પોલીસ દંડા જ નથી મારતી, આપત્તિમાં સહાય પણ કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના ફફડાટ વચ્ચે સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ રહેતી પોલીસ એક તરફ શામ-દામ અને દંડની નીતિ અપનાવી રહી છે તો વળી બીજી તરફ લાગણીશીલ બનીને કેટલાંય લાચાર, મદદ ઝંખતા લોકોની વ્હારે પણ આવી છે. આણંદમાં પોલીસે લોકો પલાયન ન થાય તે માટે જમવાની વ્યવસ્થા કરી હતી. તો વળી બીજી તરફ ભૂલી પડેલી બંગાળની મહિલાને સલામત રીતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. તો વળી પગપાળા જઈ રહેલાં પરિવારને તેમના ગંતવ્ય સ્થાને પણ મોકલ્યા હતા. આમ, પોલીસની ટીમે કપરા સમય દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી સમાજમાં હકારાત્મક સંદેશો વહેતો કર્યો હતો.

પગપાળા જઈ રહેલા દંપત્તિને પેટલાદ પોલીસ ગંતવ્ય સ્થાને મૂકી ગઈ

પેટલાદ પોલીસ રાત્રિના પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે તેમણે એક પુરુષ , એક મહિલા તેમજ સાથે નાના બાળકને તેડી રસ્તા પર જઈ રહયા હોવાનું જોયું હતું. જેમના નામ-ઠામ પૂછતાં હર્ષદ તળપદા અને બામણવાના હોવાનું જણાવ્યું હતું. તેમના બાળકને હોસ્પિટલમાં સારવાર બાદ વાહન ન મળતાં તેઓ પગપાળા બામણવા જવા માટે નીકળ્યા હતા. આ સ્થિતિને ધ્યાને લઈ પોલીસે તેમના જમવાની તેમજ ગંતવ્ય સ્થાને મૂકવાની વ્યવસ્થા કરી હતી.

બંગાળી મહિલાને
સલામત મહિલા સંરક્ષણ ગૃહમાં મોકલાઈ


આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે બંગાળી ભાષા બોલતી મહિલા મળી આવી હતી. લોકડાઉન દરમિયાન તેણીને વાહન ન મળતું હોય તે ત્યાં જ બેસી રહી હતી. તેના નામ-ઠામ પૂછતાં તે પશ્ચિમ બંગાળની બીરનગરની રહેવાસી અને તેનું નામ સબીત્રી સીપદા દેવાનાથ હોવાનું જણાવ્યું હતું. મહિલા સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ એસઓજી પોલીસ દ્વારા તેને સહીસલામત રીતે મહિલા સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી હતી.

વાસદ પોલીસે 200 માણસોની ખીચડી બનાવી પરપ્રાંતિયોને ખવડાવી

વાસદ ચોકડી પર શેરડીના રસ તથા તરબૂચનો ધંધો કરતા પરપ્રાંતિય લોકો કે જેમના રોજગાર સંપૂર્ણ બંધ થઈ ગયા હોય તેમની વ્હારે વાસદ પોલીસ આવી હતી. છેલ્લાં આઠ દિવસથી દરરોજ રાત્રે વાસદ પોલીસ દ્વારા 200 માણસોની ખીચડી બનાવી તેઓને પહોંચાડે છે. બપોરના ભોજન માટે એનજીઓની મદદથી ખાદ્યસામગ્રી કીટનું વિતરણ કરાયું હતું. પોતાના વતનમાં પલાયન ન થાય તે માટે પોલીસ દ્વારા તેને સમજાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...