દહેગામમાં 7 ગરનાળા પાસે ભીડ જામી: પોલીસે ફેરિયાઓને હટાવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણને પગલે 21 દિવસના લોકડાઉનની જાહેરાત થયા બાદ દહેગામ નગર પાલિકા દ્વારા લોકોને જીવનજરૂરિયાત વસ્તુ મેળવવા તકલીફ ન પડે તે માટે દૂધની ડેરી, કરિયાણાની દુકાનનો સમય નક્કી કરી શહેરના શાકમાર્કેટને બંધ કરી શાકભાજીનું વોર્ડ વાઇઝ વિતરણ કરવાનું નક્કી કરાયુ છે. છતાં શુક્રવારે છુટક શાકભાજીનું વેચાણ કરનારાઓએ શહેરના સાતગરનાળા વિસ્તારમાં રીતસરનું શાકમાર્કેટ ઉભુ કરી ભીડ ભેગી કરી હતી. પોલીસને તેની જાણ થયા બાદ પહોંચીને બજારનું વિસર્જન કરાવ્યુ હતું. જોકે ત્યાર સુધીમાં બપોરનો સમય થઇ ચૂક્યો હતો.

દહેગામ નગર પાલિકા દ્વારા શહેરના લોકોને ભીડમાં ન આવવું પડે તે માટે વોર્ડ વાઇઝ શાકભાજી વિતરણ કરવા અંગે સૂચન કરવામાં આવ્યુ હોવા છતાં છુટક શાકભાજીનું વેચાણ કરનારાઓએ શહેરના શાકમાર્કેટ અને સુવિધા પથ તરફ હારબંધ લારીઓ ગોઠવી રીતસરનું શાકમાર્કેટ શરૂ કરતા શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ એકઠી થઇ હતી. કેટલાક લોકો કોરોના સંક્રમણની શક્યતાઓને અવગણી શાકભાજી ખરીદવા પણ ભીડ લગાવી હતી. છુટક શાકભાજીવાળાઓ દ્વારા લાઇનમાં લારી ગોઠવી ધંધો કરવામાં આવી રહ્યો હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે બજારનું તાત્કાલિક વિસર્જન કરાવ્યુ હતુ. આ અંગેની જાણ મામલતદાર અને મોડલ અધિકારી જે બી વદરને થતાં તેમણે પાલિકા પ્રમુખ બિમલ અમીન સાથે શહેરની અનાજ, કરિયાણા, શાકભાજી અને દૂધ ડેરીના સંચાલકોને બોલાવી લોકોને જીવન જરૂરી વસ્તુ ખરીદવા ં ન આવવુ પડે તે માટે હોમ ડિલીવરીનું આયોજન કરવા સૂચન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...