પાલનપુરમાં હોલસેલ વેપારીઓ વધુ ભાવ લેતા હોવાની રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગ્રાહકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેમજ દુકાનોમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સલામત અંતર જળવાઇ રહે તે માટેના સલાહ સૂચન કરવા માટે પ્રાંત અધિકારીએ રવિવારે વેપારીઓ સાથે નગરપાલિકાના હોલમાં બેઠક યોજી હતી.જોકે પાલનપુરમાં હોલસેલ વેપારીઓ વધુ ભાવ લેતા હોવાની પણ રજૂઆત થઈ હતી.

બનાસકાંઠા જીલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશ કરાયા છે. જાગૃતિના અભાવે દુકાનોમાં પણ ભીડ જોવા મળતા તંત્ર દ્વારા વેપારીઓ સાથે નગરપાલિકામાં બેઠક યોજાઇ હતી. પ્રાંત અધિકારીએ જીવનજરૂરી ચીજવસ્તુઓના વેપારીઓને પાસ મેળવી લેવાનું જણાવી વેપારીઓને ગ્રાહકો સુધી પહોંચવાનું જણાવી હોમ ડિલિવરીને પ્રાધાન્ય આપવાનું જણાવ્યું હતું. તેમજ ગ્રાહક અને દુકાનદાર વચ્ચે સલામત અંતર જાળવવાની શિખામણ આપી હતી. બેકરી, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરેના દુકાનધારકોને ગભરાયા વગર વેપાર કરવાનું જણાવ્યું હતું. જોકે કેટલાક છૂટક વેપારીઓએ પ્રાંત ઓફિસરને હોલસેલ વેપારીઓ દ્વારા વધુ ભાવ વસૂલાતો હોવાનું જણાવ્યું હતું. જોકે પ્રાંત ઓફિસરે આવા વેપારીઓ ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

પ્રાંત અધિકારીએ વેપારીઓને મળી હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોને હોમ ડિલિવરીને પ્રાધાન્ય આપવા તાકીદ કરી

અન્ય સમાચારો પણ છે...