વિજયગુપ્ત મૌર્ય જીવંત જ્ઞાનકોષને શતાબ્દિવંદન!

નાનપણમાં વિજયગુપ્ત મૌર્યને તેમના બાપુજી સરકસ દેખાડવા લઈ જતા. તેમાંથી તેમનો સરકસ તરફનો રસ વિકસ્યો. દામુ ધોત્રે નામના ભારતના સરકસવીર દેશ-વિદેશમાં...

Lalit Khambhayata | Updated - Feb 22, 2010, 04:00 PM
Vijaygupt Maurya
એક સદી પહેલાં જન્મેલા ગુજરાતી મહાલેખક વિજયગુપ્ત મૌર્યને ગુજરાતી વિજ્ઞાન લેખનના પિતામહ કહેવામાં કશું ખોટું નથી. તેમણે દાયકાઓ પહેલાં જ્યારે વિજ્ઞાન આજના જેટલું સુલભ ન હતું ત્યારે અદ્ભુત સાહિત્યસર્જન કર્યું હતું. vijaygupt mauryaસૌ પહેલા ‘પ્રકૃતિ’ મેગેઝિનમાં ૧૯૪૩માં ત્રીજા અંકમાં પાના નંબર ૧૩૨-૧૩૩ પર ‘અનુભવની આપ-લે’ કોલમ હેઠળ છપાયેલો એક લેખ થોડા ફેરફારો સાથે જોઈએ... હેડિંગ હતું: ‘બિલાડી સ્વેચ્છાથી પાણીમાં પડે ખરી?’ ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના જર્નલના ડિસેમ્બર ૧૯૪૨ના અંકમાં નદી તરી જતા વાઘનો ઉલ્લેખ છે. તે પરથી મને ભાદર નદીના ખારા પાણીને તરીને સામે પાર ગયેલા મનાતા એક બિલાડાનો બનાવ યાદ આવે છે. બિલાડી અને વાઘ નિકટના સંબંધી છે અને ભીંજાવાનું પસંદ નથી કરતાં. મને તો વાઘ સાથે નહીં પણ બિલાડા સાથે જ પ્રસંગ પડ્યો છે! અઢી-ત્રણ વર્ષ ઉપર ભાદરના મુખ ઉપર નવીબંદરમાં હું રહેતો ત્યારે મારું ઘર ચીડિયાખાનું જ હતું. એ સરકારી મકાનમાં બિલાડી ન આવે તે માટે હું ખાસ તકેદારી રાખતો, પરંતુ એક હ્યષ્ટપુષ્ટ બિલાડો મારા પક્ષીઓનો કલ્લોલ સાંભળી, ઘણી વાર તાડન પામ્યા છતાં, ઘરમાં દાખલ થવાની તષ્ણા દાબી શકતો નહીં. ધર્મભાવના આડે ન આવી હોત તો કદાચ હું એ બિલાડાનો શિકાર કરી નાખત! પછી તો ‘સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો ઉપાય મેં શોધી કાઢ્યો. મેં એક યુક્તિ રચી. એક ટ્રંક ખાલી કરાવી તેમાં દૂધની વાટકી રાખી ટ્રંક ઉઘાડો રાખ્યો. બિલાડો ફળિયામાં દેખાયો ત્યારે હું ટ્રંકની બાજુમાં ખાટલા પર ઓઢીને સૂઈ ગયો. બિલાડો ઘરમાં દાખલ થઈને ખૂબ સાવચેતી રાખ્યા પછી ટ્રંકમાં દાખલ થયો. તેનો દૂધ પીવાનો અવાજ સાંભળી મેં પાછળથી ટ્રંકનું ઢાંકણું હડસેલી બંધ કરી દીધું! મારી સફળ યુક્તિ પર ફિદા થઈ મેં ટ્રંક પટાવાળાને સ્વાધીન કરી દીધો અને પટાવાળો તેને ભાદરના સામે કાંઠે મૂકી આવ્યો. એ નાના ગામમાં બધાએ મારી ચપળતા અને બુદ્ધિની તારીફ કરી! (મારા જેવા ‘મોટા’ માણસે આવું નકામું કામ કર્યા બદલ ખાનગીમાં મારી હાંસી કરી હોય તો તેની મને ખબર નથી!) પણ અફસોસ! બીજા દિવસે એ દુષ્ટ બિલાડો લાલસાભરી નજરે મારા આંગણામાં આવી ઊભો રહ્યો. તપાસ કરી તો ખબર પડી કે બિલાડો પાણી તરીને આવ્યો હોવો જોઈએ. -પોરબંદર, એપ્રિલ ૧૯૪૩ - વિજય મુ. વાસુ. ‘પ્રકૃતિ’માં વિજયશંકર મુ. વાસુએ આ લેખ લખ્યો છે. આ લેખ પરથી સમજી શકાય છે, કે લેખકે વાઘ પાણીમાં તરી શકે કે નહીં એ સમજાવવા અભિપ્રાયોનો ઢગ કરવાને બદલે પોતાની સાથે બનેલો એક બનાવ જ સીધો મૂકી દીધો છે. વાચકો જ નક્કી કરે! વિજયશંકર વાસુ એટલે ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજયના પિતા અને સંપાદક હર્ષલ પુષ્કણાર્ના દાદાજી! ૨૦૦૯ વિજયગુપ્ત મૌર્યનું જન્મશતાબ્દિ વર્ષ. ત્યારે યાદ કરીએ તેમના અદ્વિતીય પ્રદાનને.... પહેલા થોડો પરિચય વિજયગુપ્ત મૌર્યનો જન્મ ૨૬મી માર્ચ, ૧૯૦૯ના દિવસે પોરબંદરમાં થયો હતો. માતા મોતીબાઈ અને પિતા મોરારજીભાઈ. તેમના પિતાને ફરસાણની દુકાન હતી. તેમનું માઘ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં થયું હતું. ૧૯૨૫માં તેઓ મેટ્રિક પાસ થયા. એ પછી તેમના પિતાના કેટલાક મિત્રોની સલાહથી તેમને વકીલાતનું ભણવા મુંબઈ મોકલવાનું નક્કી થયું. તેઓ ત્યાં તેમના માસીના દીકરા કેશવલાલ વૈદ્યને ત્યાં રહી મુંબઈ યુનિવર્સિટીમાંથી એડવોકેટ બન્યા. મુંબઈ ગયા ત્યારે શરૂમાં તેમના નાના ભાઈ ભાઈશંકરભાઈ વાસુ સાથે રહેતા. તેઓ કુલ ત્રણ ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈ વેણીશંકર