તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર કે ઘરબંધીમાં બેદરકારી જીવલેણ બની શકે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

1992ના દુકાળ વખતે દેશભરમાં સનસનાટી સર્જનાર ભૂખમરાથી મોતની અેક વિવાદાસ્પદ ઘટના અાજે કોરનાની મહામારીની અાફત ટાણે યાદ અાવે છે. ભચાઉ તાલુકાના સૂરજબારી ગામે રાહતકામ પર મજૂરી કરતા ભૂરા અામદ નામના અાદમીનું ભૂમખરાના કારણે મોત નીપજ્યું હોવાના હેવાલ અમદાવાદના અંગ્રેજી અખબાર ઇન્ડિયન અેક્સ્પ્રેસમાં પ્રસિધ્ધ થતાં ચકચાર જાગી હતી. ચીમનભાઇ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને કેશુભાઇ પટેલ વિપક્ષ ભાજપના વિધાનસભા પક્ષના નેતા હતા. ભાજપે તો હેવાલને પગલે પોતાની શૈલી મુજબ હોહા કરી મૂકી. વિધાનસભામાં પુષ્પદાન ગઢવી (અે સમયે ધારાસભ્ય હતા) અને તારાચંદ છેડાઅે પ્રશ્ન ઉઠાવ્યો, કોઇઅે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી, તપાસ નીમાઇ, ઘણું ઘણું થયું અેની વિગતે વાત નથી કરવી. ખૂબ રાજકારણે ખેલાયું હતું પરંતુ અા બધા વચ્ચે વાગડના અેક મોવડીઅે કચ્છની સંસ્કૃતિ અને ગ્રામ્ય પરંપરાઅોના ઉલ્લેખ સાથે નિવેદન કરેલું કે પાડોશના ઘરમાં કોઇ દિવસોથી ભૂખ્યો રહે અને કચ્છી પાડોશી અેને દમ તોડતો જોતો રહે ઇ વાતમાં માલ નથી. તો તો કચ્છીયત લજવાય. પહેલો સગો પાડોશી અમથું થોડું કહેવાય છે.

અે વડીલનું નામ યાદ નથી. પણ અાજે અેજ વાગડમાં પાડોશીને મદદરૂપ થવાને બદલે પાડોશી પરેશાન થાય અેવી ઊલટી પરિસ્થિતિ કેમ સર્જાઇ છે ? મુંબઇ, સુરત, વાપી કે મહારાષ્ટ્રના અન્ય શહેરોમાંથી કોરોનાના ભયે ભચાઉ અને રાપર તાલુકાના જુદા જુદા ગામોમાં અાવેલા કચ્છી પરિવારો ઘરમાં બેસીને લોકડાઉનનો નિયમ પાળવાને બદલે સ્વચ્છંદતાથી કેમ હરે ફરે છે? અખબારી હેવાલ અનુસાર પંદરેક હજાર વાગડવાસી પોતાની વ્યવસાયભૂમિ-કર્મભૂમિ છોડીને વતન અાવી ગયા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાના વધુને વધુ કેસ છતા થઇ રહ્યા હોવાથી સર્જાયેલા ભયના માહોલમાં નોકરિયાત અને મધ્યમવર્ગીય કચ્છી વેપાર ધંધાવાળા વતનની વાટ પકડે અે સ્વાભાવિક છે. તેઅો વતન ભણી નજર ન દોડાવે તો શું કરે ? અાખરે અા જ લોકોને અાપણે વતનપ્રેમી તરીકે નવાજીઅે છીઅે. કચ્છના દુકાળ જેવા કપરા સમયમાં કે ધાર્મિક ઉત્સવો વખતે મદદ કરવામાં અા જ લોકો ક્યારેય પાછું વળીને જોતા નથી. અા સંજોગોમાં તેઅો ઉચાળા ભરીને કચ્છ અાવ્યા છે અેવા શબ્દપ્રયોગ તેમના માટે અાપણે કરીઅે અે શોભાસ્પદ નથી. પણ અાવા અાગંતુકોમાં કોરોનાના વાયરસના વાહક (કેરિયર) બનવાની શક્યતાઅોયેવધુ હોવાથી કચ્છના સ્થાનિક લોકોના જીવ અધ્ધર થઇ જાય અે પણ અેક વાસ્તવિકતા છે. તેથી જ વહીવટીતંત્ર પણ માને છે કે બહારથી કચ્છમાં પ્રવેશેલા લોકો માટે ઘરબંધી (હોમ કોરોન્ટાઇન્ટ) અનિવાર્ય છે.

