• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Randar Islam Gymkhana Is The First Cricket Gymnasium In Gujarat Where The Karachi Team Has Also Played 070040

રાંદેર ઈસ્લામ જિમખાના ગુજરાતનું પ્રથમ ક્રિકેટ જિમખાના છે જ્યાં કરાચીની ટીમ પણ રમી ચુકી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : હાલ ભારતમાં કોઇ રમતને સૌથી વધારે સિદ્ધિ મળી છે તો એ છે ક્રિકેટ. આ રમત દેશના ખૂણે-ખૂણે પહોંચી છે. આ રમત વચ્ચે સિટી ભાસ્કર વાત કરી રહ્યું છે સુરતના સૌથી જૂના સ્પોર્ટ્સ ક્લબ રાંદેર ઈસ્લામ જિમખાનાની. રાંદેરમાં ક્રિકેટની રમત સૌ પ્રથમ 1880માં રમાઈ હતી. રાંદેરમાં આ રમત લાવનાર બેંગકોંકમાં સ્થાયી થયેલા શાહ સોદાગર મહુર્મ ઈબ્રાહીમ અલી નાના હતા. ત્યારબાદ રાંદેરમાં 1905માં ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ હતી. આ રમતને વધુ લોકો સુધી પહોંચાડવાનાં આશયથી 1906માં 26 હજાર રૂપિયામાં જમીન ખરીદીને 18 હજારના ખર્ચે પેવેલિયન બાંધવામાં આવ્યું હતું. જે રાંદેર ઈસ્લામ જિમખાના તરીકે ઓળખાયું અને ગુજરાતમાં પ્રથમ જિમખાના હોવાનું માન ધરાવે છે. જિમખાનાનાં સુંદર અને વિશાળ મેદાન માટે મુખ્યત્વે ગુલામ મોહમ્મદ આઝમ અલ્લુ તેમજ અહેમદ યુસુફ બોટાવાલા, અહેમદ ઇબ્રાહિમ, ઈબ્રાહિમ યુસુફ બોટાવાલા, આઝમ આરિફ ભામેએ દાન આપી રાંદેર સહિત સુરતને જિમખાનાની ભેટ આપી હતી. રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા જિમખાનાના સંચાલકો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ જેવી ઘણીબધી સ્પર્ધાઓનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત છેલ્લા 80 વર્ષથી ઇબ્રાહિમ શિલ્ડ ક્રિકેટ અને હાંસિયા ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તેમજ સતત 65 વર્ષથી એમ.એ. નાના ટેબલ ટેનિસ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જિમખાનામાં આજ સુધીમાં ઈન્દોર, અલીગઢ, કોલકાતા, કરાચી, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વડોદરાની ક્રિક્રેટ ટીમ અવારનવાર રમવા આવી ચૂકી છે. જ્યારે કેન્યા, નૈરોબી અને પાકિસ્તાનની ટીમ પણ રાંદેરના જિમખાનામાં મેચ રમવા આવી હતી.
અન્ય સમાચારો પણ છે...