તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં પેટ્રોલનું વેચાણ 90% ઘટ્યું, જૂન સુધી આમ રહ્યું તો આયાત બિલના 2 લાખ કરોડ રૂિપયા બચશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાૅકડાઉનની સૌથી ખરાબ અસર પેટ્રોલ પંપો પર પડી રહી છે. તેમનું વેચાણ 90% સુધી ઘટી ગયું છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં તેમ જ માગમાં ઘટાડાને સરકાર માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના કહેવા મુજબ, લાૅકડાઉન જૂન સુધી ચાલ્યું તો સરકારનું ક્રૂડ આયાત બિલ 25થી 30% સુધી ઘટી શકે છે. એટલે કે અંદાજે 2 લાખ કરોડ રૂ. બચશે.

ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના અધ્યક્ષ અજય બંસલ અને સેક્રેટરી ગોપાલ માહેશ્વરીએ જણાવ્યું કે દેશમાં સરકારી કંપનીઓના અંદાજે 68 હજાર પંપ છે જ્યારે અંદાજે 10 હજાર પંપ ખાનગી ક્ષેત્રમાં છે. સામાન્ય દિવસોમાં આ પંપો પર રોજ સરેરાશ 32.5 કરોડ લીટર ડીઝલ અને 10 કરોડ લીટર પેટ્રોલ વેચાય છે. લાૅકડાઉનના કારણે હવે તેમનું વેચાણ માત્ર 10% જ રહ્યું છે. ઓઇલ એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ જણાવ્યું કે દેશમાં કુલ ખપતના 86% ક્રૂડની આયાત થાય છે. હાલ માગ ભલે ઓછી છે પણ લાૅકડાઉન ખતમ થશે ત્યારે 4-6 અઠવાડિયામાં માગમાં 10%નો ઉછાળો આવશે. બીજી તરફ નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે દેશમાં માગ ઘટવા સાથે જ હાલ ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને બેરલદીઠ 27 ડાૅલર છે. દેશમાં 2018-19માં 112 અબજ ડોલર (7.83 લાખ કરોડ રૂ.)નું ઓઇલ ઇમ્પોર્ટ થયું હતું. લાૅકડાઉન જૂન સુધી લંબાશે તો ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ બિલમાં 25-30%નો ઘટાડો થઇ શકે છે. એટલે કે લાૅકડાઉનથી અંદાજે 2 લાખ કરોડ રૂ.ની બચત થઇ શકે છે, જે નાણા દેશની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં ખર્ચી શકાય તેમ છે.

અહીં નુકસાન: વેચાણ ઘટવાથી દૈનિક 750 કરોડ રૂપિયા રેવન્યૂમાં પણ ઘટાડો થયો

ઇમ્પોર્ટ બિલમાં મોટો ફાયદો થવા સાથે સરકારને વેચાણ 90% ઘટવાથી એક્સાઇઝ ડ્યુટીમાં નુકસાન પણ જઇ રહ્યું છે. કેન્દ્ર ડીઝલ પર લીટરદીઠ 18.83 રૂ. અને પેટ્રોલ પર 22.98 રૂ. એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. આ હિસાબે તેને ડીઝલ પર દૈનિક અંદાજે 550 કરોડ રૂ. અને પેટ્રોલ પર અંદાજે 260 કરોડ રૂ.નું નુકસાન થઇ રહ્યું છે જ્યારે રાજ્ય સરકારોને પણ વેટના રૂપમાં મહેસૂલી ખોટ થઇ રહી છે.

IOCએ કહ્યું- લાૅકડાઉન સુધીનો પૂરતો સ્ટોક

જાહેર ક્ષેત્રની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલે (આઇઓસી) કહ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો લાૅકડાઉન સુધીનો પૂરતો સ્ટોક છે. આઇઓસીના ચેરમેન સંજીવ સિંહે કહ્યું કે દેશમાં ક્યાંય પણ રાંધણગેસ કે પેટ્રોલ-ડીઝલની અછત નહીં સર્જાય.

ગુજરાતમાં લાખો લિટરથી વધુ પેટ્રોલનું વેચાણ

ગુજરાતમાં સરેરાશ રોજ 70થી 80 લાખ લિટરથી વધુ પેટ્રોલ અને લગભગ એટલી જ માત્રામાં ડીઝલનું વેચાણ થાય છે. અમદાવાદમાં 7 લાખ લિટર, સુરતમાં 3 લાખ લિટર, વડોદરા-રાજકોટમાં 2-2 લાખ લિટર પેટ્રોલનું વેચાણ થાય છે. તેમાં પણ ઘટાડો થયો છે.

લાૅકડાઉનની અસર | માગ ઘટવાથી અને ક્રૂડ સસ્તું થવાથી દેશને મોટો ફાયદો, વિદેશી હૂંડિયામણની મોટી બચત થશે


અન્ય સમાચારો પણ છે...