તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામાનો ભંગ કરનાર 30 લોકોને કાયદાનો કોરડો વિંઝાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ સ્તરે કહેર મચાવનાર કોરોના વાયરસની સાંકળ તોડવા અને લોકો સલામત રહે તેવા ઉદ્દેશથી દેશ વ્યાપી લોકડાઉન જાહેર કરી લોકોને ઘરમાં જ રહેવા સૂચના અપાઇ, ચારથી વધુ લોકો એકઠા ન થવાની પણ સૂચના અપાઇ પરંતુ ગાંધીધામ સંકુલમાં લોકડાઉનના છઠ્ઠા દિવસે પણ અનેક લોકો આ મહામારીની ગંભીરતાને અવગણી બહાર નિકળ્યા હોવાની સાથે ચારથી વધુ એકઠા પણ થયા હતા. આ પ્રકારે જાહેરનામાનો ભંગ કરી એકઠા થયેલા 30 લોકો વિરૂધ્ધ પોલીસે ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરી હતી. તો એક હોટલ ધારક સહિત સાત ધંધાર્થીઓ પણ દુકાન ખોલી પોલીસની ઝપટમાં આવ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, બી-ડિવિઝન પોલીસે ડ્રોનની મદદથી ગણેશનગર શાક માર્કેટ પાસે કોઇપણ વ્યાજબી કારણ વગર એકઠા થયેલા 6 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી, તો એ-ડિવિઝન પોલીસે ડ્રોનની મદદથી નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર પાસે એકઠા થયેલા પાંચ લોકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો, આ સિવાય ગાંધીધામના છત્રીસ ક્વાર્ટરમાં ભીડ કરીને ઉભેલા 5 વિરૂધ્ધ , સેક્ટર-1/એમાં એકઠા થયેલા 5 વિરૂધ્ધ, ભારતનગરના ચામુંડાનગરમાં એકઠા થયેલા ચાર જણા વિરૂધ્ધ, તો કિડાણાની સીમમાં જાહેરનામાનો ભંગ કરનાર 5 અને કિડાણા સોસાયટીના ગ્રાઉન્ડમાં એકઠા થયેલા 5 જણા વિરૂધ્ધ અને ગણેશનગર મચ્છી માર્કેટમાં એકઠા થયેલા 5 વિરૂધ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

તો ગાંધીધામ ભચાઉ હાઇવે પર પોતાની હોટલ એઆરસી ચાલુ રાખનાર કિશનભાઇ અમરનાથ અરોરા, ભારતનગરમાં જ્વેલર્સની દુકાન ખુલ્લી રાખનાર મિતેશ અરવિંદભાઇ સોની, મીઠીરોહર પાસે ચાની હોટલ ખુલ્લી રાખનાર ઇસ્માઇલ ઇશાક સોઢા, અંતરજાળમાં મોબાઇલ અને ઇલેકટ્રોનિક્સની દુકાન અને ઠંડા પીણાની દુકાન ચાલુ રાખનાર બે તેમજ કંડલામાં હેર સલૂન ખુલ્લું રાખનાર બે વાળંદ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.

પ્લીઝ ગંભીરતા સમજી પરિવારને પણ સલામત રાખો - પૂર્વ કચ્છ પોલીસવડા

આ બાબતે પૂર્વ કચ્છ પોલીસવડા પરિક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે , આ મહામારીમાં બહાર નકળતા લોકો પોતાની અને પોતાના પરિવારની સલામતીને સમજે અને આ આદેશ ગંભીરતાથી લે , પોલીસે વ્યાજબી કારણ વગર બહાર નિકળી જાહેરનામાનો ભંગ કરતા લોકો માટે ડ્રોનની મદદથી પણ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને કોઇ પણ વ્યક્તિ ચારથી વધુ એકઠા થયેલા લોકોની બાતમી પણ આપી શકે છે જે ગુપ્ત રાખવામાં આવશે, અને જાહેરનામાનો ભંગ કરનાર તમામ લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગણેશનગર, નવી સુંદરપુરીમાં ડ્રોનથી પેટ્રોલિંગઃ 7 ધંધાર્થી પણ ઝપટમાં
અન્ય સમાચારો પણ છે...