દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સામે લડત આપવા જરૂરિયાતમંદો માટે 5000 નંગ કીટ તૈયાર કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ સામે લડત આપવા તંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા એક્શન પ્લાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ખાનગી કંપનીઓના સહયોગથી જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે લોટ, દાળ, ચોખા, ખાંડ, મીઠું, વિગેરે સાથેની પાંચ હજાર નંગ જીવન જરૂરી વસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવી છે. જે આગામી સમયમાં તંત્ર દ્વારા વિતરિત કરવામાં આવશે.

લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ બાબતે એક્શન પ્લાન ઘડવામં આવ્યો છે.આ ઉપરાંત રિલાયન્સ કંપની દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રૂપિયા 50 લાખ આપવા અંગેની તૈયારી સાથે પણ તંત્રને રજુઆત કરાતા આગામી દિવસોમાં આ રકમ પણ જિલ્લાના લોકો માટે પ્રાપ્ય બનશે.જરૂરિયાતમંદ લોકો માટે જીવનજરૂરી ચિજવસ્તુઓ માટેની તંત્ર દ્વારા કિટ તૈયાર કરવામાં આવી છે.જેમાં અનાજ કરિયાણા સહિતની 5000 નંગ કીટ હાલ તૈયાર કરવામાં આવી છે.અને આગામી સમયમાં તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે તેવી ગોઠવણ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ અનાજ કરિયાણા, તથા દવા અને શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત થાય તેવી કોઇ પરિસ્થિતિ નથી. ત્યારે આજના દિવસોમાં હવે અનાજ કરીયાણાની દુકાનમાં પણ ભીડ ઓછી જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા દ્વારકા અને ભાણવડમાં વેપારીઓ સાથે સરકારી તંત્રએ સંકલન કરી, જે તે ગામમાં લોકોને જરૂરિયાત મુજબ હોમ ડીલેવરી કોઈપણ જાતના વધારાનો ચાર્જ લીધા વગર કરવા અંગેનું નક્કી કરાયું છે. ત્યારે લોકોએ ખરીદી માટે બહાર ન નીકળી હોમ ડિલિવરીનું લાભ લેવા પણ અપીલ કરી હતી.

હાલની નાજૂક પરિસ્થિતિમાં લોકોએ નૈતિક જવાબદારી સમજી બહાર નીકળવાનું ટાળવા કલેકટરે અપીલ કરી છે.

જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓ આગળ આવે: કલેકટર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં હાલ રિલાયન્સ દ્વારા લોહાણા મહાજન તથા અન્ય સેવાભાવી કાર્યકરોની સહયોગથી દિવસમાં બે વખત ગરીબોના અનેક પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ જ રીતે મીઠાપુરમાં બાલમુકુંદ ટ્રસ્ટ અને ટાટા કંપની તેમજ દ્વારકામાં પણ 250 લોકોને સંસ્થા દ્વારા નિયમિત ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સરકારી તંત્રની પણ સંપૂર્ણપણે ગરીબો તથા જરૂરિયાત માટેની અનાજ મળી રહે તે માટેની તૈયારી છે. આ સાથે સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓ કે જેઓ જમવાનું બનાવીને પહોંચાડી આપવા માટે તૈયાર હોય, ઁતેઓ આગળ આવી સ્થાનિક અધિકારીઓને જાણ કરે તે માટે જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના દ્વારા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...