હાફૂસ કેરીનું વૃક્ષ 200 વર્ષ સુધી ફળ આપી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની ફેમસ કેરી હાફુસનું નામ કેવી રીતે પડ્યું? ગુજરાતમાં કેસર કેરીએ ભલે લોકપ્રિયતાના તમામ માપદંડો સર કરી લીધા હોય પણ હાફુસની પ્રસિદ્ધિમાં આજે પણ ઓટ નથી આવી. હાફુસ કેરીમાં જેટલી મીઠાશ છે, એનો ઇતિહાસ પણ એટલો જ રસાળ છે.

હાફુસ કેરીનો ઇતિહાસ પોર્ટુગલના લોકો સાથે જોડાયેલો છે. હાફુસને આલ્ફાન્સો તરીકે પણ ઓળખવામાં આવે છે. આફાન્સો ડી આલ્બીક્યુક્યુ નામના પોર્ટુગીઝ ઑફિસર પરથી તેનું નામ પડ્યું છે. આફાન્સો મિલિટરી સ્ટ્રેટેજીસ્ટ હતા અને ભારતમાં પોર્ટુગલનું શાસન સ્થાપવામાં તેમનો ફાળો રહેલો છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જર્નલમાં આપવામાં આવેલા માહિતી પ્રમાણે તેમણે ગોવાના અનેક પ્રવાસ ખેડ્યા હતા. આ દરમિયાન આફાન્સોએ કેરીની સ્થાનિક જાતો સાથે કલમ કરી, જેમાંથી બનેલી નવી જાતને આફાન્સોના સન્માનમાં આલ્ફાન્સો નામ આપવામાં આવ્યું. આ કેરીને સ્થાનિક લોકો ‘આફુસ’ તરીકે ઓળખતા હતા. મહારાષ્ટ્રમાં આ જ્યારે આ કેરીની જાત પહોંચી, ત્યારે સ્થાનિકોએ તેને ‘હાપુસ’ તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ‘હાપુસ’ અને હાલની આપણી ‘હાફુસ’ કેરી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાત જેવા ભારતના વિવિધ ભાગોમાં પહોંચી હતી. ગુજરાતમાં આવતા આવતા ‘હાપુસ’ ધીમેધીમે ‘હાફુસ’નાં નામે ઓળખાવા લાગી. આંબામાં સામાન્ય રીતે 4 થી 5 વર્ષે કેરી આવવાની શરૂઆત થાય છે અને તે 50 વર્ષ સુધી ફળ આપે છે. આ મામલે નવસારી ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સતિષ સિંહા કહે છે જો આંબાના વૃક્ષને યોગ્ય પ્રમાણમાં પોષક તત્ત્વો આપવામાં આવે તો 100 વર્ષથી વધુ સમય સુધી પણ ફળ આપી શકે છે. આંબાના વૃક્ષનું સરેરાશ આયુષ્ય 100 થી 200 વર્ષનું હોય શકે છે. જોકે, કેટલાક એવા પણ કિસ્સા નોંધાયા છે જેમાં આંબાએ 300 વર્ષ સુધી ફળ આપ્યાં હોય.

કૃષિમાં અવનવું
અન્ય સમાચારો પણ છે...