લોકડાઉન 4.0 / ભાવનગરમાં 2 હજારથી વધુ નાના-મોટા હીરાના કારખાના શરૂ, એક ઘંટીએ 4ને બદલા 2 કારીગર બેસાડવામાં આવે છે

એક ઘંટીએ બે જ કારીગરને બેસાડવામાં આવે છે
X

  • સુરતથી વતન પરત ફરેલા રત્ન કલાકારોને વતનમાં રોજીરોટી મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા
  • રત્નકલાકારોને સેનિટાઈઝિંગ કરી ગન દ્વારા ટેમ્પરેચર માપી કારખાનામાં પ્રવેશ આપવામાં આવે છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 11:14 AM IST

ભાવનગર. હીરા, અલંગ અને પ્લાસ્ટિક આ ત્રણ ઉદ્યોગ ભાવનગરમાં લાખો લોકોને રોજગારી આપા રહ્યા છે. લોકડાઉન 4માં નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવતાં ફરી એકવાર હીરાના કારખાનાઓ શરૂ થયા છે. ભાવનગરમાં 65 હજાર અને ગ્રામ્યમાં 35 હજાર મળી એક લાખ જેટલા રત્નકલાકારો લોકડાઉન દરમિયાન બેકાર બની ગયા હતા. આજ પ્રકારે ભાવનગર જિલ્લામાંથી અઢી લાખ જેટલાં રત્નકલાકારો પોતાના પરિવાર સાથે સુરતમાં રોજીરોટી કમાવવા માટે સ્થાયી થયેલા છે. કોરોના અને લોકડાઉનના કારણે ચાર લાખ ઉપરાંત લોકો વતનમાં પરત ફર્યા છે. 
સરકાર તરફથી લોકડાઉન 4માં શરતો સાથે ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી મળતા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા 2 હજાર જેટલા હીરાના કારખાનાઓ શરૂ થયા છે. આ સમયમાં લોકોને રોજગારી મળી રહે તેવો આશય

ભાવનગર, ગારીયાધાર સહિત જિલ્લામાં શરૂ થયા છે. કારખાનાઓ  પૈકી મારૂતિ ઈમ્પેક્ષમાં નિયમોનું પાલન કેવી રીતે થાય છે. તેની ચકાસણી અર્થે કલેક્ટર ગૌરાંગ મકવાણા અને ડી.ડી.ઓ.એ મુલાકાત લીધી હતી. સવારના તમામ રત્નકલાકારોને સેનેટાઈઝિંગ કરી ગન દ્વારા ટેમ્પરેચર માપી કારખાનામાં પ્રવેશ આપવામાં આવે છે. હીરા ઘસવામાં આવે છે તે ઘંટી પર આમ સંજોગોમાં ચાર કારીગરો બેસતા હોય છે પરંતું સોશિયલ ડિસ્ટન્સના કારણે એક ઘંટી પર માત્ર બે કારીગરોને બેસાડવામાં આવે છે. મારૂતિ ઈમ્પેક્ષના સુરેશ લખાણીએ જણાવ્યું હતું કે, સરકારની ગાઈડ લાઇન મુજબ કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના કારણે એક ઘંટી પર 4ના બદલે 2 કારીગરો બેસાડવામાં આવે છે. જેના કારણે હીરાની કોસ્ટ ઉંચી આવે છે પરંતું આ સમયમાં લોકોને રોજગારી મળી રહે તે જરૂરી છે. 
50 ટકા જેટલા લોકો ફરી સુરત જવા માંગતા નથી 

સુરતથી કોરોનાને કારણે પરત આવેલા રત્નકલાકારોમાંથી ઘણા જ એવા લોકો છે કે જે પોતાની ઘરવખરી સરસામાન લઈને આવી ગયા છે. 50 ટકા જેટલા લોકો ફરી સુરત જવા માંગતા નથી સુરતથી પરત આવેલા લોકો પોતાની હૈયાવરાળ કાઢતા જણાવ્યું હતું કે, સુરતમાં પ્લેગ, પૂર અને હવે કોરોના આવતા દોડીને વતન આવવું પડ્યું છે. વાર તહેવાર પ્રસંગોપાત વતન આવવું પડે છે. અરે ગામડામાં મોટા મકાનો છોડી સુરતમાં નાની રૂમમાં પરિવાર સાથે રહીને કંટાળી ગયા છીએ. શેઠીયાઓએ કારખાનાઓ બંધ કરી સુરત ગયા એટલે અમારે આજીવિકા કમાવવા સુરત જવું પડ્યું  છે. હીરાના શેઠીયાએ જણાવ્યું  હતું કે, અમે ગામડાઓમાં કે તાલુકા મથક પર કારખાનાઓ ચલાવતા હતા. જ્યાં તેસમયે તકલીફો હેરાનગતિ અને સામાજિક પ્રશ્નોને લઈને અમારે કારખાના બંધ કરી કામને સુરત જવું પડ્યું છે સરકાર દ્વારા ભાવનગરમાં અને ગ્રામ્ય પંથકમાં અન્ય ઉદ્યોગોનીમાફક હીરા ઉદ્યોગ માટે રાહતદરે જમીન સહિત અન્ય સગવડતાઓ આપવામાં આવે તો ફરી ભાવનગર શહેર અને જિલ્લામાં હીરાના કારખાનાઓ શરૂ થઈ શકે તેમ છે. સુરતથી પરત ફરેલા રત્નકલાકારોને ઘર આંગણે કામ મળી રહે અને ભાવનગરના ગામડાઓમાં ફરી હીરા ઉદ્યોગ શરૂ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં ડાયમંડની ચમક પાછી આવે તે માટે સહિયારો પ્રયાસ શરૂ થયા

રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ સુરેશભાઈ લખાણી, ગણેશભાઈ ચમારડી, બેચરભાઈ મુંજાણી, છગનભાઈ, હર્ષદભાઈ પટેલ સહિત હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને એસોસિએશન સાથે મિટિંગ યોજી હીરા ઉદ્યોગને શહેર અને ગામડામાં શરૂ કરવા શું કરી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવ્યો છે. વિભાવરીબેન દવેએ આત્મ નિર્ભર અભિયાન અંતર્ગત સખી મંડળો દ્વારા ગામડે ગામડે હીરાની ઘંટી શરૂ કરી શકાય. અગ્રણીઓએ તમામ સહકારની ખાત્રી આપી છે. આમ ભાવનગર જિલ્લામાં ડાયમંડની ચમક પાછી આવે તે માટે સહિયારો પ્રયાસ શરૂ થયા છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી