ન્યાયાધીશોના ‘વિદ્રોહ’ માટે ટૂ ચીઅર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં એક વરિષ્ઠ કાયદાશાસ્ત્રીએ મને યાદ અપાવ્યું, ‘પત્રકારો અને વકીલોમાં એક વાત સરખી હોય છે, આપણને બંનેને ચર્ચા પસંદ હોય છે.’ એ અઠવાડિયે સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ એક રીતે કહીએ, તો ચીફ જસ્ટિસની સામે ‘વિદ્રોહ’ પોકારી દીધો, તો ચર્ચાએ તથ્યોનું સ્થાન લઈ લીધું હતું. ભલે સીપીઆઈ નેતા ડી. રાજાની જસ્ટિસ ચેલામેશ્વર સાથેની મુલાકાતની વાત હોય કે વડાપ્રધાનના મુખ્ય સચિવની ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સાથેની મુલાકાત કે પછી ભરી અદાલતમાં જજના રુદનનો રિપોર્ટ હોય, દરેક વાત પર અટકળો કરવામાં આવી. તેમાં એ કાળા છતાં ક્રાન્તિકારી શુક્રવારે ન્યાયતંત્ર માટે ખરેખર શું બન્યું, તેનું વાસ્તવિક મહત્ત્વ જાણે ઓસરી ગયું.

 


આ ‘ક્રાન્તિ’ના કેન્દ્રમાં ચાર મુખ્ય મુદ્દાઓ છે. એક, ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની અસાધારણ પહેલે ન્યાયિક જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરાવી આપ્યું છે. આ એક એવું અસ્પર્શ્ય ક્ષેત્ર છે, જેના વિશે સેમિનારોમાં તો ચર્ચાઓ કરવામાં આવે છે, પણ કદાચ જ તેના પર નક્કર પગલાં લેવાયાં હોય. આ માત્ર ‘હૂ વિલ જજ ધ જજ’ એટલે કે ન્યાય તોળનારા ન્યાયાધીશનો ન્યાય કોણ કરશે એનો મુદ્દો નહોતો, પણ પ્રશ્ન વધારે મહત્ત્વનો હતો કે મુખ્ય ન્યાયાધીશનો ન્યાય કોણ કરશે. પોતાની ફરિયાદોને જાહેરમાં લાવીને ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ સુપ્રીમકોર્ટની આંતરિક ફરિયાદ નિવારણ પ્રક્રિયાની અસરકારકતા સામે સવાલો તો ઊભા કર્યા જ છે,

 

પણ રોસ્ટર પર ચીફ જસ્ટિસના અમર્યાદ અધિકારોને પણ પડકાર્યા છે. સ્વાભાવિક હતું કે ન્યાયાધીશો મુખ્ય ન્યાયધીશ પર ‘બેન્ચ ફિક્સિંગ’નો આરોપ મૂકી રહ્યા હતા અને આ રીતે ચીફ જસ્ટિસના હોદ્દા પર ભરોસાની ઊણપ દર્શાવી રહ્યા હતા. સંદેશો તદ્દન સ્પષ્ટ છે: ચીફ જસ્ટિસનો હોદ્દો કાયદાકીય તપાસથી પર નથી. તેમને સત્તાકીય સવલત માટે ‘રોસ્ટરના માસ્ટર’ બનાવાયા છે, પરંતુ આના લીધે તેમનો આપોઆપ બચાવ નથી થઈ જતો.


બીજું, ન્યાયિક ભ્રષ્ટાચારની વધારે ગંભીર ચિંતા પણ છે, જેની તપાસ થવી જોઈએ. ચાર ન્યાયાધીશોએ નામ તો નથી લીધાં, પણ હવે એ સ્પષ્ટ છે કે ઓરિસ્સા મેડિકલ પરીક્ષા કૌભાંડની ટ્રાન્સસ્ક્રિપ્ટની તપાસ થવી જોઈએ. જો સીબીઆઈએ પ્રાથમિક તપાસ પછી એક જજ દ્વારા ‘ગેરકાયદે તુષ્ટિકરણ’નો ઉલ્લેખ કર્યો છે, તો ચોક્કસપણે સંબંધિત જજની સામે એફઆઈઆર નોંધવાની મંજૂરી અપાવી જોઈએ. એવું નહીં કરવામાં આવે તો વિચલિત કરનારા સવાલો ઊઠશે કે શું ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિઓને સુરક્ષા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?


ત્રીજું એ કે, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાના સંબંધો પણ તપાસના પરીઘમાં છે. વધતા અવિશ્વાસથી આ વાત ત્યારે ધ્યાન પર આવી, જ્યારે પૂર્વ ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુર ન્યાયતંત્રની ટીકાના મુદ્દે વડાપ્રધાન મોદીની સામે રડી પડ્યા હતા. રાજકીય કાર્યપાલિકાને લાંબા સમયથી એવું લાગતું હતું કે અદાલતી હસ્તક્ષેપના લીધે તેમના અધિકારોનું વજન ઘટી ગયું છે. આ સિવાય નિવૃત્તિ પછીના લાભના આકર્ષણનો અર્થ થાય છે ન્યાયાધીશો પણ રાજકીય દબાણ હેઠળ આવી શકે છે.