વાસુ હાડોહાડ ક્રાંતિકારી હતા. દરમિયાન તેમના બહેન-બનેવીએ તેમનાં લગ્ન વસંતલીલાબહેન સાથે કર્યા. વસંતલીલાબહેન ખાસ ભણેલાં ન હતાં. તેમને માત્ર એટલી ખબર હતી કે મારા પતિ જે કંઈ કરે છે, તે બરાબર છે. મારે માત્ર તેમને સાથ આપવાનો છે. તેમણે આજીવન એ કામ કર્યું પણ ખરું. ૧૯૩૩માં તેમના મોટા ભાઈ વેણીશંકર વાસુને સ્વાતંત્ર્યની લડત માટે જેલમાં જવું પડ્યું ત્યારે તેઓ માતા-પિતાનું ઘ્યાન રાખવા પોરબંદર પરત આવ્યા. ૧૯૩૭માં તત્કાલીન દીવાન ત્રિભોવનદાસના કહેવાથી તેમને જજ બનાવાયા. દરમિયાન તેમને પોરબંદર, રાણાવાવ, નવીબંદર અને બગવદરમાં રહેવાનું થયું. આ વિસ્તારમાં ફરવાને કારણે તેમને ત્રણેય પ્રદેશની ભૂગોળનો અભ્યાસ કરવાની તક મળી. જે પાછળથી તેમની જ્ઞાનવૃદ્ધિ કરવામાં નિમિત્ત બની. એવામાં બન્યું એવું કે મુંબઈમાં અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી રહેલા ડૉ. વસંત અવસરે નામના ક્રાંતિકારી સાથે વિજયશંકરનો ભેટો થયો. તેમની પાછળ અંગ્રેજ રાજના ઘોડા છૂટ્યા હતા એટલે તેઓ ભાગતાં ભાગતાં પોરબંદર આવ્યા. વિજયશંકર વાસુને તેમણે પોતાનો કેસ લડવાની વિનંતી કરી. એ વખતે વિજયશંકર ન્યાયાધીશ હતા. કાયદા પ્રમાણે તેઓ કેસ ન લડી શકે! તેમણે એક અજાણ્યા ક્રાંતિકારીનો કેસ લડવા જજના અતિ પ્રતિષ્ઠિત હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. અવસરેનો કેસ લડ્યા અને તેને ન્યાય પણ અપાવ્યો. જજની ફરજ પૂરી, લેખકની શરૂ... તેમના મોટા ભાઈ અને થોડે અંશે તેઓ પણ સ્વરાજસંગ્રામ માટેની લડતમાં સક્રિય હતા. આ કારણે તેમણે પોરબંદર છોડી રાજકોટ પર પસંદગી ઉતારી. અહીં નવેક માસ મિત્ર સાથે પેટ્રોલિયમના ધંધામાં કામ કર્યું. અહીંથી ફરી સુકાન મુંબઈ તરફ ઘુમાવી ત્યાં પહોંચ્યા. ત્યાં થોડો સમય મૂળજી જેઠા માર્કેટમાં લાલજી દયાળની પેઢીમાં ક્લાર્ક તરીકે જોડાયા. અહીં તેમને ખુરશી-ટેબલ જેવી વિશેષ સુવિધાઓ શેઠ ગોરધનદાસે પૂરી પાડી. વિજયગુપ્ત મૌર્ય અહીં ધોતિયું, ડગલો, ખાદીની ટોપી પહેરીને આવતા. તેમની જજ તરીકેની કારકિદીર્નો અંત આવ્યો એ સાથે લેખક તરીકે વધુ મોકળાશ મળી. ત્યાં સુધીમાં તેમણે ‘કુમાર’, ‘પ્રસ્થાન’ વગેરેમાં લખવાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની ક્ષણ! એ વખતે તેઓ સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરના સંપર્કમાં આવ્યા અને ગુલાબદાસ તેમને બપોરે પ્રસિદ્ધ થતા અખબાર ‘જન્મભૂમિ’ સુધી દોરી ગયા. તે વખતે ‘જન્મભૂમિ’ના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ હતા. સોપાને પોતાના અખબારમાં તેમને તક આપવાનું નક્કી કર્યું. એ ક્ષણ ગુજરાતી ભાષા માટે-ગુજરાતી સાહિત્ય માટે માઈલસ્ટોન હતી. અખબારને ઉત્તમ કોલમિસ્ટ મળી ગયો અને લેખકને લખવાની સ્વતંત્રતા! એ અદ્ભુત કોમ્બિનેશને વર્ષો સુધી વાચકોને ડોલાવ્યા. તેમના લેખો લોકપ્રિય થતા ગયા અને તેમના લેખની જગ્યા વધતી ગઈ. ધીમે ધીમે એ આખા પાનાનું સંપાદન તેમના હાથમાં આવ્યું. ‘જન્મભૂમિ’ જૂથના સવારે પ્રગટ થતા દૈનિક ‘નૂતન’માં પણ તેમના લેખો છપાતા. જન્મભૂમિની ૪૦ હજાર કોપીઓ વેચાતી ત્યારે તેની રવિવારીય આવૃત્તિ પ્રવાસીની ૮૦ હજારથી વધુ નકલો ઊપડતી હતી. લોકો છેલ્લું પાનું વાંચવા માટે રાહ જોતા હતા. લિવિંગ ડિકશનરી બનવાની શરૂઆત! પોરબંદર પ્રવાસીપંખીઓ માટે બ્રેક લેવાનું સ્થળ છે. વિજયગુપ્ત મૌર્ય અહીંથી પસાર થતા પક્ષીઓને ઘ્યાનથી જોયા કરતા. ત્યાંની લાયબ્રેરીમાંથી પણ પક્ષીઓ ઉપરનાં પુસ્તકો શોધી શોધી વાંચી નાખ્યા. પિતરાઈ ભાઈ લાલજી કાલિદાસ વાસુની સોબતમાં વિજયગુપ્ત પ્રકૃતિમાં વિચર્યા કરતા. તેમની આ આદતને કારણે તેઓ ત્રીજા અને છઠ્ઠામાં નાપાસ થયા હતા! અલબત્ત જીવનની પરીક્ષામાં ક્યાંય ફેઈલ ન થયા એ વધુ મહત્વની વાત છે. તેમનાં શોખ-જ્ઞાનથી પ્રભાવિત થઈને ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’એ તેમને સભ્ય