અેવું નથી કે બહારથી અાવેલા તમામ વાગડવાસી ઘરબંધી કરતા નથી. મોટાભાગના અાગંતુકો શિક્ષિત અને સમજદાર છે અને નિયમોનું પાલને કરે છે. પણ ચેપ અે ચેપ છે અને થોડી વ્યક્તિઅો પણ બેજવાબદાર હોય તો ચેપ લાગી શકે છે. છેલ્લા અેક અઠવાડિયામાં દેશ અને દુનિયાના દેશોમાં કોરોનાના કાળા કેરની વધુને વધુ વિગતો ન્યુઝ ચેનલોના પરદા પર ચમકી રહી છે તે પથ્થર દિલના ઇન્સાનને પણ ધ્રુજાવી દે તેવી છે. અારોગ્ય સેવા માટે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતા દેશમાં પ્લાસ્ટિકની કોથળીઅોનો ઉપયોગ મોઢું-નાક ઢાંકવાના માસ્ક તરીકે કરાય છે, કબ્રસ્તાનોમાં જગા ખૂટી પડી છે, હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા ખડકાયા છે, દર્દીઅોની સારવાર કરનાર તબીબો રોગગ્રસ્ત બનીને મોતને ભેટી રહ્યા છે.

અાવી પરાકાષ્ટા સમી સ્થિતિ ચેપને-વાયરસને ફેલાતો રોકવામાં સેવવામાં અાવતી બેદરકારીને લીધે સર્જાય છે. 26મી માર્ચે અેટલે કે ગયા ગુરૂવારે ઇન્ડિયા ટીવી ન્યુઝ ચેનલ પર જાણીતા પત્રકાર રજત શર્માઅે પોતાના ‘અાજકી બાત’ કાર્યક્રમમાં કોરોના વાયરસ બેદરકારીથી ફેલાય છે તેના ત્રણ કિસ્સાની વિગત અાપી તે જાણવા જેવી છે. અેક કિસ્સો શ્રીનગરનો, બીજો દિલ્હીનો અને ત્રીજો
દક્ષિણ કોરિયાનો છે.

શ્રીનગરના કિસ્સામાં અેક જ દિવસમાં પોઝિટિવ કોરોનાના ચાર કેસ છતા થયા તેને લગતા હતા. અેક વૃધ્ધને કોરોના હતો. તેનું અવસાન થયું. તેની સાથે અા ચારેય જણ સંપર્કમાં હતા તેથી ‘પોઝેટિવ’ થયા. પછી તપાસ અાગળ વધી તો 48 જણાને કોરેન્ટાઇન-અેકાંત સેવનની નોબત અાવી. મૃતકે પંદર દિવસ દરમિયાન દિલ્હી અને જમ્મુના જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. પણ મૂળ વાત અે કે અા શખ્સે પોતે વિદેશથી અાવ્યો હતો અેની જાહેરાત ખાંસી-તાવ સાથે હોસ્પિટલમાં દાખલ થતી વખતે ન કરી. વાત છૂપાવી રાખી. પરિણામે 48 જણામાં ચેપ ફેલાયો હોવાની શક્યતાઅો સાથે સારવાર અપાઇ રહી છે. જોકે હજુ સુધી કોઇ પોઝિટિવ નથી. પણ અા સિવાયે જ્યાં જ્યાં અે શખ્સ ગયો હશે ત્યાંનું શું ? જવાબ ભવિષ્ય અાપશે.

બીજો કિસ્સો દિલ્હીના મહોલ્લા ડોક્ટરનો છે અને તે તો અખબારો તેમજ ન્યુઝ ચેનલ પર સારો અેવો ચમકી ગયો છે. અા તબીબ, અેના પત્ની અને પુત્રીને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ અાવતાં હોસ્પિટલમાં અાઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. અેક મહિલા પોતાના પુત્ર સાથે 10મી માર્ચે દુબઇથી દિલ્હી પરત અાવી હતી. 12મી માર્ચે તાવ અાવ્યો અને ડોક્ટર પાસે ગઇ પણ વિદેશથી અાવી છે અે વાત જાહેર કરી નહિ. પછી 15મીઅે હોસ્પિટલમાં દાખલ થઇ, 17મીઅે કોરોના પોઝિટિવનો રિપોર્ટ અાવ્યો. ડોકટરના સમગ્ર પરિવાર ઉપરાંત અે સ્ત્રીના ભાઇ અને અેના પરિવાર સહિતના કુલ અાઠ જણના પોઝિટિવ રિપોર્ટ અાવતાં કોરોનાની સારવાર હેઠળ છે. પણ, 12થી 18 માર્ચ વચ્ચે પેલા ડોકટરના દવાખાનમાં જે પણ લોકો દવા લેવા અાવ્યા હતા અેનું શું? પ્રાપ્ત માહિતી અનુસાર અા અાઠ દિવસ દરમિયાન 800 લોકો ડોકટરના સંપર્કમાં અાવ્યા હતા તેમને સાૈને ‘હોમ ક્વોરેન્ટાઇન’માં રહેવાનું જણાવી દેવાયું છે.

