઇટરે મેનેજરને વાત જણાવી ત્યારે તેણે દરવાજો ખોલાવડાવ્યો તો શ્રીદેવી બાથટબમાં બેભાન હાલતમાં હતી. હોટેલના સ્ટાફ દ્વારા જ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

 

ખલિજ ટાઇમ્સમાં જણાવ્યા મુજબ બોની કપૂર હોટેલમાં સાંજે 5-30 કલાકે પહોંચી ગયો હતો અને 30 મિનિટ દરમિયાન શ્રીદેવીનું મોત થયું હતું. તો પછી તેણે છેક 9-00 કલાકે પોલિસને તેની જાણ કેમ કરી હતી? વચ્ચેના ત્રણ કલાક તે શું કરતો હતો? જો અન્ય અખબારના હેવાલ મુજબ વેઇટરે જ શ્રીદેવીને મૃત હાલતમાં જોઇ હોય તો સંભવ છે કે તેનું મરણ બોની કપૂરના આગમન પહેલાં જ થઇ ગયું હશે. શું બોની કપૂરને કંઇ અજુગતુ બનવાની ગંધ આવી ગઇ હશે, માટે તે રવિવારનો મુંબઇનો પ્રોગ્રામ કેન્સલ કરીને પાછો દુબઇ પહોંચી ગયો હતો? કે પછી બોની કપૂરના દુબઇ પહોંચ્યા પછી એવું કાંઇક બન્યું હતું કે તેને કારણે શ્રીદેવીનું મોત થયું હતું? આ સમયે તેની બહેન ક્યાં હતી?


શ્રીદેવીનાં મરણના સમાચાર મળતાં જ તેના પરિવારજનો રવિવારે દુબઇ પહોંચી ગયા હતા. બોની કપૂરના ભાઇ સંજય કપૂરે ખલિજ ટાઇમ્સ સાથે વાતચીત કરતાં સવાલ કર્યો હતો કે, શ્રીદેવીને હૃદયસંબંધી કોઇ બીમારી નહોતી. તેને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ પણ નહોતા; તો કેમ તે અચાનક હાર્ટ એટેકથી ગુજરી ગઇ? સંજય કપૂરે એવો સવાલ પણ પૂછ્યો હતો કે, તે જે હોટેલમાં હતી તેમાં પ્રાથમિક સારવારની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ હોય છે. ડોક્ટરો પણ હાજર હોય છે. જોકે ફોરેન્સિક રિપોર્ટમાં મરણ બાથટબમાં ડૂબી જવાને કારણે થયાનો હેવાલ આવતાં આ કેસ વધુ જટિલ બની ગયો છે.

 

મુંબઇના એક જાણીતા ડોક્ટર પોતાનું નામ ન આપવાની શરતે કહે છે કે શ્રીદેવી પોતાની પુત્રી જાહ્નવીની પહેલવહેલી ફિલ્મની સફળતા બાબતમાં બહુ ચિંતિત હતી. તે ઇચ્છતી હતી કે તેની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થાય. આ કારણે તે બહુ સ્ટ્રેસમાં રહેતી હતી. શ્રીદેવીએ થોડા સમય પહેલાં જ પોતાના હોઠને જાડા દેખાડવા માટે લિપ સર્જરી કરાવી હતી તેવા હેવાલો હતા.  શ્રીદેવીનું મોત શંકાસ્પદ સંયોગોમાં થયું હોવાનું જણાતાં જ દુબઇની પોલિસે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી કબજો સોંપવાનો ઇનકાર કર્યો હતો.

 

દિવ્યા ભારતીનાં શંકાસ્પદ મરણ પછી 24 વર્ષે પણ તેનું રહસ્ય બહાર આવ્યું નથી. કોંગ્રેસના સંસદસભ્ય શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતને ત્રણ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા પછી પણ તેનું મોત અકસ્માતથી થયું હતું? તેણે આપઘાત કર્યો હતો? કે તેની હત્યા કરવામાં આવી હતી? તે નક્કી થઇ શકતું નથી. શ્રીદેવીનાં અંતિમસંસ્કાર થશે તે સાથે તેનાં મરણનાં રહસ્ય પર પણ પડદો પડી જશે!

અન્ય સમાચારો પણ છે...