બનાવ્યા હતા! તેમના વાંચનપ્રેમથી એ વખતે તેમની શાળાના હેડ-માસ્તર એટલા પ્રભાવિત થયેલા કે તેમણે વિજયગુપ્ત મૌર્યનું નામ ‘લિવિંગ ડિક્શનરી’ રાખી દીધું. પાછળથી ગુજરાતી ભાષામાં ઉત્તમોત્તમ તંત્રી ગણાતા હસમુખ ગાંધીએ વિજયગુપ્ત મૌર્યને ‘હરતાં ફરતાં જ્ઞાનકોષ’નું બિરુદ આપ્યું હતું. ‘પ્રકૃતિ’ મેગેઝિન અમદાવાદમાં હરિનારાયણ આચાર્ય દ્વારા સંચાલિત ‘પ્રકૃતિ મંડળ’નું મુખપત્ર હતું. વિજયગુપ્ત તેમના મિત્ર હતા એટલે તેમણે પ્રકૃતિમાં લખવાનું શરૂ કર્યું. શરૂઆતના લેખો તેમના મૂળ નામે લખાયા છે. એ લેખો તેઓ વિજયશંકર મુ. વાસુ નામે લખતા. ક્યારેક પાછળ એડવોકેટ પણ ઉમેરતા. સાહિત્યસર્જન: સમુદ્ર પેટાળથી ચંદ્ર સુધી! લોકપ્રિયતા વધતી ગઈ તેમ વિષય વૈવિઘ્ય પણ આવતું ગયું. થોડા સમય પછી આંતરરાષ્ટ્રીય રાજકારણ પર કલમ ચલાવવાનું શરૂ કર્યું. ક્યારેક ક્યારેક તંત્રીલેખ લખવાની જવાબદારી પણ નિભાવી. એ કારકિર્દી પછી તો ૪૬ વર્ષ સુધી લંબાઈ. એ જૂથ સાથે તેઓ અઢી દાયકા સુધી જોડાયેલા રહ્યા. દરમિયાન પત્રકાર તરીકેની લાયકાતના જોરે તેમને હિંદ મહાસાગરમાં ચાલતી ભારતીય નૌકાદળની કવાયતોમાં એકથી વધુ વખત સામેલ થવાની તક મળી. નૌસેના સાથે આફ્રિકા ગયા ત્યારે એડમિરલ નંદા જહાજ પર હોય એ વખતે તેઓ કોઈ પક્ષી ઓળખી બતાવે કે જુઓ આ ધોમડા છે. તો તુરંત નંદા લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરે: ‘મિસ્ટર વાસુ હેડ આઈડેન્ટિફાઈડ ધ બર્ડ એઝ એ સી-ગલ.’ તેમણે ક્યાં ક્યાં અને શું શું લખ્યું? - ૧૭ વર્ષની ઉંમરે તેમણે બ્રિટન અને જર્મનીના નૌકાયુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો. -‘ચિત્રલેખા’ને લોકપ્રિય બનાવનારા નામોમાં વિજયગુપ્ત મૌર્યનું નામ મૂકવું પડે. ૧૯૬૦-૭૦ના દાયકામાં ચિત્રલેખાના વાચકોને વિજયગુપ્ત મૌર્યની પાવરપેકડ કલમનો લાભ મળ્યો. ‘ઑલરાઉન્ડર’ નામે તેમની કૉલમ આવતી. ૧૯૭૦થી ૮૦ના ગાળામાં ચિત્રલેખાના ૩ લેખકો સૌથી વધુ પાવરફુલ હતા, તેમાંના એક એટલે વિજયગુપ્ત મૌર્ય. એ દાયકાની સર્વશ્રેષ્ઠ લેખમાળા પણ વિજયગુપ્ત મૌર્યએ આપેલી ‘કેન્યા યુગાન્ડા રેલવે’ છે. -‘નવચેતન’ના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા આવતી. - આજે ભારે લોકપ્રિય બનેલું પ્રશ્ન-જવાબનું ફોર્મેટ તેઓ એ જમાનામાં ચલાવતા હતા. ‘અખંડ આનંદ’ સામયિકમાં તેમની પ્રશ્ન-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ નામે કૉલમ ચાલતી હતી. એક વખત તેમનું પ્રોટેસ્ટનું ઓપરેશન હતું. ત્યારે તેમણે સામયિકના પ્રકાશક મનુ સુબેદારને કહ્યું કે આ વખતે ઓપરેશનને કારણે મારી કૉલમ નહીં આવી શકે. તેમની કૉલમ વગર મેગેઝિન છાપવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. જ્યાં સુધી તેઓ સાજા થઈને લખે નહીં ત્યાં સુધી ‘અખંડ આનંદ’ ન છાપવું એવો નિર્ણય લેવાયો. ૧૫ દિવસ સુધી રાહ જોવાઈ અને જ્યારે તેઓ લખી શકયા ત્યારે જ મેગેઝિન છપાયું. તેમની લોકપ્રિયતા કેટલી હશે! એ રીતે પછી તો ઘણી વાર તેમનો લેખ મોડો પડ્યો હોય તો તેની રાહે સામયિકનું પ્રિન્ટિંગ રોકી રાખવામાં આવતું હતું. તેમની કૉલમ વગર સામયિક છપાય તો વાચકોની ખફગી વહોરવી પડે જેમના માટે તંત્રી તૈયાર ન હતા! - હરકિસન મહેતાએ પોતાના સંસ્મરણોમાં લખ્યું છે, ‘વિજયગુપ્ત મૌર્યની અનેક શિકાર-સાહસ કથાઓ એનએમની લાઇબ્રેરીમાં જ વાંચેલી. પ્રથમ પુરુષ એકવચન (હું)થી લખાયેલી કથાઓ વાંચીને એવું જ માની લીધેલું કે આ વિજયગુપ્ત મૌર્ય પોતે જ શિકારી છે. - વર્ષો પછી વિજયશંકર વાસુ તરીકે એમને મળવાનું થયું ત્યારે બાલિશ ઉત્સાહથી પુછાઈ ગયું હતું: તમે આટલા બધા શિકારો કર્યા છે? ત્યારે એ હસી પડયા હતા. ભાઈ, મારી આંખ પર લાગેલા ચશ્માંના જાડા કાચ જોઈને લાગે છે, કે હું દસ ફૂટ દૂરનુંય નિશાન લઈ શકું! શિકાર તો માત્ર કલમથી કરું છું.’ - પ્રકૃતિ પરનાં તેમનાં લખાણોમાં માહિતી પ્લસ મનોરંજન પ્લસ સંદેશ હતો. આ કન્સેપ્ટ આજે વિશ્વ વ્યાપી છે. ડિઝનીના વિશ્વપ્રિય કાર્ટૂનોમાં કોઈ જંગલી સજીવના પરાક્રમ દ્વારા મેસેજ આપવાનું કામ થઈ રહ્યું છે. એ રીતે તેઓ ત્યારે વિચારતા હતા એ વિશ્વકક્ષાનું અને વધુ તો વિશ્વકક્ષાએ સફળતાનો સિક્કો લગાવી શકે એવું હતું એમ કહી શકાય. - તેમનું લખાણ શા માટે રસપ્રદ હતું? જવાબ નગેન્દ્ર વિજયની આ વાત પરથી મળી આવે છે, ‘પિતાજી એવું કહેતા કે ઇન્ફર્મેશન અને એન્ટરટેઈનમેન્ટ એવા બે અલગ અલગ વિભાગો ન હોવા જોઈએ. ઇન્ફર્મેશન જ એન્ટરટેઈનમેન્ટ હોય એ આદર્શ સ્થિતિ છે.’ - લખતી વખતે જરૂર જણાય ત્યાં તેઓ ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી શબ્દ પણ આપતા. - ૧૯૪૫થી ૧૯૯૧ સુધી અનેક સામયિકો, અખબારોમાં લેખો લખ્યા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ જોકે કદાચ તેમની સામગ્રીને સાહિત્ય ગણ્યું નથી. સાહિત્ય પરિષદની વેબસાઈટ પર ઘણા બધા સાહિત્યકારોના ફોટા મુકાયા છે, તેમાં વિજયગુપ્ત મૌર્યનો ફોટો નથી! - કોઈ પ્રદેશમાં તેઓ ફર્યા ન હોય પણ ત્યાંથી માહિતી મળી હોય તો લેખના અંતે લખ્યું હોય કે આ પ્રદેશમાં હું ફર્યો નથી પણ મિત્રોએ વિગતો પૂરી પાડી છે. એ રીતે કોઈ લેખમાં જૂના ‘પ્રકૃતિ’ના અંકમાં આવેલા વિષયનો ઉલ્લેખ હોય તો લેખના અંતે તંત્રીની નોંધ હોય કે જુઓ પ્રકૃતિનો એક્સવાયઝેડ અંક. - સૌથી મહત્વની વાત એ છે કે તેઓ ઘણી જગ્યાએ રૂબરૂ ફર્યા હતા અને તેના આધારે પોતાના અનુભવો લખ્યા છે. ખરા પત્રકાર હોવાને નાતે તેઓ આજીવન ફરતા રહ્યા હતા. તેમને એકાદ મહિનાનું વેકેશન મળતું ત્યારે તેઓ હિમાલય જેવા પ્રકૃતિના સંગ્રહસ્થાન જેવાં સ્થળોએ ઉપડી જતાં. - ક્યાંય જમવાનો ખર્ચ ન થાય તે માટે સિધું-સામાન સાથે રાખતાં. વળી જ્યાં જવાનું હોય ત્યાંના વનખાતાને પહેલેથી પત્ર લખી જાણ કરી દે એટલે ત્યાં જઈ શક્ય તેટલી વધુ માહિતી મેળવી શકે. - તેમનામાં અદ્ભુત જ્ઞાનનો ખજાનો હતો, તેનો લાભ ગુજરાતી પત્રો-પત્રિકાઓ-પ્રકાશકો લેતાં રહ્યાં અને બદલામાં સન્માનજનક વળતર આપવાનું તેમને ક્યારેય લાગ્યું નહીં. વિજયગુપ્ત મૌર્યએ ક્યારેય પુરસ્કારની માગ કરી નહીં એટલે આજીવન તેમનું શોષણ થતું રહ્યું. તેનાથી તેમનો જ્ઞાનયજ્ઞ ક્યાંય અટકયો નહીં! - તેમના પૌત્ર અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા કહે છે, ‘દાદાજીને કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવાનું ગમતું હતું. તેઓ બધું જ વાંચતા. વાંચનની સ્વભાવગત ટેવ તેમના પુત્ર નગેન્દ્ર વિજય અને સરવાળે મારામાં વારસાગત ઉતરી છે.’ - તેમનાં સંસ્મરણો યાદ કરતાં હર્ષલભાઈ કહે છે, ‘અમે નાના હતાં ત્યારે દિવાળી અને ઉનાળુ વેકેશન કરવા મુંબઈ તેમની પાસે જતા. તેમણે અમારા સ્વાગતની તૈયારી કરી જ રાખી હોય. તેમના હાથમાં પુસ્તક ન હોય એવો એક પણ દિવસ મેં જોયો નથી. તેઓ સતત વાંચતા રહેતા. ‘બ્રિટાનિકા એન્સાઈક્લોપીડિયા’ના એક વખત ૨૪ ગ્રંથો પ્રગટ થયા ત્યારે કોઈ સ્કીમ હતી અને હપ્તેથી નાણાં ચૂકવવાની ઑફર હતી. ત્યારે તેમણે એ ‘જ્ઞાનકોષ’ વસાવ્યો. આજે પણ એ સેટ અમે સાચવી રાખ્યો છે. તેઓ એ જ્ઞાનકોષનો ભરપૂર ઉપયોગ કરતા. કોઈ પણ વોલ્યૂમ ઉઠાવી કોઈ પણ પાનું ખોલીએ તો તેમાં તેમણે પેન્સિલથી કરેલા માર્કિંગ જોવા મળે જ! તેમણે અમને એન્સાઈક્લોપીડિયા કેમ વાપરવો એ પણ શીખવ્યું હતું. દા.ત. સોના વિશે કંઈ લખવું હોય તો ‘જી’ અક્ષરના વિભાગમાં ગોલ્ડ લખેલું હોય એ તો ઠીક છે, પણ ‘એમ’ અક્ષરમાં માઈનિંગ (ખાણકામ) લખેલું હોય એ પણ વાંચવાનું. તેના પરથી ખાણો વિશે માહિતી મળી રહે અને એ રીતે એક સંપૂર્ણ લેખ તૈયાર થાય.’ તેઓ મોટે ભાગે જન્મભૂમિની લાયબ્રેરીનો ઉપયોગ કરતા હતા. નાણાંની અછતના કારણે પોતાની અંગત લાયબ્રેરી ખાસ સમૃદ્ધ હતી નહીં.’ કોઈ સંજોગોમાં કામ ન અટકે! જીવનનાં છેલ્લાં દસેક વર્ષ તેમણે ભારે માંદગીનો સામનો કરવો પડ્યો. જોકે કપરી સ્થિતિમાં પણ તેમનું કામ બંધ ન હતું. અમદાવાદમાં અવસાન પહેલાં તેઓ ૩૫-૪૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા. બિછાનેથી પણ તેઓ લેખો બોલીને લખાવતા (ડિક્ટેટ) રહેતા. પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાતા હોવાને કારણે હાથ ધ્રૂજતા પણ તોય તેઓ ધ્રૂજતા હાથે એડિટિંગ કરી આપતા. અમદાવાદ આવી ગયા પછી તેમને આંખોની તકલીફ પણ વધી ગઈ હતી. ત્યારે તેઓ ચશ્માં ઉપરાંત હાથમાં મેગ્નિફાયિંગ ગ્લાસ રાખતા અને તેનાથી વાંચતા. તેમને કમરની પણ ભારે તકલીફ હતી. સતત કમર પર જાડો કમરપટ્ટો બાંધી રાખતા હતા. તેમના અંતિમ દિવસો યાદ કરતાં હર્ષલ પુષ્કર્ણા ઉમેરે છે, ‘હું મારા હાથે તેમને રોજ રોજ ૧૪ ગોળીઓ આપતો. જમવા બેસતા ત્યારે તેમને મજાકમાં કહેતો કે થોડી જગ્યા રાખજો બીજું ભોજન (૧૪ ગોળીઓ) પણ લેવાનું છે, પણ આવી માંદગી વચ્ચે તેમણે ક્યારેય લખવાનું બંધ કર્યું નહીં.’ જોકે અંતિમ દિવસોમાં તેમણે લખેલું લખાણ ધ્રૂજતા હાથે લખાયેલું છે. તે હસ્તપ્રતો સચવાયેલી પડી છે. દસમી જુલાઈ, ૧૯૯૨ (ગુરુવાર)ના દિવસે અમદાવાદ ખાતે લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું. સમગ્ર ગુજરાતી વિજ્ઞાન પત્રકારત્વના તેમને પિતા ગણવામાં આવે તો તેમાં અતિશયોકિત નહીં લેખાય. વિજયગુપ્ત મૌર્યનું સર્જન - જ્ઞાન-વિજ્ઞાનનો કયો વિષય બાકી છે? એમનો લેખન વ્યાપ એમનાં પુસ્તકો પરથી જણાઈ આવે છે... પ્રિન્સ બિસ્માર્ક: શાળાજીવન દરમિયાન તેમણે ‘કુમાર’ અને ‘પ્રસ્થાન’માં લેખો લખી લેખન પ્રવત્તિને ટેક ઑફ કરી હતી. ૧૯૩૫થી ૧૯૩૯ વચ્ચે લખાયેલું આ તેમનું પહેલું પુસ્તક છે, જે પ્રસ્થાને પ્રસિદ્ધ કર્યું હતું. કાશ્મીરનું અગ્નિસ્નાન: ૩૦ પ્રકરણ અને ૩૨૮ પાનામાં ફેલાયેલા પુસ્તકમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૪૮માં ખેલાયેલા પહેલા વિગ્રહની તવારીખી નોંધ છે. મૂળ તો યુદ્ધ દરમિયાન તેમણે કરેલી નોંધો અને પોતાના યુદ્ધ વિશેના જ્ઞાનને આધારે તેમણે ૧૯૬૪માં ‘પ્રવાસી’માં ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’ નામે લેખમાળા શરૂ કરી હતી. એ લેખમાળા પરથી ઑગસ્ટ, ૧૯૬૫માં પુસ્તક છપાયું. ડિસેમ્બર, ૧૯૬૫ જ ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’ની બીજી આવત્તિ બહાર પાડવી પડી! બાદમાં મે ૧૯૯૧માં તેની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ. શરૂઆત તેમણે કાશ્મીરના ઇતિહાસથી કરી છે. બીજા પ્રકરણથી વર્તમાન કાશ્મીર અને તેની સળગતી સમસ્યાની વાત શરૂ થાય છે. પુસ્તકમાં કોઈ વિદેશી યુદ્ધ નિષ્ણાતનો ઉલ્લેખ પણ હોય અને આપણા મેઘાણીની રચનાઓ પણ ખરી. કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ : ૧૯૬૫માં ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’ બહાર પડ્યું એ વખતે પાકિસ્તાને કાશ્મીરમાં ફરીથી સળી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે એવા જ બીજા પુસ્તકની માગ થવા લાગી. એ વખતે વિજયગુપ્ત મૌર્યએ યશવંતરાવ ચૌહાણ પાસેથી યુદ્ધ અંગેની વિગતો અને તસવીરો મંગાવી. તેના આધારે ફરીથી એ જ ‘જન્મભૂમિ પ્રવાસી’ના છેલ્લા પાને ‘લડી જાણ્યું જવાનોએ’ નામની લેખમાળા શરૂ થઈ. તેના આધારે સુધારા-વધારા અને જરૂરી માહિતીના ઉમેરા સાથે આ પુસ્તક તૈયાર થયું. પ્રકૃતિના લાડકવાયા પંખીઓ: આ પુસ્તક તેમની ઓળખ બન્યું છે. કોઈ પક્ષીવિદ્ની છટાથી એ લખાયેલું છે. ‘પ્રકૃતિ’ મેગેઝિનના ૧૯૫૦ના એક અંકમાં આ પુસ્તકનો રિવ્યૂ છપાયો હતો (પેજ ૩૨-૩૩-૩૪). આ પુસ્તકની છેલ્લી આવત્તિમાં ૩૫૦ પક્ષીઓનો પરિચય આપ્યો છે. લગભગ સોએક ચિત્રવાળા આ પુસ્તકમાં પહેલી વખત ‘ઘરઆંગણાનાં પક્ષીઓ’, ‘વગડાના પક્ષીઓ’, ‘જંગલનાં પક્ષીઓ’ એમ પદ્ધતિસર વિભાજન કર્યું છે. પુસ્તકની લેટેસ્ટ આવૃત્તિમાં કુલ ૩૫૦થી વધુ પક્ષીઓનો પરિચય છે. પુસ્તકના અંતે બધાં પક્ષીઓનો સરળ પ્રકારે કક્કાવાર ક્રમ પણ આપ્યો છે. શેરખાન: વાસ્તવિકતાને ઝાંખી પાડતી કલ્પના! : હિમાલયના જંગલમાં થતા વાઘ વિશે માહિતી આપતી