નવસારીના 600થી વધુ માછીમારોની ઘર વાપસી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસા બાદ ઉઘડતી માછીમારી સિઝનમાં રોજીરોટી કમાવા દક્ષિણ ગુજરાતના માછીમારો દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર અને વેરાવળ બંદરે ગયા હતા. દરમિયાન કોરાનાની આફતમાં લોકડાઉન થતા અટવાયા હતા. રાજ્ય સરકારે 8 એસટી બસો ફાળવતા 600થી વધુ માછીમારો શુક્રવારે ઢળતી સાંજે ગણદેવી આવી પહોંચ્યા હતા. તબીબી પરિક્ષણ બાદ હોમ કોરન્ટાઇનની તજવીજ હાથ
ધરાઇ છે.

ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેના કારણે વર્ષોવર્ષથી મત્સ્યોદ્યોગ વિકસ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને વેરાવળ મત્સ્ય ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં માછીમારો બોટ ઉપર કામ કરી રોજીરોટી મેળવે છે. જેમાં ગણદેવી, બીલીમોરા, મેંધર ભાટ, ધોલાઈ, ચીખલી, વઘઇ, અમલસાડ સહિત અનેક ગામોના યુવાનો સાગરખેડૂ તરીકે જાણીતા છે. તેઓ દરિયો ખેડવા ગયા હતા. દરમિયાન કોરોના વાઈરસને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે મત્સ્યોદ્યોગ પણ થંભી ગયો હતો, જેના કારણે દરિયો ખેડી સેંકડો બોટ પરત ફરી હતી. જેમાં કામ કરતા ખલાસી બંદરો ઉપર અટવાયા હતા. જે અંગે માછીમાર અગ્રણીઓએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એસ.ટી.બસોની ફાળવણી કરી હતી. જેમાં શુક્રવારે ગણદેવી આવી પહોંચેલી 4 એસટી બસોમાં 210 અને મેંધર ભાટ ગામે ચાર એસટી બસોમાં 205 માછીમારો આવી પહોંચ્યા હતા. જ્યારે એક બસ વલસાડ જિલ્લાના ઉમરગામ તરફ રવાના થઈ હતી. ગણદેવી આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે સર્કિટ હાઉસ અને નવા પોલીસ મથક મેદાન અને ભાટ ગામે તેમના આરોગ્યની ચકાસણી હાથ ધરી હતી. તમામ ખલાસીઓને તપાસ્યા બાદ હોમ કોરન્ટાઇન કરવા જે તે તાલુકા આરોગ્ય કેન્દ્રને જાણ કરવામાં આવી હતી. આમ સરકારની દરમિયાનગીરીને પગલે વતનથી દૂર ફસાયેલા માછીમારો માદરે વતન આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...