નવસારી જિલ્લામાં 90 ઈંચ વરસાદ છતાં પાણીની તંગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વ જળ દિવસ

ભદ્રેશ નાયક | નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે સરેરાશ 80 થી 90 ઈંચ સરેરાશ વરસાદ પડે છે છતાં અનેક વિસ્તારોમાં પીવાના પાણી તથા સિંચાઈના પાણીની બૂમરાણ પડે છે તેનું મુખ્ય કારણ ‘વરસાદી પાણી મેનેજમેન્ટ’ નથી. દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લો વરસાદની દૃષ્ટિએ નસીબદાર છે. અહીં ચોમાસામાં સરેરાશ 80 થી 90 ઈંચ વરસાદ પડે છે. ખેરગામ, વાંસદામાં તો 80 થી 100 ઈંચ પાણી પડે છે. આટલો સારો વરસાદ પડવા છતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની બૂમ પડે છે. અંતરિયાળ અને કાંઠા વિસ્તારના ગામડા તો ઠીક શહેરોમાં પણ પાણીની બૂમ પડે છે અને ‘પાણીકાપ’ મુકવો પડે છે. પીવાના પાણી સાથે સારો વરસાદ છતાં ખેતી માટે સિંચાઈના પાણીની પણ બૂમ પડે છે. ખાસ કરીને ઉનાળુ પાક લેવામાં ખેડૂતોને પાણી વિના ખુબ મુશ્કેલી પડે છે. ખુબ સારો વરસાદ છતાં ‘પાણીની મોકાણ’ માટે મુખ્ય કારણ ‘વરસાદી પાણીના મેનેજમેન્ટ’નો અભાવ છે. વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી અને નદી વાટે મહત્તમ પાણી દરિયામાં વહી જાય છે. જો વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તો ‘જળની મુશ્કેલી’ ઘણી અંશે રોકી શકાય એમ છે.

નવસારી જિલ્લાના જળસ્ત્રોતો : નદી, કેનાલ, ચેકડેમ અને કુવા

{ ઉકાઈ કાકરાપાર કેનાલ : 1971માં કાર્યરત થયેલી તાપી નદી પરની ઉકાઈ ડેમ કેનાલ યોજના નવસારી પંથક માટે આશીર્વાદરૂપ છે. સિંચાઈ ઉપરાંત હવે તો પીવાના પાણી માટે પણ આ ડેમનું પાણી જ ઘણાં વિસ્તારમાં તરસ છીપાવે છે.

{ જૂજ-કેલીયા : વાંસદા તાલુકાના જૂજ ગામે કાવેરી નદી ઉપર અને કેલીયા ગામે ખરેરા નદી ઉપર ડેમ બનેલો છે જે વાંસદા તાલુકા અને ચીખલી તાલુકાના અનેક ગામો માટે મદદરૂપ છે.

{ દેવધા ડેમ : 2007ના અરસામાં દેવધા ગામે અંબિકા નદી ઉપર બનેલા ડેમ ગણદેવી તાલુકાના અનેક ગામોની ખારા પાણીની સમસ્યા દૂર કરી છે, જળસ્તર ઉચું પણ આવ્યું છે.

{ ચેકડેમો : જિલ્લામાં ખાસ કરીને વાંસદા, ચીખલી તાલુકામાં મોટી સંખ્યામાં ચેકડેમો બનાવાયા છે. આ ડેમો પણ કંઈક અંશે પાણી સંગ્રહમાં મદદરૂપ થાય છે.

{ હેન્ડપંપ-કૂવા : આમ તો જિલ્લામાં અનેક જૂથ પાણી યોજનાઓ પણ છે પરંતુ હજુ ય ગામડાઓમાં હેન્ડપંપ, કૂવા ઉપયોગી છે. અંદાજે 18 હજાર હેન્ડપંપ છે, કૂવાઓ પણ મોટી સંખ્યામાં છે, જે લોકો માટે
ઉપયોગી છે.

{ જિલ્લામાંથી પસાર થતી નદીઓ : પૂર્ણા, અંબિકા, વેંગણીયા, કાવેરી અને ખરેરા નદી જિલ્લામાંથી પસાર થાય છે, જે પાણીનો મોટો સ્ત્રોત છે.

