પરદેશમાં નવસારી : કોરોનાની સ્થિતિ વર્ણવે છે NRI

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં લોકડાઉનને મળી રહ્યું છે શિસ્તબદ્ધ સમર્થન, જન અારોગ્ય, શિક્ષણ અને લોકોના જીવન નિર્વાહ માટે સરકારના પગલાં

લંડનમાં કર્મચારીઓને ઘર બેઠા 80% પગાર

અહીં ખાવાપીવાની દુકાનો ચાલુ છે. જ્યારે ગત 24મી માર્ચથી લોકડાઉન કરાતા મોલ સહિત અન્ય મોટી દુકાનો બંધ છે. લ્યુટેનમાં કુલ 30 કેસો બહાર આવતા સરકાર તરફથી કડક આદેશ આપવામાં આવ્યા છે. ઈમરજન્સી સંજોગોમાં જ બહાર નીકળવું કારણ વગર બહાર નિકળવા પર દંડ ફટકારાય છે. તો કંપનીમાં નોકરી કરતા લોકોને 80% પગાર મળવાની જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર મહામારી સામે લડવા દિવસ રાત ફરજ બજાવી રહ્યું છે. સરકાર પણ જન આરોગ્ય અને લોકોની જરૂરિયાતની સતત ચિંતા કરી રહી છે. > મોઇન શેખ, લંડન, મૂળ ચીખલી.

ઇંગ્લેન્ડના પ્રેસ્ટોનમાં લોકડાઉનને સમર્થન

અહીં લોકડાઉનના પગલે રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજ,મોલ સહિત લોકોની અવરજવરવાળી તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં ચુસ્તપણે લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. લોકો કોરોના વાયરસ નહીં ફેલાય તે માટે લોકડાઉનનું સમર્થન કરી ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આરોગ્ય વિભાગ સહિતનું સરકારી તંત્ર કોરોના સામે લડવા સતત મથી રહ્યું છે. જેમાં લોકોનું પણ ઘરમાં રહી શિસ્તબદ્ધ રીતે સમર્થન મળી રહ્યું છે. લોકો ઇમરજન્સી વગર ઘરમાંથી બહાર નીકળવાનું વિચારતા પણ નથી અને સંક્રમણ અટકાવી રહ્યા છે. > વિપુલ પટેલ, હાલ ઇંગ્લેડ,મૂળ નવસારી

જોહાનિસબર્ગમાં ઇમરજન્સી કામ અટકતું નથી

આફ્રિકાના જ્હોનિસબર્ગમાં કોરોના વાઈરસને કાબુમાં લેવા કરાયેલા લોકડાઉનના ચાર દિવસ પહેલા જનતાને ગવર્મેન્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરી લેવી.જરૂરિયાત વગર ઘરોની બહાર નીકળવાનું ટાળો, પોતાના ઘરોમાં રહેવા કડક આદેશ કરાયાં છે.ઘણી ઈમરજન્સી હોય તો ફકત એક વ્યક્તિ ઘરની બહાર જઇ શકે છે.કારણ બતાવીને પ્રવેશ આપવામાં આવે છે. પ્રજા હિત માટે સરકારી તંત્ર સહિત આરોગ્ય વિભાગ ખડેપગે છે. મેડીકલ સ્ટોર સહિત તમામ હોસ્પિટલ ચાલુ છે. > સાજીદભાઈ તાઈ, હાલ.આફ્રિકા,મૂળ ઉનાઈ, માછીવાડ

સાઉદીમાં ચાર ટાઇમ નાહવાની સલાહ

સાઉદીનાં અલ્હરદ રણ વિસ્તારમાં શહેરી વિસ્તારથી 160 કિમી દૂર રહીએ છીએ. અહીં લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો છે.બપોરે 3 થી 6 વાગ્યા સુધી તો સદંતર અવરજવર બંધ કરવામાં આવે છે.હાલમાં આ વિસ્તારમાં કોઈ દર્દીઓ નથી, પરંતુ ટેમ્પરેચર માપીને કંપનીમાં પ્રવેશ આપવમાં આવે છે. રોજ ચાર ટાઈમ નહાવાનું ફરજિયાત કહેવામાં આવ્યું છે, તો ઘર અને શહેરમાં સાફ સફાઈનો ખાસ અમલ કરવામાં આવે છે. આરોગ્ય તંત્ર સજાગ છે. અહીં લોકડાઉન ટાઈમે બહાર ફરતા ઝડપાઇ જાવ તો પાંચથી દસ હજાર રિયાલ જેટલો આકરો દંડ ફટકારવામાં આવે છે.> જુનેદ શેખ, સાઉદી,મૂળ.ચીખલી


ઇંગ્લેન્ડના લીડ્સમાં ઓનલાઇન સ્ટડી

ઇંગ્લેન્ડના લીડ્સ શહેરમાં કોરોના કારણે સોમવારથી લોકડાઉનની સ્થિતિ છે. ફૂડ પાર્લર સહિતના સ્ટોર ચાલુ રાખવાનો ઓર્ડર કરતા ઘરે બેઠા જીવન જરૂરી વસ્તુ મળી જાય છે. હેલ્થ સ્ટાફ 24 કલાક ખડે પગે છે. ત્યાંની સરકાર દ્વારા ટેક્સમાં આર્થિક રાહત અપાઇ છે.એજ્યુકેશન સિસ્ટમમાં સ્ટડી ઓનલાઈન કરી દેવાઇ છે. તો લોકડાઉનના અમલ માટે બહાર ફરતા લોકોને જીપીએસ લોકેશન દ્વારા ટ્રેસ કરી દંડ ફટકારી ધરપકડ કરાય છે.અહીં તો લોકડાઉનનો અમલ કરાઇ રહ્યો છે.આપણા ભારતમાં પણ સાવચેતી રાખી લોકડાઉનનો અમલ કરીએ. > મિતેન પરમાર, હાલ ઇંગ્લેન્ડ, મૂળ.ઉનાઈ.તા.વાંસદા

મેહુલ પટેલ | નવસારી : 199 દેશમાં સંક્રમણ, 5.50 લાખ કેસ, 25 હજારના જીવ લેનાર કોરોના સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે પરદેશમાં વસતા નવસારીના વતનીઓએ ત્યાં કોરોનાના ભય,વહીવટી તંત્રની તૈયારી, આરોગ્ય તંત્રની સજ્જતા,લોકોની જાગૃતિ, લોકડાઉનની સ્થિતિ સહિતની બાબતો અંગે દિવ્ય ભાસ્કરને વિગતો જણાવી હતી. જેમાં ઇંગ્લેન્ડના લીડ્સ, પ્રેસ્ટોન, લંડનના લ્યુટેન, સાઉદી અને આફ્રિકાના જ્હોનિસબર્ગમાં લોકડાઉનના અમલથી શાળા-કોલેજ,વેપાર-ધંધા, સરકારી, ખાનગી ઓફિસોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઘરે બેસીને અભ્યાસ અને ઓફિસના કામો થઇ રહ્યાં છે. લંડનમાં કર્મચારીઓને ઘરે બેઠા 80 ટકા પગાર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. દરેક દેશમાં હાલ અર્થતંત્રની અસરની ચિંતા કર્યા વગર જનઆરોગ્યની ચિંતા કરાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...