તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પવિત્ર કુંડોનું જ પાણી ‘અ-પવિત્ર’!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના યાત્રાધામોમાં કૂંડ પણ હોય છે જેના પાણીને પવિત્ર ગણવામાં આવે છે. દર્શનાર્થે જતા લોકો દર્શનની સાથે એ કૂંડના પાણીથી આચમન પણ કરતા હોય છે. શ્રદ્ધાળુઓ શ્રદ્ધાના કારણે જ લોકો એ પાણી પીતા પણ હોય છે. પણ એ પાણી પીતા પહેલાં ક્યારેય કોઇએ એ વિચાર્યું કે તમે જે પાણીને પવિત્ર માની પી રહ્યા છો તે પીવાલાયક પણ છે ખરું? દિવ્ય ભાસ્કરે રાજ્યના પવિત્ર ગણાતા ચાર કૂંડના પાણીની ગુણવત્તાનો ટેસ્ટ કરાવ્યો અને પરિણામમાં ચોંકાવનારી બાબત બહાર આવી કે એક પણ કૂંડનું પાણી પીવાલાયક નથી. ડાકોરના ગોમતી તળાવના પાણીનું પણ ટેસ્ટિંગ કર્યું હતું. જેનો રિપોર્ટ કેમિકલી ફિટ આવ્યો હતો પણ બેક્ટોરિયલ રિપોર્ટ અનફીટ આવ્યો છે.

હવે આ પાણીના આચમન પહેલાં આ રિપોર્ટ ખાસ જોઇ લેજો, બેદરકારીના લીધે જળાશયો દૂષિત થઈ ગયાં છે

બિંદુ સરોવર, સિદ્ધપુર - નાઇટ્રેટનું પ્રમાણ ચાર ગણું

માન્યતા - માતૃશ્રાદ્ઘ કરવા માટે સમગ્ર દેશમાંથી અનેક લોકો બિંદુ સરોવર પાસે કપિલ આશ્રમમાં આવે છે. બ્રાહ્મણો દ્વારા વેદોકત મંત્રોચાર સાથે પીંડદાન કરીને માતૃઋણમાંથી મુકિત મેળવે છે. શ્રદ્ધાળુ બિંદુ સરોવરના પાણીનું આચમન પણ કરે છે. લોકો સરોવરના પવિત્ર પાણીને પોતાના ઘરે પણ લઈ જાય છે.

પાણી ગુણવત્તા - પાણી પીવાલાયક નથી . બિંદુ સરોવરના પાણીમાં ટીડીએસનું પ્રમાણ 500ની જગ્યાએ 1402 મિલિ પ્રતિ લીટર છે. હાર્ડનેસ 200ની જગ્યાએ 460 છે. નાઇટ્રેટનું પ્રમાણ 45ની જગ્યાએ 208 મિલિ પ્રતિ લીટર છે જેચાર ગણાથી પણ વધારે છે. મેગ્નેશિયમ, ક્લોરાઇડ, કેલ્શિયમ, સલ્ફેટની માત્રા પણ વધારે છે.

એક્સપર્ટ શું કહે છે?

પાણીમાં વધારે નાઇટ્રેટ કેન્સર પણ નોતરી શકે

જો પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય તો આંતરડાનું કેન્સર, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, હિમોગ્લોબીન ઘટી જવું, સાયનોસીસ જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના અનેકગણી વધી જાય છે. કેલ્શિયમ વધારે હોય તો કિડનીમાં પથરી જ્યારે ફ્લોરાઇડ વધુ હોય તો ફ્લોરોસીસ થઇ શકે છે.
- ડૉ. પ્રવિણ ગર્ગ, સીનિયર ફિઝિશિયન, અમદાવાદ

આજે વિશ્વ જળ દિવસ

આ પાણી અપવિત્ર એટલા માટે કે આ પાણી જેને પવિત્ર માની પીવામાં આવે છે એ પાણીનું એક ટીપું પણ પીવા માટે યોગ્ય નથી. એ તબિયત પણ બગાડી શકે છે.

દિવ્ય ભાસ્કરે ગુજરાતના પવિત્ર ગણાતા ચાર જળાશયોના પાણીની ગુણવત્તાનો ટેસ્ટ કરાવ્યો

દામોદર કુંડ જૂનાગઢ - ક્લોરાઇડ, સલ્ફેટની માત્રા વધુ

માન્યતા - ગિરનારની પરિક્રમા અને ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રિના મેળામાં આવનારે દામોદર કુંડમાં સ્નાન અચૂકપણે કરવું જોઇએ એવો મહિમા છે. અને લાખો ભાવિકોએ પરંપરા નિભાવે પણ છે. અહીં ઘણા ભાવિકો સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળનું આચમન લે છે. ગિરનારમાંથી નીકળતી સુવર્ણરેખા એટલે કે, સોનરખ નદીનું ઔષધિયુક્ત પાણી તેમાં સ્નાન કરનારના શરીરનાં દોષોનો નાશ કરે એવી માન્યતા હતી.

પાણી ગુણવત્તા - પાણી પીવાલાયક નથી. હાર્ડનેસ 200ના બદલે 410 મિલિ પ્રતિ લીટર છે. મેગ્નેશિયમ, કેલ્શિયમનું પ્રમાણ પણ વધારે છે.ટીડીએસનું પ્રમાણ 605 મિલિ પ્રતિ લીટર છે.

મીરાદાતાર, ઉનાવા - ટીડીએસથી ભરપૂર પાણી

માન્યતા - ઉનાવામાં સૈયદ મીરા અલી દાતારની દરગાહમાં મુસ્લિમ સિવાય પણ અન્ય શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં એક હોજનું પાણી પીવે છે. લોકોમાં માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ પાણી પીવાથી વળગાડ, ભૂતપ્રેત સહિત અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશમાં પણ આ પાણી મોકલવામાં આવે છે.

પાણી ગુણવત્તા - પાણી પીવાલાયક નથી. ટીડીએસનું પ્રમાણ 500ને બદલે 1600 મિલિ પ્રતિ લીટર છે. જે ત્રણ ગણું છે. હાર્ડનેસ 200ને બદલે 368 મિલિ પ્રતિ લીટર છે. નાઇટ્રેટ 45ને બદલે 107 મિલિ પ્રતિ લીટર છે. ફ્લોરાઇડ પણ 1ને બદલે 1.91 મિલિ પ્રતિ લીટર જોવા મળ્યું છે. મેગ્નેશિયમનું પ્રમાણ વધારે છે.
અન્ય સમાચારો પણ છે...