આધારઃ સંખ્યા પછી ગુણવત્તાનો વારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં અમુક જ વસ્તુઓ એવી હશે, જે આધાર કાર્ડ જેટલી ઝડપથી વિકસી હશે. આધાર કાર્ડ આપનારી સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI)ની સ્થાપના 2009માં કરવામાં આવી અને પહેલું આધારકાર્ડ સપ્ટેમ્બર 2010માં આપવામાં આવ્યું. માત્ર સાત વર્ષ પછી જાન્યુઆરી 2018માં આધારકાર્ડ 1.2 અબજના આશ્ચર્યજનક આંકડા સુધી પહોંચી ગયાં છે. શૂન્યથી એક અબજ સુધી પહોંચવામાં માત્ર સાડા પાંચ વર્ષ થયાં, મતલબ, દૈનિક પાંચ લાખ કાર્ડ ઇશ્યૂ કરવાની સુપરસોનિક ઝડપ.


આવી ચકરાવી નાખતી વૃદ્ધિની સરખામણી માટે માત્ર ફેસબુક જેવી કંપનીઓના વિકાસ-અને વિસ્તારની વાત યાદ આવે છે, જેણે 2006માં પબ્લિક એકાઉન્ટ શરૂ કર્યાં અને 2012 સુધીમાં એક અબજ યુઝર સુધી પહોંચી ગઈ. કદાચ ઉબરનું ઉદાહરણ વધારે પ્રાસંગિક ગણાશે. ઉબર 2011માં લૉન્ચ થઈ અને 2015 સુધીમાં તેણે વિશ્વભરમાં એક અબજ રાઇડ્સ પૂરી કરી લીધી. ઉબર માત્ર ડિજિટલ એપ નથી. આધારની જેમ આ વાસ્તવિક દૃષ્ટિએ વિશ્વને જોડે છે. કોઈ સરકારી યોજનાનું વિશ્વની શ્રેષ્ઠતમ ઇન્ટરનેટ કંપનીઓની ગતિએ વિકસવું, માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં પણ અશક્ય છે.

 

આના માટે UIDAIને શ્રેય આપવું જ પડે. આધારના સંભવિત લાભથી ઇનકાર કરનારા ખૂબ ઓછા લોકો છે. આ એવા લોકોની ઓળખ કરી શકે છે, જે સરકારી સબસિડી અને સ્વાસ્થ્ય સુરક્ષાનો લાભ મેળવવાના હકદાર છે. આધારથી વચેટિયાઓ અને નકલી લોકો દૂર થઈ શકે છે, જેના લીધે સરકારી સંસાધનોની બરબાદી થતી હોય છે. એ ખરું કે પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવાં અન્ય ઓળખપત્રો છે જ, પરંતુ એ પણ હકીકત છે કે આપણે ભારતીયોની પાસે આ બંને કાર્ડ નથી. મતદાર ઓળખપત્ર વધારે સામાન્ય પુરાવો છે, પરંતુ તે માત્ર 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના ભારતીય નાગરિકને જ લાગુ પડે છે આ રીતે આધારમાં યુનિવર્સલ આઈડી હોવાની વાત છે. આધાર જ એક એવું ઓળખપત્ર છે (પાસપોર્ટ સિવાય) જેમાં બાયોમેટ્રિક્સ સામેલ છે.


આપણે ઓળખપત્રની જરૂર તો છે જ અને ભારતીય સમાજમાં આધારનું પોતાનું સ્થાન છે. મુશ્કેલી એ છે કે આધારનું બધું તંત્ર બરાબર નથી. અહીં હેતુ આધારને નિશાન બનાવવાનો નથી. પણ આધારના પ્રશ્નોનું મુખ્ય કારણ અતિશય ઝડપે થયેલી વૃદ્ધિ છે. વાસ્તવિક જીવનમાં આવી ઝડપી ગતિના પરિણામે ગુણવત્તામાં ઘટાડો થયા વિના રહેતો નથી. ઉબરનો કિસ્સો ફરીથી ધ્યાને લેવો પડે તેમ છે. ઝડપથી વિકસવા માટે ઉબરે અનેક શહેરોમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું.

 

અનેક જગ્યાએ તેની કાર્યશૈલીને ‘ખતરનાક’ અને ‘મહિલાઓ માટે મુશ્કેલ’ ગણાવવામાં આવી, પણ આ બધી ટીકાની ઉપેક્ષા કરવામાં આવી. ડ્રાઇવરો સામે ફરિયાદોની પણ કેટલીક ઘટનાઓ સામે આવી. એવા રિપોર્ટ પણ હતા કે કંપની યુઝર ડેટાનો દુરુપયોગ કરી રહી છે અને જે લોકો કંપનીની વિરુદ્ધમાં લખે છે તેમના ડેટાની ઉબરના અધિકારીઓ ડેટાની જાસૂસી કરી રહ્યા છે. અનેક આક્ષપો સાબિત ન થઈ શક્યા, પણ બીજી તરફ ઉબરના સહસ્થાપક અને સીઈઓ ટ્રેવિસ કેલેનિકે રાજીનામુ આપવું પડ્યું.


