તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેડિલાના મેનેજરે નફો રળવા ઓન લાઈન 19.84 લાખમાં 1.35 લાખ માસ્ક મંગાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાયડસ કેડિલાના ડેપ્યુટી મેનેજરે કોરોના વાયરસની બીમારીનો લાભ લઇને વિદેશમાં માસ્ક સપ્લાય કરીને નફો રળવા માટે 19.84 લાખમાં 1.35 લાખ માસ્કનો જથ્થો મંગાવ્યો હતો. જે માટે તેમણે ઓન લાઈન એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવી દીધુ હતુ. જો કે પૈસા આવી ગયા બાદ ગઠીયાએ માસ્ક નહીં મોકલીને છેતરપીંડી કરી હતી.

ચાંદલોડિયા આધ્યશકિત સોસાયટીમાં રહેતા અભિષેક જીતેન્દ્રકુમાર જૈન(31) ઝાયડસ કેડિલામાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત અભિષેક સાઈડમાં પ્રીશા ટ્રેડીંગ નામથી સર્જીકલ આઈટમોનો વેપાર કરે છે. તેમની ઓફિસ મેઘાણીનગરમાં આવેલી છે.

તા.23 ફેબ્રુઆરીએ અભિષેક ઘરે હાજર હતા અને ફેસબુક જોતા હતા. ત્યારે માર્કેટ પ્લસમાં ગૌતમ પટેલના નામથી એક જાહેરાત જોઇ હતી. જેથી ફેસબુક મેસેન્જરથી અભિષેકે ગૌતમ પટેલનો સંપર્ક કરીને માસ્ક માટે ઈન્કવાયરી કરી હતી. ગૌતમે હા પાડતા અભિષેકે તેમનો વોટસએપ નંબર આપ્યો હતો. જેથી ગૌતમે તેમને માસ્કનો ફોટો પાડીને મોકલ્યો હતો. માસ્ક પસંદ આવતા અભિષેકે ભાવ પૂછતા એક માસ્કના રૂ.14 તેમજ 5 ટકા જીએસટી કહ્યા હતા. જેથી અભિષેકે 1.35 લાખ માસ્કનો ઓર્ડર આપ્યો હતો.

ગૌતમે એડવાન્સ પૈસા માંગતા અભિષેકે તેમની પાસે બેંકની ડિટેઈલ માંગતા તેમણે પોતાનું નામ ગૌતમ દલસુખભાઇ પટેલ(મકરુબીયા) જ્યારે તેમની કંપનીનું નામ ન્યાલ્કરણ હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ(સૂરત, પાંડેસરા) જણાવ્યું હતુ.

એડવાન્સ પેટે અભિષેકે તેમના ખાતામાં રૂ.1.56 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ માસ્ક મોકલનું કહીને ટુકડે ટુકડે અભિષેક પાસેથી રૂ.19.84 લાખ પડાવી લીધા હતા. પરંતુ આજ દિન સુધી માસ્ક મોકલ્યા ન હતા. આ અંગે અભિષેક જૈને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગૌતમ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં 14 રૂપિયાનું માસ્ક અને 5 ટકા જીએસટી સાથે પૈસા પડાવી અનોખી ઠગાઈ

ગઠિયાએ પૈસા પડાવી લઇ માસ્ક મોકલી રહ્યો હોવાનું કહીને મોકલ્યા જ નહીં

અભિષેકે ગૌતમ માકરુબીયાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધા હોવા છતાં ગૌતમે માસ્કનો જથ્થો મોકલ્યો ન હતો. ગૌતમ જ્યારે ફોન કરતો ત્યારે એવું કહેતો કે આજે માલ મોકલુ છુ, માલ નીકળી ગયો છે, તેમ કહીને ગલ્લા તલ્લા કરતો હતો. જ્યારે થોડા દિવસ પછી ગૌતમે અભિષેકનો ફોન ઉપાડવાનું બંધ કરી દઇ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.

તેને પકડવા ટીમ મોકલી

અભિષેક સાથે છેતરપીંડી કરનાર ગૌતમ માકરુબીયાની કંપની ન્યાલ્કરણ હેલ્થકેર પ્રા.લી.ની રજીસ્ટર્ડ ઓફિસ રાજકોટ, હરિહર ચોક, સ્ટાર ચેમ્બરમાં માં આવેલી છે. તેમજ આરોપી ગૌતમ માકરુબીયા પણ રાજકોટમાં જ હોવાની માહિતી મળી છે. જેથી તેને પકડવા માટે પોલીસની એક ટીમ રાજકોટ રવાના કરવામાં આવી છે. > જે.પી.જાડેજા, પીઆઈ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન
અન્ય સમાચારો પણ છે...