અનાજની માંગ સામે પુરવઠો ઘટ્યો, રાજ્ય બહારથી આવતો જથ્થો અટક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉન બાદ શહેરમાં લોકોને અનાજ-કઠોળ અને ખાધતેલની અછત વર્તાઇ રહી છે. પુરવઠા કરતાં માંગ વધતાં તેમજ સુરત અને રાજ્ય બહારથી આવતી ગાડીઓ અટકી પડતાં પુરવઠો ખોરવાયો છે. જેના પગલે હાલના દિવસોમાં શહેરમાં કોઇક કોઇક જગ્યાએ અનાજ અને ખાધતેલની સમસ્યા ઉભી થઇ છે.

સુરત અનાજ-કઠોળ એસોસિએશનના પ્રમુખ ઝવેરીલાલ જૈન જણાવે છે કે, મહારાષ્ટ્ર, યુપી અને કર્ણાટકથી જે અનાજની ગાડીઓ આવવી જોઈએ તે બંધના કારણે આવી શકતી નથી. ગુજરાતમાં જે અનાજની મિલો છે, તેમનો સ્ટોક મળી જાય છે પરંતુ તેમાં પણ કારીગરો હાલ બંધના કારણે નહીં હોવાથી નવું ઉત્પાદન સદ્દંતર અટકી પડ્યું છે. આ સમયે જે સુરતમાં અનાજ માટે એપીએમસી યાર્ડ બનાવવાની માંગ હતી, તેની ખોટ પડી રહી છે. સુરતના વેપારીઓ પાસે મોટા ગોડાઉન છે નહીં પરંતુ જેની પાસે જે નાના ગોડાઉન છે, તેમાં માલ સંગ્રહ રાખવામાં આવ્યો છે. પરંતુ તે માલ પણ ડિમાન્ડના કારણે ઝડપથી પૂર્ણ થઈ જઈ રહ્યો છે. અમે ડીએસઓને રેગ્યુલર અનાજની સ્થિતિની અપડેટ આપતાં રહીયે છે. તંત્ર તરફથી પણ અનાજની સપ્લાય માટે પૂરતુ સમર્થન આપવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશથી જે વિવિધ દાળ છે જેવી કે મગની અને તુવેરની તેનો જથ્થો આવી રહ્યો નથી. સુરતમાં સાવ માલની અછત નથી પરંતુ ડિમાન્ડ સામે સપ્લાય ધીમી પડી છે.

ભારણ વધતાં બે દિવસ સુધી APMCની વેબસાઇટ બંધ રહી

લોકોને ઘરઆંગણે શાકભાજી, ફળ અને અનાજ મળે માટે પાલિકાએ એપીએમસી સાથે મળીને ફ્રી હોમ ડિલીવરી શરૂ કરી હતી. ઘણાં લોકો તેની વેબસાઈટ થકી ઓર્ડર આપવા તરફ વધ્યા હતા. એપીએમસીની વેબસાઇટ www.surat.apmc.org.in પર શનિ-રવિવાર દરમિયાન શાકભાજી સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું ભારણ વધતાં વેબસાઈટ રવિવાર બપોરથી અંડર મેઈન્ટેનેન્સ હેઠળ આવી હતી. જેની અસર સોમવાર બપોર સુધી જોવા મળી છે. બે દિવસ વેબસાઈટ બંધ રહેતાં લોકો દ્વારા ફરિયાદો ઉઠી હતી. જેમાં રૂ.500થી ઓછુ હોમ ડિલીવરી ન થવાની પણ ફરિયાદ ઉઠી હતી.

રોજ કડીથી 20 ટ્રક આવતું 200 ટન તેલનું એક દિવસમાં જ વેચાણ

લૉકડાઉનથી ગરીબોને જમવાની સમસ્યા ઉદ્દભવી છે. જેના માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટ સામે આવ્યા છે. જેના લીધે શાકભાજી, અનાજની સાથે તેલની માંગ પણ વધી છે. કડીથી 20 ટ્રક 200 ટન તેલ શહેરમાં આવી રહ્યું છે, જે એક જ દિવસમાં વેચાણ થઇ રહ્યું છે. તેલના વિક્રેતા રૂપેશ વોરા જણાવે છે કે, સામાન્ય દિવસોની સરખામણીએ અત્યારે તેલની માંગમાં બમણો ઉછાળો છે. હાલ ગરીબો માટે સંસ્થાઓ દ્વારા રસોડા ચલાવાઇ રહ્યાં છે. સંસ્થાઓ રોજના 1 લિટર તેલના પાઉચ જેની કિંમત 100 રૂપિયા છે, એવા 100-200 પાઉચ સંસ્થાઓ ઉપાડી રહી છે.

મહારાષ્ટ્ર-કર્ણાટકથી આવતી અનાજની ગાડીઓ અટકી


અન્ય સમાચારો પણ છે...