તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોઅે ભય દૂર કરવા મનોચિકિત્સકનો સહારો લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસે જ્યારે વિશ્વભરને ભરડામાં લીધો છે, વાયરસથી ટપોટપ માણસો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના વાયરસની બીજી એક નકારાત્મક અસર ઉભી થઇ છે. દિવસભર મિડીયામાં ચાલતાં અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૂપે આપવામાં આવતી સલાહથી અનેક લોકોને માનસિક ધક્કો પહોંચ્યો છે. આ લોકોના મનમાં કોરોનાના હાઉને લઇને માનસિક સંતુલન બગડવા સુધીની અસર જોવા મળી રહી છે. જેઓને મનોચિકિત્સકો સતત સલાહ આપી - સકારાત્મક વિચારો આપી રહ્યા છે.

વિશ્વ મહામારી સામે લડવા માટે વૈજ્ઞાનિકો અને તબીબો લડત આપી રહ્યા છે. કોરોનાને લઇને ઉભા થયેલા હાઉને કારણે લોકો મનોરોગી બની રહ્યા છે. નડિયાદ શહેરમાં પણ કેટલાક લોકો આ રોગનો હાઉ દૂર કરવા માટે મનોચિકિત્સકની મદદ લઇ રહ્યા છે અને મનોચિકિત્સકો પણ તેમને ભયમુક્ત થવામાં મદદરૂપ થઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કર દ્વારા નડિયાદના જાણીતા મનોચિકિત્સક ડો. વિનોદ ગોયલ સાથે વાતચીત કરીને કોરોનાને લઇને મનોરોગીઓની મનોદશા અને કેવા પ્રકારના ભય લોકો અનુભવી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

કેવી બિમારીથી પિડાય છે

} સતત ઠલવાતી માહિતીથી ગભરામણ થઇ : કોરોનાને લઇને છેલ્લા એક સપ્તાહ દરમિયાન પ્રિન્ટ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયા, સોશિયલ મિડીયા સહિત વિવિધ માધ્યમોથી કોરોના વાયરસની ભયાનકતા દર્શાવવામાં આવી રહી છે. જેને કારણે નબળાં મનના લોકોને ગભરામણ થઇ રહી હોવાના કેસ સામે આવી રહ્યા છે.

} કોરોનાના ડરથી મૃત્યુ સુધીના વિચારો : કોરોનાનો એટલો બધો હાઉ ઉભો થયો છે કે વ્યક્તિને સામાન્ય છીંક કે ઉધરસ આવે તો પોતાને કોરોના થયો હોવાનું માની બેસે છે અને મૃત્યુ સુધીના વિચારો કરવા લાગે છે. આ સ્થિતીમાં તેની દિનચર્યાને પણ અસર થાય છે. આવા જ એક કેસનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું.

} પોતાના અને પરિવારના ભવિષ્યનો ભય : 30 થી વધુ ઉંમરની વ્યક્તિઓ પર પારિવારિક જવાબદારીઓ વધુ હોય છે. કોરોનાને કારણે કેટલાક એવા પણ કેસ જોવા મળ્યા છે કે વ્યક્તિ પોતાને કાંઇ થશે તો પોતાના પરિવારનું શું થશે ? તેવો ભય અનુભવે છે અને માનસિક અસ્વસ્થ થઇ જાય છે.

} સતત નકારાત્મક વિચારો : કોરોનાની સતત ઠલવાતી માહિતી વચ્ચે એક નકારાત્મક વાતાવરણ ઉભું થયું છે. આવા જ એક કેસમાં મનોચિકિત્સકે નોંધ્યું હતું કે, કેટલીક વ્યક્તિ નકારાત્મક વિચારોના વમળમાં ફસાઇ છે. આ વ્યક્તિ પોતાનું ભવિષ્ય અંધકારમય હોય તેવું જોઇ રહ્યો હતો. જેને કોરોના રોગમાંથી બચેલી વ્યક્તિઓના આંકડા અને માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી હતી.

કોરોના વાઈરસથી સુરક્ષા જરૂરી છે ભય નહીં

કોરોના મામલે તજજ્ઞોનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે સતર્ક અને સુરક્ષીત રહેવાની જરૂર છે. જે રીતે તેનો હાઉ ઉભો થયો છે તે જોતાં લોકોમાં ભય છે પણ સતર્કતા નથી. તે સતર્કતા કેળવવી હાલના તબક્કે અત્યંત જરૂરી છે. વારંવાર હાથ ધોવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, માસ્ક પહેરવા સહિતની તકેદારી રાખવી હિતાવહ છે.

નકારાત્મક વિચારો આવતાં હોવાની ફરિયાદ સાથે કેટલાક લોકોના ફોન આવે છે. તેમને સંપૂર્ણ કાઉન્સિલીંગ કરીને સતર્ક રહેવાની સમજ આપીએ છીએ. 8 થી 10 લોકોનું ટેલિફોનિક કાઉન્સિલીંગ કર્યું છે.> ડો. વિનોદ ગોયલ

ફોન ઉપર કાઉન્સિલીંગ કરી સતર્ક રહેવાની સમજ આપીએ છીએ
અન્ય સમાચારો પણ છે...