ન્યાયતંત્રની સમસ્યાઃ ખાલી જગ્યા પૂરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોની બેન્ચે ન્યાયાધીશોની નિમણૂકમાં થતા વિલંબ અંગે બાબુશાહીની ધૂળ કાઢી. જસ્ટિસ સિક્રી અને જસ્ટિસ ભૂષણની બેન્ચે ચોખ્ખા શબ્દોમાં, સરકારનું નામ દીધા વિના તેની પર આરોપ મૂકતાં કહ્યું કે જ્યારથી સર્વોચ્ચ અદાલતે (સરકાર દ્વારા પ્રસ્તાવિત) નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશનને બાજુ પર મૂકી દીધું અને ન્યાયાધીશોની નિમણૂક ન્યાયાધીશો દ્વારા જ થાય, એવી કોલિજિયમ પ્રથા અપનાવી, ત્યારથી વિલંબની માત્રા વધી છે.


બાબુશાહીનો કે સરકારી તંત્રનો વાંક બેશક છે, પરંતુ તે એકલાં જ જવાબદાર હોય એવું પણ નથી. હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં હાઇકોર્ટના કોલિજિયમના પક્ષેથી પણ નિમણૂકોમાં મોડું થતું હોવાનું જણાયું છે. નવાઈ લાગે એવી વાત એ છે કે ન્યાયાધીશ જેવા અત્યંત ઓછી સંખ્યા અને મોટી જવાબદારી ધરાવતા હોદ્દા માટે એક ન્યાયાધીશ નિવૃત્ત થયા પછી તેમની જગ્યા ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે. ન્યાયાધીશોને નોકરીની મુદતમાં વધારો મળતો નથી અને ઘણી વાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માંડ થોડા મહિના એ હોદ્દે રહેવાનું મળે છે.

 

આટલું ઓછું હોય તેમ, ન્યાયાધીશની જગ્યા ખાલી પડે પછી તે વધુમાં વધુ કેટલા સમયમાં ભરાઈ જવી જોઈએ, એવો પણ કોઈ નિયમ હોવાનું જણાયું નથી. એટલે ઘણી વાર આખું વર્ષ નીકળી જાય છે. ઉદાહરણ તરીકે, અલાહાબાદ હાઇકોર્ટની ખાલી જગ્યાઓ માટે સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ઠાકુરની આગેવાની હેઠળના કોલિજિયમે ન્યાયાધીશોનાં નામ સૂચવી દીધાં, ત્યાર પછી લગભગ એક વર્ષે નિમણૂકો થઈ હતી.


આ વર્ષે મણિપુર, મેઘાલય, કેરળ, જમ્મુ-કાશ્મીર, પંજાબ-હરિયાણા, ગુવાહટી, કલકત્તા અને અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો નિવૃત્ત થઈ રહ્યા છે. બીજી તરફ, અત્યારે પણ દેશની સાત હાઇકોર્ટોમાં મુખ્ય ન્યાયાધીશોનું આસન છેલ્લા થોડા મહિનાથી ખાલી છે. સર્વોચ્ચ અદાલતમાં પણ જસ્ટિસ અમિતાવ રૉયની નિવૃત્તિને કારણે ન્યાયાધીશોની સાત જગ્યાઓ ખાલી પડશે. એ સિવાય મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સહિત કુલ પાંચ ન્યાયાધીશો આ વર્ષે નિવૃત્ત થવાના છે. 


હાઇકોર્ટમાં થયેલા કેસના ભરાવાને ધ્યાનમાં રાખીને એડિશનલ (વધારાના) જજ ઓછામાં ઓછા બે વર્ષ માટે નીમી શકાય છે. તેમાં જિલ્લાની અદાલતોમાં ન્યાયાધીશ તરીકે દસ વર્ષનો અનુભવ ધરાવનાર નિમણૂકને પાત્ર બની શકે છે. જિલ્લાની અદાલતોમાં ન્યાયાધીશોની નિવૃત્તિવય 60 વર્ષ હોય છે. ગયા અઠવાડિયે જસ્ટિસ સિક્રી અને જસ્ટિસ ભૂષણે આપેલા વધુ એક ચુકાદામાં એવી સ્પષ્ટતા કરી કે નિયમ ભલે ઓછામાં ઓછાં બે વર્ષ માટેની નિમણૂકનો હોય, આવી નિમણૂક બે વર્ષથી ઓછા સમય માટે પણ થઈ શકે. તેમાં કશું અનુચિત નથી કે નિયમોનો ભંગ થતો નથી. મૂળ સવાલ નિમણૂકની ઝડપનો આવીને ઊભો રહે છે, જે ભારણને લીધે ગોકળગાય ગતિએ ચાલતા ચક્રને ઓર ધીમું બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...