 

જ્યારે સેવાનિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની રાજ્યપાલ અને અનેક ભથ્થાં સાથે સરકારી સમિતિઓના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે, ત્યારે એવું માનવાની લાલચ થઈ આવે કે ન્યાયાધીશને પણ સત્તાધારી પક્ષની તરફેણમાં જવા માટે લલચાવી શકાય છે (ચોક્કસપણે સુપ્રીમ કોર્ટના જજ સરકાર તરફથી કોઈ લાભ સ્વીકારે તેના પહેલાં ઓછામાં ઓછો બે વર્ષનો સમય પસાર થવો જરૂરી છે?) પછી તો જાણે જજ લોયાનો મુદ્દો હોય કે હવે પછી આવનારો વિસ્ફોટક અયોધ્યા મુદ્દો હોય, એવો ડર રહેશે કે ‘રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ’ મુદ્દાઓના નિર્ણયોમાં હેરફેર થઈ શકે છે.

 


છેવટે, સંસ્થાગત પ્રામાણિકતાનો પણ સવાલ આવે છે. જો કોઈ સંસ્થા ખમીરના મુદ્દે વ્યાપક દૃષ્ટિએ વિભાજિત થઈ જતી હોય, તો પોતાની નીતિમત્તા અને કાયદાકીય પવિત્રતા કેવી રીતે જાળવી રાખશે? ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ એ મુદ્દે કાયમ છે કે આપણા આદરણીય ન્યાયાધીશો ચરિત્રવાન સ્ત્રી-પુરુષો છે. અદાલતોમાં ગોટાળાની આશંકાએ આ ભરોસો હચમચાવી મૂક્યો છે. ચોક્કસપણે, ચુકાદા ‘ફિક્સ’ થવાના અહેવાલો આવી રહ્યા છે, તેમની ઉપેક્ષા કરવી કે અપવાદ માનવો શક્ય નથી. એટલા માટે કેટલાક સારા લોકોનું આગળ આવવું એટલું જ જરૂરી છે.


મોદી પર શંકા કરનારાઓને એવું માનવું ગમશે કે અદાલતોના આ રોગ મે 2014માં ભાજપના મજબૂત વિજયના કારણે બહાર આવ્યા છે, તેણે રાજકીય નેતૃત્વને ભરોસો અપાવી દીધો છે કે તે અદાલતોને પોતાની મરજી મુજબ ચલાવવામાં સફળ થઈ શકે છે. હકીકત એ છે કે ભારતીય ન્યાયતંત્રનું વર્તમાન સંકટ એ સમય સુધી દોરી જાય છે, જ્યારે ન્યાયિક નિમણૂકો અપારદર્શક રીતે કરવામાં આવતી હતી.

 

પહેલાં ઇંદિરા ગાંધીના યુગમાં દંભી રાજકીય નેતૃત્વ દ્વારા અને પછી અત્યંત નક્કર ગૂંથણીવાળા કૉલેજિયમ દ્વારા. કૉલેજિયમ સિસ્ટમ મુખ્યત્વે જજોને એ અતિરેકોથી બચાવવા માટે હતી, જે કટોકટીકાળનાં વર્ષોમાં અસ્તિત્વમાં આવ્યા હતા. જ્યારે ન્યાયાધીશોના દમનથી ન્યાયતંત્રની સામે સર્વોચ્ચ સ્તરે રાજકીય હસ્તક્ષેપનું જોખમ ઊભું થઈ ગયું હતું.
કમનસીબે ન્યાયાધીશોને તેમની નિમણૂકો કરવા દેવાનું પરિણામ એ આવ્યું કે ન્યાયિક ‘સ્વતંત્રતા’ના આધારે ન્યાયતંત્ર કોઈ વિશિષ્ટ, ગુપ્ત ક્લબ જેવો વ્યવહાર કરવા માંડ્યું.

 

 

પોતાને સંરક્ષણ આપવામાં તેણે અવારનવાર અદાલતનું અપમાન અને મહાભિયોગ ચલાવવાની ભારેખમ પ્રક્રિયા જેવી બંધારણીય જોગવાઈઓનો કાનૂની હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને મૌન તથા ગુપ્તતાની લગભગ અભેદ્ય દીવાલ ઊભી કરી લીધી (સ્વતંત્રતા પછીથી ન્યાયિક કદાચાર માટે જે જજોની સામે મહાભિયોગ ચલાવવાની માગ કરવામાં આવી તેમની સંખ્યા હજી પણ એક આંકડામાં જ છે.)


આ એ દીવાલ છે, જેને જસ્ટિસ ચેલમેશ્વરના નેતૃત્વવાળા વિદ્રોહે તોડી પાડી છે અને આખરે થોડો પ્રકાશ પાડ્યો છે કે ન્યાયિક સત્તાના અંધારા કુંડાળામાં શું બની રહ્યું છે. આ જ કારણસર ‘વિદ્રોહી’ ન્યાયાધીશોનું સાહસિક પગલું ટૂ ચીઅર્સનું હકદાર છે. થર્ડ ચીઅર ત્યારે થશે, જ્યારે આ બળવાના લીધે અમુક વાસ્તવિક સુધારા અને ફેરફારો થશે.
અને છેલ્લે, વૉટ્સએપ પર ચાલતા એક ટૂચકામાં એવું કહેવાયું છે કે બીસીસીઆઈએ હવે સુપ્રીમ કોર્ટમાં સુધારો કરવા માટે ત્રણ સભ્યની સમિતિ બનાવવી જોઈએ. જ્યારે કોઈ સન્માનનીય સંસ્થાનો મુદ્દો આવે, ત્યારે તેને વધારે પડતું મોડું થાય તે પહેલાં, વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની જરૂર આવશ્યક બની જાય છે. }

અન્ય સમાચારો પણ છે...