તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજી : ચૈત્ર માસમાં જ્યાં રોજ હજારો શ્રદ્ધાળુઓ પહોંચતાં ત્યાં આ વર્ષે સન્નાટો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૈત્ર મહિનો, ચૈત્રી નવરાત્રિ અને રવિવાર.... દર વર્ષે આ દિવસે શક્તિપીઠ બહુચરાજી હજારો શ્રદ્ધાળુઓથી ઉભરાતું, તે આજે કોરોના લોકડાઉનને પગલે સુમસામ છે. મંદિર પરિસરમાં જો કોઈની હાજરી દેખાય છે તો તે સન્નાટો છે. મંદિર 14મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય ટેમ્પલ ટ્રસ્ટે લીધો છે, આ દિવસોમાં માત્ર બે પુજારી અને મશાલચીની હાજરીમાં આરતી થાય છે. બહુચરાજી મંદિરના પૂજારી તેજસ રાવલ કહે છે, બહુચરાજીમાં ચૈત્ર માસનું વિશેષ મહત્વ છે, હિન્દુ સમાજમાં પ્રથમ પુત્રની ચૌલકિયા વિધિ ભારતભરમાં માત્ર બહુચર માતાજીના ચરણે કરાવવાની વર્ષો જૂની પરંપરા છે, ભગવાન શ્રીકૃષ્ણની ચૌલવિધિ પણ અહીં થયાની માન્યતા છે. વળી ચૈત્ર સુદ પૂનમ બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોઈ હજારો ભક્તો ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી ઉમટી પડે છે. એક અંદાજ મુજબ, એકલા ચૈત્ર મહિનામાં જ ચારથી પાંચ હજાર બાળકોની ચૌલવિધિ થાય છે, પરંતુ અત્યારે લોકડાઉનના કારણે ભક્તો વિના મંદિર ખાલી છે. ટેમ્પલ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી સુરેશભાઈ જાની કહે છે, ચૈત્ર મહિનામાં રોજ 50 હજારથી વધુ અને રવિવારે તો એક લાખ ઉપરાંત ભક્તો માના દર્શને આવતા હોય છે, છેલ્લે હોળીની પૂનમે પણ દોઢથી બે લાખ લોકો પહોંચ્યા હતા.

સ્થાનિક પોલીસને હાલ થોડીક રાહત છે. કારણ કે, ચૈત્ર માસ અને એમાંય રવિવારે એક લાખથી વધુ લોકો દર્શને આવતા હોઈ ચાર ચાર કલાક સુધી ટ્રાફિક હળવો કરવામાં થતો, પરંતુ હાલ આ રસ્તા પણ ખુલ્લા પડ્યા છે. હાલમાં બહુચરાજી સુમસામ ભાસી રહ્યું છે. ચૈત્ર માસમાં ભક્તોના કિડીયારાથી ઉભરાતા પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં સન્નાટો છે.

_photocaption_ચૈત્ર માસ દરમિયાન ભક્તોથી ઉભરાતું માં બહુચરનું મંદિર લોકડાઉનના પગલે ખાલી છે.} હર્ષ મહેતા*photocaption*

ધર્મશાળાઓ ખાલી, એડવાન્સ બુકિંગ રદ્દ

આજે બહુચરાજી તીર્થધામમાં આવેલી 20થી વધુ ધર્મશાળાઓ પણ ખાલી પડી છે. ઉમિયા માતાજી પથિકાશ્રમના મેનેજર ભાઈલાલભાઈ પટેલ કહે છે, દર વર્ષે ચૈત્ર મહિનામાં દરેક વાડી અને ધર્મશાળામાં એકમથી પૂનમ સુધી એડવાન્સ બુકિંગ થઇ જાય છે, માતાજીને લાડુ પ્રિય હોઇ લોકો ચૌલવિધિ બાદ ધર્મશાળામાં લાડુંનું ભોજન અચૂક કરતા હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનને કારણે કોઈ બુકિંગ નથી. થયાં હતાં તે પણ સંજોગોવસાત રદ કરી દેવાયાં છે. રસોડા ખાલી પડ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...