ડાંગના 311 ગામમાં 12614 ઘરે નળ જોડાણ નથી

આહવા | ગુજરાત રાજયનાં છેવાડે આવેલ ડુગરાળ વિસ્તારમાં રહેતા ડાંગનાં જિલ્લાનાં કુલ-311 ગામોમાં કુલ 52085 પરિવારો રહે છે, જે પરિવારોને ચોખ્ખું પાણી ગામમાં જ મળી રહે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અબજોના ખર્ચે જુથ પાણી પુરવઠા યોજના હેઠળ કોટબા, ગલકુંડ, જામનિયામાળ,પોળસમાળ, સુબીર, ભીસ્યા, સાદડવિહિર જેવા કુલ 7 ચેકડેમો બનાવવામાં આવ્યાં છે. પાણી પુરવઠા યોજના હેઠળ ડાંગ જિલ્લામાં કુલ કુવા-724, હેન્ડપંપ-7363, મિનિપાઈપ લાઈન યોજના કુલ-482 વિવિધ સ્ત્રોતો કાર્યરત છે. વાસ્મો યોજના હેઠળ ડાંગ જિલ્લાનાં 311 ગામો માં પાણી સમિતિ બનાવવામાં આવેલ છે જે પાણી સમિતિ હેઠળ જિલ્લાનાં કુલ-52085 ઘરો છે, જેમાં કુલ -39471 ઘરે નળ કનેકશન સાથે જોડાયેલ હોવાનું વાસ્મો ઈજનેરે માહિતી આપી હતી. સરકાર ડાંગ જિલ્લાનાં લોકોને ઘર આંગણે પાણી મળી રહે તે માટે અંદાજીત અબજો રૂપિયાનું આંધણ કયું છે છતાં આજે ડાંગ જિલ્લાનાં ગરીબ મોટાભાગનાં પરિવારો ઊનાળા દરમિયાન પાણી માટે વલખા મારે છે.

પીવાના પાણી અને ખેતી માટે સિંચાઇના પાણીની મુશ્કેલી પાછળ અત્યાર સુધી વોટર હાર્વેસ્ટિંગમાં જાગૃતિનો અભાવ જવાબદાર

અવારનવાર પાણીની ખેંચ પડતા હવે અહીંના નવસારી-વિજલપોર શહેરમાં પણ મોડે મોડે ‘વોટર હાર્વેસ્ટીંગ’ સ્વીકરાયો છે. ખાસ કરીને ગત વરસે પાણીની ભારે ખેંચ પડતા નવસારી પાલિકા અને વિજલપોર પાલિકાએ રહેણાંક વિસ્તારોમાં ‘વોટર હાર્વેસ્ટીંગ’ કરાવવા આયોજન કર્યું હતું. નવસારી પાલિકાએ લોકભાગીદારીથી (લોકો અને પાલિકા) વોટર હાર્વેસ્ટીંગ કરાવ્યું હતું. જેમાં અંદાજે 50 રહેણાંક સોસાયટી, એપાર્ટમેન્ટોમાં કામ કરવામાં આવ્યું હતું. જોકે શહેરમાં આવેલી સોસાયટીની સંખ્યામાં આ સંખ્યા ખુબ નાની છે, હજુ ઘણું કરવાનું બાકી છે. કેટલીક સોસાયટીઓએ પોતાની મેળે જ વરસાદી પાણી બોરમાં ઉતારી હાર્વેસ્ટીંગ જરૂર કરાવ્યું છે. બીજી તરફ નવસારી નજીકની વિજલપોર પાલિકાએ પણ આ કામ હાથ ઉપર લીધુ હતું. પ્રથમ લોકભાગીદારીથી કરાવવાની જાહેરાત કરી હતી, જેમાં સફળતા મળી ન હતી ત્યારબાદ પાલિકાના જે બોર છે ત્યાં 20 જગ્યાએ આ કામ પાલિકાએ પોતે જ ખર્ચ કરી કરવાનું પણ આયોજન કર્યું હતું, કામ કરાવવા ટેન્ડરીંગ કર્યું હતું પણ સફળતા મળી નથી, હવે આ ઉનાળામાં કરાશે કે
નહીં તે જોવું રહ્યું !

નવસારી પાલિકાની વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત
અન્ય સમાચારો પણ છે...