મુંબઈમાં કાળાંબજારમાં સેનિટાઈઝર વેચવા આવેલા સુરતના વેપારીની ધરપકડ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસને લીધે અચાનક માસ્ક અને સેનિટાઈઝરની માગણીમાં ભારે ઉછાળો આવ્યો છે. આનો લાભ લઈને કાળાંબજારિયાઓ બજારમાં ફરતા થયા છે. આવા અનેક કેસ પોલીસે પકડીને કરોડો રૂપિયાનો માલ હસ્તગત કર્યો છે. આવા જ એક કેસમાં શનિવારે પોલીસે નાકાબંધી દરમિયાન સુરતથી મુંબઈમાં કાળાંબજારમાં સેનિટાઈઝર વેચવા આવેલા વેપારીની ધરપકડ કરી હતી. દરમિયાન ગોરેગાવ, ગોવંડી અને ધારાવીમાં પણ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને લાખ્ખોના માલ સાથે કાળાંબજારિયાઓની ધરપકડ કરી હતી.

શનિવારે સવારે મલાડ કુરાર વિલેજની હદમાંથી નીલકુમાર રાજેશભાઈ શાહની અટક કરાઈ હતી. તે 18, જય વીર ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી, દક્ષેશ્વર મંદિર નજીક, તેજસ પેટ્રોલપંપ નજીક, પાંડેસરા રોડ ખાતે વૃક્ષમ કોસ્મેટિકનો માલિક છે. તે મારુતિ સુઝુકી ઈકો એસ્ટર કારમાં સુરતથી મુંબઈ આવ્યો હતો. તેની કારમાં સેનિટાઈઝરનાં કેન મળી આવ્યા હતા, જેની પર કોઈ પણ અધિકૃત કંપનીનું લેબલ નહોતું, ઉત્પાદનની તારીખ, ગ્રુપ નંબર, એક્સપાયરી ડેટ નહોતી. ઉત્પાદન કરતી સંસ્થાનો લાઈસન્સ નંબર વગેરે વિગતો પણ નહોતી. પોલીસે પૂછપરછ કરતાં નીલે બરોબર જવાબ આપ્યા નહોતા. આથી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ખિવસરાએ પૂછપરછ કરતાં નીલે કેનમાં સેનિટાઈઝર છે, જે સુરતમાં પોતાની કંપનીમાં ઉત્પાદન કરીને મુંબઈમાં લોઅર પરેલમાં વેચવા માટે આવ્યો હતો એવું જણાવ્યું હતું. જોકે તે સેનિટાઈઝર ઉત્પાદનની પરવાનગી આપતું લાઈસન્સ રજૂ કરી શક્યો નહોતો. કારમાંથી ખાખી રંગનાં 40 બોક્સ મળી આવ્યાં હતાં. એક બોક્સમાં અંદાજે 5 લિટર સેનિટાઈઝરના 160 કેન હતા. એક કેનની કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 80,000નો માલ હતો.

ગોરેગાવ, ગોવંડી, ધારાવીમાં પણ દરોડા પાડીને કાળાંબજારિયાઓની ધરપકડ

ધારાવીમાં પણ પાંચની ધરપકડ કરાઈ

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ધારાવીમાં દરોડા પાડીને કાળાંબજારમાં વેચાતી સેનિટાઈઝરની 100 મિલિની 2800 બોટલો, 50 મિલિની 420 બોટલો અને રૂ. 10ને બદલે રૂ. 15મા વેચાતા થ્રી પ્લાય માસ્કના 1,51,600 નંગ મળી રૂ. 27,25,50નો માલ જપ્ત કરાયો હતો. આ સંબંધે આદર્શ હરિશ્ચંદ્ર મિશ્રા (21), શુભમ કિશોર તિવારી (23), અશરફ જમાલ શેખ (50), અખ્તર હુસૈન મહોર્રમ હુસૈન ફારુકી (48), યુસુફ જૈનુલ આબિદિન અન્સારી (31)ની ધરપકડ કરાઈ. આ કામગીરી ક્રાઈમ બ્રાન્ચના પ્રમુખ સંતોષ રસ્તોગી, DCP અકબર પઠાણ, ACP સંગીતા પાટીલ, પ્રભારી PI ચિમાજી આઢાવ, સુનિલ માને, PI રઈસ શેખ, સલિલ ભોસલે અને ટીમના શરદ ઝિને, નીતિન ઉતેકર, વિશાલ પાટીલ, નરેન્દ્ર મયેકર, અવિનાશ શિંદે, રવીંદ્ર ભાંબિડ, દીપક કાંબળે, સત્યનારાયણ નાઈક, નીતિન શિંદે, રાજુ ગારે, રાજેશ ચવ્હાણ, સંતોષ માને, મહાદેવ નાવગે, સુબોધ સાવંત, રાકેશ લોટણકર, જયેશ કેણી, સચિન કદમ, અજય કદમ, અજિત ચવ્હાણ, સચિન આવળે, મહેશ રાવરાણે, સારિકા કદમે પાર પાડી હતી.
અન્ય સમાચારો પણ છે...