કાલ્પનિક, પરંતુ અદ્ભુત વનકથા. શેરખાનમાં વાત હિમાલયનાં જંગલોમાં થતા વાઘની છે, પણ આખું પુસ્તક પૂરું કરો એટલે હાથી, દીપડો, રીંછ, ગૌર, તેતર, હરણ, ચિતળ, વરુ, શિયાળ, બકરી, હિમાલય, જંગલ વગેરે વિશેના આપણાં જ્ઞાનમાં વધારો થયા વગર રહે નહીં. છેલ્લે માર્ચ, ૨૦૦૯માં પબ્લિશ થયેલી ચોથી આવત્તિમાં ૩૫ જેટલાં રેખાચિત્રો છે. જંગલજીવનને સમજવામાં તે વધુ ઉપયોગી સાબિત થાય છે. પુસ્તકની સૌથી મોટી ખાસિયત કે કલ્પનાનું મિશ્રણ હકીકતો સાથે અપ્રતિમ રીતે થયેલું છે. માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના: આ પુસ્તક એક બોલતી મેના વિશે છે. મલાયાના જંગલમાંથી અમેરિકી દંપતી ઝેટા અને કારવેથ એક મેના લઈ અમેરિકા લઈ ગયાં હતાં. આ મેનાને ટ્રેનિંગ આપી તેને વાતો કરતી કરી હતી. બીજા વિશ્વયુદ્ધ અને તે પહેલાંનાં વર્ષોની વાત છે. આ મેના અમેરિકામાં ભારે લોકપ્રિય બની હતી. હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવા માટે એ સમયની સુંદરીઓ કરતાં મેનાનો ભાવ વધારે હતો! આ મેના બીજા વિશ્વયુદ્ધ વખતે ઘવાયેલા સૈનિકો માટે નાણાં ભેગાં કરવા ખેલ પણ કરતી અને ઢગલાબંધ નાણાં પણ ભેગાં કરી આપ્યાં હતાં. એ મેનાનો ફેવરિટ શબ્દ ‘હેલ્લો ડાર્લિંગ’ હતો. કોઈ તેને મળવા આવે તો એ સૌ પહેલા ‘હેલ્લો ડાર્લિંગ’ કહીને તેનું અભિવાદન કરતી. તેની માગ ઠેર ઠેર હતી એટલે ઝેટા તેને લઈ ફર્યા કરતી અને શૉ થયા કરતાં. એ મેના ક્યારે કેવી રીતે વર્તતી, શું વાતો કરતી વગેરે વાતોનું રસપ્રદ વર્ણન પુસ્તકમાં છે. એ મેનાનું નામ રાફેલ્સ હતું. ‘રાફેલ્સ’ નામે લખાયેલા પુસ્તક પરથી આ પુસ્તક તૈયાર થયું છે. રાફેલ્સ એટલી ખ્યાતનામ હતી કે વોલ્ટ ડિઝની સામેથી તેમને મળવા આવ્યા હતા. સરકસ વિશે સર્જન! નાનપણમાં વિજયગુપ્ત મૌર્યને તેમના બાપુજી સરકસ દેખાડવા લઈ જતા. તેમાંથી તેમનો સરકસ તરફનો રસ વિકસ્યો. દામુ ધોત્રે નામના ભારતના સરકસવીર દેશ-વિદેશમાં પ્રખ્યાત હતા. હિંસક પ્રાણીઓને કાબૂમાં રાખવાની તેમની આવડત અદ્ભુત હતી. વિજયગુપ્ત મૌર્ય પૂણે તેમને મળવા જઈ પહોંચ્યા અને સવારના ૧૧ વાગ્યાથી રાતના ૧૧ સુધી વાતો કરી. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતી ભાષાને ત્રણ ‘સરકસ જ્ઞાનકોષ’ મળ્યા. સરકસ જીવનના જીવ સટોસટના સાહસો અને સરકસની અજાયબ સૃષ્ટિના બે ભાગ. ‘સરકસ જીવનના જીવ સટોસટનાં સાહસો’ પુસ્તકમાં તેમણે નોંધેલો એક કિસ્સો ટૂંકમાં જોઈએ: એક વખત બેલ્જિયમમાં એક સરકસમાંથી ૧૧ જેટલા સિંહ-વાઘ બહાર નીકળી ગયા! ખેલ હજુ પૂરો થયો હતો એટલે પ્રેક્ષકો ધીમે ધીમે તંબુ બહાર નીકળી રહ્યા હતા. ખબર પડી એટલે થોડી વારમાં હો-હા શરૂ. સરકસનો સ્ટાફ પણ એલર્ટ થયો, પણ એમ કંઈ સિંહ-વાઘ કાબૂમાં આવે! પ્રાણીઓ પણ અંધાધૂંધીને કારણે ગભરાઈ આમ-તેમ દોડવા લાગ્યાં. એક વાઘ વેગન નીચે ઘૂસી ગયો તો એક સિંહ નજીકની હોટલમાં ચા-પાણી કરવા પહોંચી ગયો! સિંહ-વાઘની સંભાળ રાખતા સ્ટાફરો દોડી આવ્યા અને જે-તે સજીવને તેના નામથી બોલાવવા લાગ્યા. તેના કારણે કેટલાક સજીવો શાંત થયા. આવા સમયે સજીવોને શૂટ કરી નાખવાની એ વખતે છૂટ હતી. કોઈ અણધારી ઘટના બને તો પહોંચી વળવા રિંગ માસ્ટર રિવોલ્વર સાથે તૈયાર હતો. ઢગલાબંધ પ્રયાસો પછી આખરે તમામ સજીવોને ફરી કેદ કરવામાં એ રિંગ માસ્ટરે સફળતા મેળવી. એ રિંગ માસ્ટર હતા ફ્રાંસના વિશ્વ વિખ્યાત આલ્ફ્રેડ કોર્ટ.’ સમગ્ર પુસ્તક કોટર્ના જીવનમાં બનેલા આવા જાતભાતના રંગીન કિસ્સાઓથી ભરપૂર છે. આલ્ફ્રેડ કોટર્નું સરકસ જીવન અહીં વર્ણવાયું છે. આલ્ફ્રેડ કોર્ટ એ રિંગ માસ્ટર હતો જે એક સરકસમાં ૮૦ જેટલા હિંસક સજીવોને સાથે રાખતો. એક સમયે પાંજરામાં તે ૧૮ સજીવોને ઉતારતો અને ખેલ કરતો. બીજા પુસ્તકમાં વિશ્વપ્રસિદ્ધ ભારતીય સરકસના રિંગ માસ્ટર દામુ ધોત્રેના જીવનનું સરકસ જીવન આલેખાયું છે. પુસ્તકની શરૂઆતમાં દામુ ધોત્રેનો પરિચય ગ્રેટ રોયલ સર્કસના સર્વેસર્વા નારાયણરાવ વાલાવલકરે આપ્યો છે. વિજયગુપ્ત મૌર્યએ એ વખતે ‘મુંબઈ સમાચાર’માં દામુનો જીવન પ્રવાહ હપ્તાવાર લખ્યો હતો. આ પુસ્તકમાં કેટલાક દુર્લભ ફોટોગ્રાફ્સ પણ છે. પુસ્તકના કવર પર જ દામુને તેના ચેમ્પિયન નામના દીપડા સાથે બતાવ્યા છે. પુસ્તકની સાઈઝ કરતાં મોટા ફોટા ફોલ્ડ કરીને મૂક્યા છે. તેમાં ૧૩ હિંસક સજીવો સાથે ખેલ કરી રહેલા દામુનો અલભ્ય ફોટો પણ છે. છેલ્લા પ્રકરણમાં સરકસ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે ત્યારે કેવી સ્થિતિ હોય એ લખ્યું છે. તેમાં જગતના એ સમયના સૌથી મોટા રિગલિંગ સરકસના શ્રેષ્ઠતાવાચક આંકડાઓ પણ આપ્યા છે. હાથીઓના ટોળામાં: આસામના જંગલના હાથીઓનો પરિચય કરાવતી કાલ્પનિક પ્લસ વાસ્તવિક કથા. ગોફણથી અણુબોમ્બ (શસ્ત્ર વિશે જ્ઞાનગોષ્ઠિ) રોકેટને પહોંચતા કેટલી વાર લાગે? મઘ્યમકક્ષાનું તોપખાનું કેવું હોય અને ભારે તોપખાનું કેવું હોય? બઝૂકા કેવું શસ્ત્ર છે? સૌથી મોટું દરિયાઈ યુદ્ધ કયું? આવા તો યુદ્ધ-જંગ-સંગ્રામ સબંધિત ૨૬૭ સવાલોના જવાબો પુસ્તકનાં ૨૦૦ પાનાંમાં આપ્યાં છે. આ ‘વૉર બુક’માં પુરાતન ગણાતા શસ્ત્ર ગોફણથી લઈને આધુનિકતમ્ અણુશસ્ત્રોની વાત છે. પુસ્તકનું પેટા મથાળું ‘શસ્ત્રો વિશે જ્ઞાનગોષ્ઠિ’ જેમ જેમ પુસ્તક વાંચતા જાવ એમ એમ સાચું લાગતું જાય. દરેક શસ્ત્રનો જરૂરી સંદર્ભ પણ ટાંક્યો છે. ક્યાં તેનો કેવો વપરાશ થયો હતો તેની વિગતો પણ ખરી. દા.ત. ‘યુદ્ધમાં અગ્નિબોમ્બ ક્યારે વપરાયા?’ એવા સવાલના જવાબમાં લખ્યું છે, ‘આપણાં પુરાણોમાં અગ્ન્યાસ્ત્રોની કલ્પના છે. ઇતિહાસમાં જોઈએ તો પ્રાચીન રોમનોના શત્રુનાં મકાનો અને વહાણો સળગાવી દેવા માટે ડામર, ગંધક અને બીજા સળગી ઊઠે તેવા પદાર્થોનું મિશ્રણ સળગાવીને શત્રુ ઉપર અગ્ન્યાસ્ત્ર તરીકે વાપર્યા હતાં. ઇસવીસન ૬૭૦માં ક્લીનીક્સ નામના રોમને બનાવેલા આવા દાહક બોમ્બ પ્રખ્યાત થઈ ગયા. બાઈઝેન્ટાઈન સામ્રાજ્યએ આ દાહક બોમ્બ આરબ નૌકાદળ સામે વાપર્યા હતા. આ બોમ્બમાં ક્યાં રસાયણો હતાં એ વાત ગુપ્ત રાખવામાં આવી હતી. મઘ્યયુગમાં ‘ગ્રીકઅગ્નિ’ તરીકે ઓળખાયેલા બોમ્બમાં પેટ્રોલિયમ, ગુંદર, બેરજો (રેઝીન) અને ગંધક જેવા પદાર્થો વપરાતા હતા. અમેરિકાના આંતરવિગ્રહમાં વહાણો દાહક રસાયણો ભરેલી બાટલીઓ ફેંકીને આગ લગાડવામાં આવતી હતી.’ સમુદ્રની સાહસકથા: સમુદ્ર-મહાસાગર અને તે સંબંધિત વિગતો પુસ્તકમાં આપી છે, કલ્પના નથી. ૧૫ પ્રકરણ, ૧૯૬ પાનાંમાં ફેલાયેલા પુસ્તકમાં પૃથ્વીની શોધ, ભારતની શોધ, કોલંબસ, વાસ્કો-દ-ગામા, યુરોપનો ભારત સાથેનો વેપાર કેમ ભાંગી પડ્યો? ટૂંકા માર્ગની શોધમાં લાંબી યાતનાઓ, કેપ્ટન રોસનાં અજબ પરાક્રમો, ધ્રૂવ પ્રદેશની સૌથી મોટી કરુણ ઘટના.... વગેરે જેવા વિષયો પર વિસ્તારપૂર્વક સમજ આપી છે. સમુદ્ર વિશે કેવી કેવી માન્યતાઓ પ્રવર્તતી હતી, તેની વાત ‘કેવી મૂર્ખાઈ ભરેલી માન્યતાઓ’ નામના પ્રકરણમાં છે. તેમાં નોંધાયેલી એક માન્યતા પ્રમાણે મોડર્ન અને એડવાન્સ ગણાતી યુરોપિય પ્રજા એક સમયે એવું માનતી હતી કે ‘વિષુવવૃત પર તો એવી ગરમી પડે છે કે ત્યાં સમુદ્ર પણ ઊકળે છે! દક્ષિણમાં એવા લોકો વસે છે કે કોઈને કપાળ વચ્ચે એક જ આંખ હોય, કોઈનો મોટો પગ હોય અને કોઈને છાતી પર આંખો અને પેટ મોં પર હોય! આફ્રિકામાં સોનાની એવી નદી વહે છે કે જે ઊકળતા સમુદ્રમાં પડે છે!’ આપણાં ભૂગોળનાં પુસ્તકોમાં જેના વિશે ઘણું લખાયું હોય પણ કંઈ સમજાતું ન હોય એવા કેટલાય મુદ્દાઓ અહીં રસપ્રદ રીતે રજૂ થયા છે-લખાયા છે. પૃથ્વીદર્શન: પાણી, પૃથ્વી, ભૂકંપ, ભરતી, ઓટ, હિમયુગ, જવાળામુખી, સમુદ્રના પ્રવાહો, જીવનનો ઉદ્ભવ, આપણા પૂર્વજો, રણ પ્રદેશો, બર્ફિસ્તાન, ધ્રુવ પ્રદેશ, હવા-પાણીનાં સ્વરૂપો, વરસાદ, ગુજરાત અને ભારતનું હવામાન તથા સંસ્કૃતિ પર ભૂગોળની અસર.... વગેરે વાતો. આ ગ્રંથ ‘જ્ઞાનગંગોત્રી શ્રેણી’નો એક ભાગ હતો. હવામાનનું જ્ઞાન શા માટે?: આ પુસ્તકમાં હવામાનની વાતો છે. પૂર્વ હવામાનશાસ્ત્રી