ઉબરે વિશ્વભરમાં વિકાસ અને પ્રભાવની બાબતમાં જે હાંસલ કર્યું છે, તે અદ્્ભુત હોવા છતાં પ્રગતિ માટે ઊઠાવેલાં અયોગ્ય પગલાંનો ઇન્કાર કરી શકે તેમ નથી. આધારની બાબતમાં પણ આવું જ બન્યું છે. એક અબજના આંકડે ઝડપથી પહોંચવાના પ્રયત્નમાં UIDAIએ અનેક ભૂલો કરી, જેમને સુધારવાની જરૂર છે. જો એવું કરવામાં નહીં આવે, તો એક શાનદાર આઈડી પ્રોગ્રામ તેની વિશ્વસનીયતા ગુમાવી બેસે એવું જોખમ સર્જાશે.
એક માત્ર સૌથી મોટો મુદ્દો નક્કર વ્યવસ્થાના અભાવનો છે. ખાનગી ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા કાર્ડ અપાવાનો અર્થ એવો થાય છે કે અનેક હલકી ગુણવત્તાના અથવા નકલી કાર્ડનું સિસ્ટમમાં આગમન.

 

આ સિવાય કાર્ડ બનાવવાની પ્રક્રિયા પણ સંતોષકારક નથી. કાર્ડ બનાવવા માટે મારે ત્રણ વખત જવું પડ્યું અને દરેક વખતે સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. કાર્ડ બનાવનારી વ્યક્તિ જર્જરિત ઓરડામાં બેઠી હતી. ખરેખર આ એવી જગ્યા તો ન જ હોવી જોઈએ, જ્યાં દેશનું સૌથી મહત્ત્વનું ઓળખપત્ર આપવામાં આવતું હોય. ભલે ગમે તેટલી સંખ્યામાં આધાર કાર્ડ ઇશ્યૂ કરવાના હોય, પણ તે છે તો ગંભીર કામ જ. શું આપણે આ રીતે પાસપોર્ટ જારી કરીશું? ખર્ચ કદાચ વધારે થાય, પણ આધાર સેન્ટર પાયાના  માળખા અને તપાસની બાબતમાં પાસપોર્ટ સેન્ટર જેવું હોવું જોઈએ.


બીજું એ કે, વધારે સારાં ઉપકરણોનો ઉપયોગ કરાવો જોઈએ. ઝડપથી ગતિ મેળવવા માટે હલકા કેમેરા અને ફિંગરપ્રિન્ટ સ્કેનર કોઈ પણ વ્યક્તિને ભૂત જેવી દર્શાવે છે. જરૂરિયાત એવા મજબૂત પ્લાસ્ટિક કાર્ડની છે, જેના પર સ્પષ્ટ દેખાય એવી તસવીર અને માઇક્રોચિપ હોવી જોઈએ. આખી જિંદગી જેનો ઉપયોગ કરવાનો છે, એ કાર્ડ માટે આટલી ગુણવત્તાની અપેક્ષા શું વધારે પડતી ગણાય? ત્રીજું એ કે, UIDAI વેબસાઇટ અત્યંત સુસ્ત છે. યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન તો 1980ના દાયકાની છે. તેનાથી એ ભરોસો પેદા નથી થતો કે તે ઓળખપત્રો જારી કરનારી મજબૂત સંસ્થા છે. તેનું આઉટસોર્સિંગ કરવું જોઈએ.

 

ચોથું, દરેક બાબતને આધાર સાથે જોડવા માટે લોકોને ધમકાવવા ન જોઈએ. સમયની સાથે આધાર લિંકેજ થઈ જશે. જો કાર્ડ સારુ હશે, તો લોકો તેનો ઉપયોગ ઓળખપત્ર તરીકે દરેક જગ્યાએ કરશે. તેને જબરદસ્તી લોકોના ગળે વળગાડવાની શું જરૂર છે? આનાથી કાર્ડની બદનામી જ થાય છે. પાંચમો મુદ્દો એ કે પ્રાઇવસી અને ડેટામાં ઘૂસણખોરી થવાની ચિંતા વાજબી છે. અત્યારે ભારતીયોમાં પ્રાઇવસીના મુદ્દે ખાસ સંવેદનશીલ નથી, પણ આખરે એવું થશે જ. કોઈ પણ લેતી-દેતી, મુસાફરી, ક્યાંક રોકાવા કે ખરીદી માટે આધાર ફરજિયાત કરવું એ આખી વાતને વધારે ખેંચવા બરાબર છે. પહેલાં કહ્યું એમ જો કાર્ડ સારું હશે, તો લોકો તેનો ઉપયોગ કરશે જ.

 

આમ જોઈએ તો તાજેતરમાં આધારકાર્ડનો ડેટા લીક થવો એ ચિંતાનો મુખ્ય વિષય છે. જો UIDAIનો ડેટા સુરક્ષિત નથી, તો કાર્ડ પ્રત્યેનો ભરોસો ઝડપથી જતો રહેશે. ડેટાને સુરક્ષિત રાખવો એટલું અઘરું નથી. મુશ્કેલીને સ્વીકારીને તેના પર કામ કરવાની જરૂર છે. વિકાસનો નશો થઈ જાય છે અને UIDAI જે હાંસલ કર્યું છે, તેના લીધે તે હવામાં ઊડે છે. તેમણે જે કર્યું તેના માટે તે શાબાશીના હકદાર છે, પણ સમય પાકી ગયો છે કે તેઓ આધારને આધારભૂત સ્વરૂપ આપે અને ઉપર દર્શાવેલી સમસ્યાઓ દૂર કરે. આધારના વિકાસનો તબક્કો પૂરો થઈ ગયો છે. હવે સમય આવી ગયો છે કે UIDAI સંખ્યાત્મક વધારામાંથી બહાર આવીને ગુણવત્તાને લક્ષ્ય બનાવે.

અન્ય સમાચારો પણ છે...