માહી ડેરીએ ખરીદી બંધ કરી, અમૂલ વધારાના દૂધમાંથી પાઉડર બનાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના પગલે લોકડાઉન જાહેર થતાં રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં દૂધના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. રાજકોટ જિલ્લામાં દૂધના વેચાણમા 30 ટકાનો ઘટાડો નોંધાયો છે જેના પગલે દૈનિક ત્રણ લાખ લિટર જેટલું દૂધ અમદાવાદ ફેડરેશનમાં મોકલવામાં આવી રહ્યું છે. આઇસક્રીમના વેચાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે બીજી તરફ હોટેલ, રેસ્ટોરન્ટ અને ચાની કીટલી પણ બંધ હોવાથી દૂધ વેચાણ ગ્રાફ્ટ સતત નીચે આવી રહ્યો છે. જેના પગલે દૂધ ખરીદી સંઘ આગામી દિવસોમાં મિલ્ક હોલિડે જાહેર કરે તેવી સંભાવના છે. માહી દૂધ કંપનીએ દૂધ ખરીદ માટે રોટેશન સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે અને 30 માર્ચે બે જિલ્લામાંથી માહી કંપની દૂધની ખરીદી નહીં કરે. દૂધ ખરીદી બંધ થતાં પશુ પાલકોની પણ મુશ્કેલી વધી શકે છે. રાજકોટ જિલ્લા દૂધ ખરીદ વેચાણ સંઘના એમ.ડી. વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દૂધ સંઘ પ્રતિ દિવસ અંદાજે ત્રણ લાખ લિટર દૂધ અમદાવાદ ફેડરેશનમાં મોકલાઈ રહ્યું છે.

અમૂલ દૂધની ખરીદી બંધ નહીં કરે

આણંદ | ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 210 લાખ લિટર અને ગુજરાત બહારનું 50 લાખ લિટર દૂધનું વેચાણ થતું હતું.આમ કુલ 260 લાખ લિટર દૂધનું વેચાણ થતુ હતું. જેમાં દૂધ, દહીં, છાશ મળીને 150લાખ લિટરનું દૈનિક વેચાણ થતું હતું. લોકડાઉનના પગલે ચાની કીટલી, રેસ્ટોરન્ટ, હોટલોે બંધ થઇ ગઇ છે. આ ઉપરાંત લોકલ નાની બ્રાન્ડનો આઇસ્ક્રીમ બનાવનારા અને મીઠાઇની દુકાનો પણ બંધ થઇ ગઇ છે. જેના કારણે અમૂલ દૂધના વેચાણમાં અંદાજે 20 ટકા ઘટાડો થયો છે. જેના લીધે જે દૂધનો સ્ટોક થાય તેમાંથી પાઉડર બનાવવામાં આવી રહ્યો છે.

રાજકોટ દૂધ સંઘ તેના પશુપાલકો પાસેથી દૂધની ખરીદી ચાલુ જ રાખશે

રાજકોટ ડિસ્ટ્રિક્ટ દૂધ ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લામાંથી પ્રતિ દિવસ 5 થી 5.50 લાખ લિટર દૂધની ખરીદી કરી રહ્યું છે. જેની સામે પ્રતિ દિવસ 2.50 લાખ લિટર આસપાસ દૂધનું વેચાણ છૂટક માર્કેટમાં કરવામાં આવે છે. કોમર્શિયલ વેચાણ ઘટી ગયું હોવાથી પ્રતિ દિવસ ત્રણ લાખ લિટર દૂધ રાજકોટ જિલ્લા સંઘ ફેડરેશનમાં મોકલે છે, પરંતુ રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી તમામ સહકારી મંડળીઓના પશુપાલકો પાસેથી દૂધની ખરીદી બંધ કરવાનો હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. દૂધની ખરીદી ચાલુ જ છે અને રહેશે. > વિનોદ વ્યાસ, એમ.ડી, રાજકોટ દૂધ સંઘ.

માહી મિલ્કે ખરીદી બંધ કરી રોટેશન શરૂ કર્યું

સૌરાષ્ટ્ર– કચ્છમાંથી માહી મિલ્ક કંપની દૈનિક 10 લાખ લિટર દૂધની ખરીદી કરી રહ્યું છે અને તેનું સમગ્ર ગુજરાત અને દિલ્હી, મહારાષ્ટ્રમાં વેચાણ થાય છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોના વાઇરસના પગલે લોકલ વેચાણમાં ઘટાડો થયો છે અને અન્ય પ્રોડક્ટનું વેચાણ પણ થતું નથી. જેના પગલે માહી મિલ્ક કંપનીએ રોટેશન મુજબ દૂધ ખરીદી કરવાનું નક્કી કર્યું છે. જેમાં 30 માર્ચે ગીર–સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધની ખરીદી બંધ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય જિલ્લામાં પણ દૂધ ખરીદી બંધ કરવામાં આવશે. > જ્ઞાનેન્દ્ર દત્તા, ખરીદ વિભાગ, માહી.

4

¾, અમદાવાદ, સોમવાર, 30 માર્ચ, 2020
અન્ય સમાચારો પણ છે...