ડૉ. બી. એન. દેસાઈ સાથે મળીને તેમણે આ પુસ્તક લખ્યું છે. સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ: પુસ્તકમાં સમુદ્રી સજીવોની વાત છે. ખારવાઓ કેટલાક સજીવો માટે વાપરતા હોય એ શબ્દો અહીં પ્રયોજ્યા છે. ગાલાપાગોસ: ગાલાપાગોસ ટાપુ ઉત્ક્રાંતિનો બિનસત્તાવાર સિમ્બોલ બની ગયો છે. તેમણે આ પુસ્તકમાં ઉત્ક્રાંતિની કથા વર્ણવી છે. કીમિયાગર કબીર: આ પુસ્તકમાં કીટક સૃષ્ટિની વાત છે. ગુજરાતી ભાષામાં કીટક પર પણ પુસ્તક તેમણે લખ્યું છે. મૂળ આ પુસ્તક અંગ્રેજી પુસ્તક ‘કારિક અને વાલ્યાનાં અજબ સાહસકર્મો’ પર આધારિત છે. પહેલા ભોગીલાલ ગાંધીએ માત્ર તેમને અનુવાદ કરવા કહ્યું હતું. પણ વિજયગુપ્ત મૌર્યએ તેમનું ‘ભારતીયકરણ’ કર્યું અને પોતાનું જ્ઞાન જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં ઉમેરી એક નવું જ સર્જન કર્યું. આ પુસ્તક મુંબઈ-દિલ્હીના સાપ્તાહિક ‘હિન્દુસ્તાન’માં હિન્દીમાં અને ‘લોકમાન્ય’માં મરાઠીમાં હપ્તાવાર છપાયું હતું. પાછળથી મલયાલમમાં પણ તેનો અનુવાદ થયેલો! ઝગમગતું ઝવેરાત: આ પુસ્તકમાં ઝવેરાત વિશેના ૧૩૦ સવાલો અને તેના જવાબો આપ્યા છે. ૧૧ પ્રકરણ અને ૯૬ પાનાંમાં વહેંચાયેલું પુસ્તક ઝવેરાતના મિની એન્સાઈકલોપીડિયા જેવું છે. અહીં ગુજરાતના આદિવાસીઓ કયા પ્રકારનાં ઝવેરાતનો ઉપયોગ કરતા એ વાત પણ છે, તો સામે પક્ષે મઘ્ય અમેરિકાની ‘મય’ સંસ્કૃતિની પ્રજા કેવાં પ્રકારનાં ઘરેણાં-ઝવેરાત વાપરતી તેની વિગતો પણ આપી છે. ઊંડી ખાણમાં કેવાં જોખમો હોય? કાંપમાંથી સોનુ કેવી રીતે બને? મીનાકારી ક્યાંથી મળી આવે? વગેરે સવાલોના જવાબો આપ્યા છે. અહીં ઝવેરાત-રત્નો જેવા કે માણેક, પીરોજ, ઓલિવાઈન રત્ન, નીલમ, મરકત વગેરે વિશે માહિતી આપી છે. બે દાયકા પહેલાં જ્યારે પ્રિન્ટિંગ ટેક્નોલોજી આપણે ત્યાં ખાસ ઉપલબ્ધ ન હતી ત્યારે આ પુસ્તકનું કવર પેજ અતિ આકર્ષક બનાવ્યું હતું. આ છે રશિયા: ‘ઓળખવા જેવા દેશો’ શ્રેણીમાં લખાયેલું આ પહેલું પુસ્તક છે. અહીં સામ્યવાદ કે કોઈ પણ વાદને પડતો મૂકી રશિયાનો સરસ પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તકના પહેલા પ્રકરણમાંથી એક પેરેગ્રાફ: ‘પહેલાં કદની વાત કરીએ. રશિયાનું કદ ૨,૨૪,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર (એટલે કે ૮૬, ૪૯, ૪૮૯ માઈલ) છે એટલું જ કહેવાથી તેના કદનો ખ્યાલ નહીં આવે. તે અમેરિકા કરતાં લગભગ અઢી ગણું અને ભારત કરતાં સાત ગણુ મોટું છે (ભારતનું કદ ૧૨,૬૧,૮૧૭ ચોરસ માઈલ છે). જાપાન કરતાં રશિયા સાઠ ગણુ અને બ્રિટન કરતાં નેવું ગણું મોટું છે! ઉત્તરથી દક્ષિણ તેની પહોળાઈ પાંચ હજાર કિલોમીટર અને પૂર્વથી પશ્વિમ લંબાઈ દસ હજાર કિલોમીટર છે. પરંતુ શુષ્ક આંકડાથી કંઈ ચિતાર નથી મળતો. ૨૫ હજાર માઈલની ગોળાઈ ધરાવતી પૃથ્વી પર ચોવીસ ઠેકાણે ઘડિયાળમાં સમય બદલાય છે. તેમાંથી અગિયાર ઠેકાણાં રશિયામાંથી પસાર થાય છે! તેની ઉપરથી તેની લંબાઈનો ખ્યાલ આવશે. નિર્જન દક્ષિણ ધ્રુવને બાદ કરતા દુનિયામાં સૌથી વધુ ઠંડી રશિયામાં પડે છે અને રાજસ્થાનના રણ જેટલી ગરમી પણ રશિયામાં પડે છે!’ આ રીતે આખા પુસ્તકમાં રશિયાનો ૩૬૦ ડિગ્રી પ્રોફાઈલ આપ્યો છે. જિંદગી જિંદગી: એન્ડિઝ પર્વતમાળામાં તૂટી પડેલા એક હવાઈજહાજમાંથી મુસાફરો કઈ રીતે મોત સામે માથું ભરાવીને નીકળે છે, તેની વાત છે. રોમાંચ, સાહસ, શૌર્ય, જિજીવિષા બધું એકસાથે અહીં એકઠું થયું છે. આ પુસ્તક લખવાનું સૂચન તેમને નગેન્દ્ર વિજયે કર્યું હતું. ‘જિંદગી જિંદગી’ જ્યારે નગેન્દ્ર વિજયના ‘ફ્લેશ’ સાપ્તાહિકમાં ક્રમશ: આવતી તે વખતે વાચકો હવે શું થશે તે જાણવા ફ્લેશની ઓફિસે આવી જતા હતા. ત્યાં ગેલી પ્રૂફ છપાતા હોય તેની ચાર-પાંચ નકલો રાખવી પડતી અને ‘અહીં જ વાંચી લેજો’ એવી સૂચના સાથે વાચકોને વાંચવા આપવી પડતી! vijaygupt maurya

X
Vijaygupt Maurya
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App