તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીની બજારો સજ્જડ બંધ : આજે જનતા કર્ફયુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રીએ આવતીકાલે જનતા કરફ્યુની અપીલ કરી છે. તેને દેશભરના અન્ય લોકોની સાથે અમરેલી પંથકના લોકોએ પણ વધાવી આવતીકાલે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઘરમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. બલ્કે આજે બપોર બાદ અમરેલી શહેર સહિત જીલ્લાભરની બજારો બંધ થઇ ગઇ હતી. તંત્ર વાહકોએ જ બપોર પછી બજારમાં ફરી તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી. મેડીકલ સ્ટોર્સ અને અમુક કરીયાણાની દુકાનો ખુલ્લી રહી હતી. આમ તો જનતા કરફ્યુની પ્રધાનમંત્રીએ રવિવારના દિવસ માટે અપીલ કરી હતી. પરંતુ અમરેલીમાં આજે શનિવાર બપોરથી જ એક રીતે જનતા કરફ્યુની શરૂઆત થઇ ગઇ હતી. આમ પણ જીલ્લા કલેક્ટરે આગલા દિવસે જ તાત્કાલીક ધોરણે તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારીઓ, ધાબા, મીઠાઇ-ફરસાણની દુકાનો, ભોજનાલય, પાન-માવાના ગલ્લા, સોડા શોપ, આઇસ્ક્રીમ પાર્લર, રસના સીચોડા, ટી-સ્ટોલ વિગેરે બંધ કરવાનો હુકમ કર્યો હતો. જો કે હોટેલોમાંથી પાર્સલ પેકીંગ લઇ જઇ શકાશે. દરમિયાન આજે બપોર થતા સુધીમાં જ તંત્ર વાહકોએ આ હુકમનો સજ્જડ અમલ કરાવ્યો હતો અને વેપારીઓએ તેમના ધંધા-રોજગાર બંધ રખાવ્યા હતાં. અમરેલીમાં તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ કરી દેતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ હતી. અલબત મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા હતાં અને લોકો જીવન જરૂરી વસ્તુ લઇ શકે તે માટે કિરાણાની દુકાનો ખુલ્લી હતી. બીજી તરફ આવતીકાલે સ્વયંભુ લોકો ઘરમાં જ રહી જનતા કરફ્યુ થકી કોરોના સામે લડત ચલાવશે. જીલ્લાના સાંસદ સહિત જુદા જુદા આગેવાનોએ લોકોને રવિવારે આખો દિવસ ઘરમાં રહેવા અપીલ કરી હતી. આવતીકાલે અમરેલી ડીવીઝનની તમામ એસટી બસો પણ બંધ રહેશે અને અમરેલીથી જુનાગઢ અને વેરાવળ તરફ જતી આવતી ટ્રેનો પણ બંધ રહેશે. આ પૂર્વે લોકોએ જીવન જરૂરી ચિજ-વસ્તુઓની ખરીદી માટે દોટ પણ મુકી હતી.

ધારીમાં ગળધરા ખોડિયાર મંદિર પણ બંધ કરાયું

ધારી નજીક ખોડીયાર ડેમ પર આવેલ ગળધરા ખોડીયાર મંદિર પણ આજે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયુ હતું. અહિં મોટી સંખ્યામાં ભાવિકો રોજ ઉમટતા હતાં. 29 તારીખ સુધી અહિં મંદિર બંધ કરાયુ છે. ધારીમાં સ્વામિનારાયણ મંદિર પણ આ રીતે બંધ રહેશે.

ડાયમંડ એસો. સાથે કલેક્ટરની બેઠક

જીલ્લા કલેક્ટરે આજે ડાયમંડ એસોસીએશન સાથે બેઠક યોજી હતી. કારીગરો કારખાનામાં પ્રવેશતા પહેલા સાબુથી હાથ ધોવે અને સેનીટેશનની યોગ્ય પ્રક્રિયા થાય તથા કારીગરો પરસ્પર એક મીટર જેટલુ અંતર રાખીને કામ કરે તે અંગે સુચના અપાઇ હતી. કોઇ કારીગરને શરદી-ખાંસી, તાવ જણાય તો તાત્કાલીક આરોગ્ય તંત્રનો સંપર્ક કરવા તાકીદ કરાઇ હતી.

લોકોને મારી નમ્ર અપીલ ઘર બહાર ન નિકળશો : જિલ્લા કલેક્ટર

આયુષ ઓકે, જિલ્લા કલેકટર

129 બસોની તપાસ કરાઇ |આરોગ્ય તંત્ર દ્વારા સુરત-મુંબઇ અને અન્ય રાજ્યોમાંથી આવતી બસના મુસાફરોની વિવિધ ચેકપોસ્ટ પર તપાસણી કરાઇ રહી છે. ગઇકાલે અહિં 129 બસની ચકાસણી કરાઇ હતી. 5064 મુસાફરોની ચકાસણી કરાતા તેમાંથી 6 દર્દીને તાવ, શરદી અને ઉધરસની તકલીફો જણાય હતી. જે તમામની સારવારની વ્યવસ્થા કરાઇ હતી.

5056 કર્મચારીઓને તાલીમ અપાઇ

અમરેલી જીલ્લાના 5056 કર્મચારીઓને કોરોના સામેની લડત અંગે વિવિધ તાલીમ આપવામાં આવી છે. જાહેરમાં થુકવાના 172 કેસ કરી 35650 નો દંડ વસુલાયો છે ઉપરાંત જીલ્લાની 173 કચેરીમાં સેનીટાઇઝેશનની કામગીરી કરાઇ છે. 29 માર્ચ સુધી ઇ-ધરા અને જન સેવા કેન્દ્ર પણ બંધ કરાયા છે.

અમરેલીમાં જિલ્લા કલેકટરના આદેશથી તંત્ર વાહકોએ શનિવારે બપોર બાદ બજારમાં ફરી દુકાનો બંધ કરાવી

આજે અમરેલી ડિવીઝનની તમામ એસટી બસો અને રેલવે પણ બંધ


જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુની દુકાનો અને મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા

કોરોના સામે લડતમાં વહિવટીતંત્ર અને લોકો બન્યા એકબીજાના પૂરક

આજે અમરેલીની સાથે સાથે ખાંભા, ધારી, બાબરા, લીલીયા વિગેરે શહેરોમાં પણ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતાં. આવતીકાલે પણ અહિં બંધ પળાશે. જાફરાબાદમાં અડધો અડધ દુકાનો બંધ જોવા મળી હતી. જ્યારે રાજુલામાં તમામ દુકાનો ખુલ્લી રહી હતી અને બજારમાં સતત ભીડ રહી હતી. }જયેશ લીંબાણી, અરૂણ વેગડા, પૃથ્વી રાઠોડ, મનોજ જોષી

અમરેલી, ખાંભા, ધારી, બાબરા, લીલીયાની દુકાનો બંધ
અન્ય સમાચારો પણ છે...