અલબત્ત, અામાંથી કેટલાનો કેસ પોઝિટિવ થશે, કેટલાને ચેપ લાગ્યો હશે અે અાવનારા દિવસોમાં જ જાણી શકાશે. મુદ્દો વિદેશથી અાવ્યા હોવાની માહિતી છૂપાવવાથી કેટલા બધા લોકોને ચેપ લાગી શકે છે અેનો છે. રજત શર્માના કાર્યક્રમમાં ત્રીજો કિસ્સો દક્ષિણ કોરિયાની અેક મહિલાનો છે. અા મહિલા ફેબ્રુઅારીઅે ચીનથી દક્ષિણ કોરિયા અાવી હતી. 9 અને 16 તારીખે ચર્ચમાં ગઇ હતી અને વચ્ચે વચ્ચે હોટેલોમાંયે ડિનર માટે ગઇ હતી. તાવ-ખાંસી જેવા કોરોનાના લક્ષણ હતા છતાં દવા લીધી નહીં કે ડોકટર પાસેય ગઇ નહિ. પાછળથી સ્થિતિ લથડી ત્યારે ટેસ્ટ થયા અને પોઝિટિવ કોરોના જાહેર થયું. આ સ્ત્રી દક્ષિણ કોરિયાની રોગગ્રસ્ત દર્દી નંબર 31 હતી. અેની હિસ્ટ્રી અેમ કહે છે કે એ ચીનથી 6ઠ્ઠીઅે કોરોનાના વાયરસ સાથે જ અાવી હતી અને કમસેકમ દશ દિવસ દવા લીધા વિના ફરતી રહી હતી. પણ અા દરમિયાન અેનાથી હજ્જારો લોકોને ચેપ લાગી ચૂક્યો હતો. અેક અંદાજ અનુસાર દ. કોરિયાના કોરોનાના 8897 કેસ પૈકી 5382 કેસમાં અા સ્ત્રીનો ચેપ જવાબદાર હતો. મતલબ કે 60 ટકા કિસ્સામાં અે જવાબદાર હતી. જો વેળાસર દવા લીધી હોત તો?

અા ત્રણ કિસ્સાની વિગત અેટલા માટે અાપી છે કે જેથી જાણી શકાય કે માહિતી છૂપાવવાથી કે રોગના લક્ષણ જાણતા હોવા છતાં દવા કે ડોકટરી સલાહ ન લેવાની બેદરકારીય કેટલા ખતરનાક પરિણામ સર્જી શકે છે. અેવી જ રીતે ઘરબંધી કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન ‘કોમ્યુનિટી-ટ્રાન્સ્મીશન’માં પરિણમે તોયે ખતરનાક વળાંક અાવી શકે. અાપણે અાજે અેક અેવા મોડ પર છીઅે જ્યાં તકેદારી, સાવધાની, ઘરબંધી અાપણને ઉગારી શકે છે અને બેદરકારી રોગના ચેપ ભણી ધકેલી શકે છે. માત્ર બહારથી અાવેલા અાપણા બાંધવો જ નહિ, અાપણે સૌ કચ્છવાસી પણ ક્યાં સો ટકા લોકડાઉનના નિયમો પાળીઅે છીઅે? અખબારી હેવાલો તો અેમ કહે છે કે છટકબારી શોધીને અાપણે છૂટાછવાયા બહાર નીકળી પડતાં અચકાતા નથી. અાપણામાંથી કોઇને ચેપ લાગી ચૂક્યો હશે તોયે અેનાં લક્ષણ પાધરા ન થાય અે શક્ય છે. જો કોઇની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) બરાબર હશે તો ચેપ લાગ્યા છતાં રોગના લક્ષણ દેખાશે નહિ. પણ અેનો અર્થ અે નથી થતો કે તમારી સાથે સંપર્કમાં અાવનારને ચેપ નહિ લાગે. ચેપ તો લાગશે જ કારણ કે વાયરસ તો તમારી સાથે છે જ. બીજા અર્થમાં કહીઅે તો તમે તંદુરસ્ત હો, લક્ષણ દેખાતા ન હોય તોયે ‘વાયરસ’ના વાહક ‘કેરિયર’ તો બની જ શકો. અેટલે તમારા સંપર્કમાં અાવનારને ચેપ લાગી શકે છે. ડો. રામ ગઢવીઅે અેકવાર ચર્ચા દરમિયાન અા વાત કરી હતી અે સાૈઅે યાદ રાખવા જેવી છે. ઘરબંધી બાબતે ગફલતમાં રહેવાનું નહિ પાલવે.

વિશેષ
અન્ય સમાચારો પણ છે...