Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજપારડી ખાતે ગેબનશાહ બાવાનો ઉર્સ શરીફ યોજાયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમા પીર ગેબનશાહ બાવાના સંદલ શરીફની તથા ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ હતી. જેમાં હજારો અનુયાયીઓ અને હિન્દુ મુસ્લિમ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
ઝઘડિયાથી દસ કીમીના અંતરે આવેલા રાજપારડી ગામની સુપ્રસિદ્ધ હજરત પીર ગેબનશાહ બાવાની દરગાહ ઉપર હજારો શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. બીજા દિવસે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. સંદલ તથા ઉર્સના પ્રસંગે દરગાહને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાઈ હતી. ગામના પટેલ નગરના સૈયદ બાપુના ઘરેથી સંદલ શરીફનું ઝુલુસ નીકળ્યું હતું. જે ગામના બજારમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોચ્યું હતું. સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સંદલ શરીફ અને બીજે દિવસે ઉર્સ શરીફના પ્રસંગે દરગાહ પર મસુર કવ્વાલ અબ્દુલ કાદર કાચવાલા તેમજ મેહબુબ અયાજ કવ્વાલે કવ્વાલિથી લોકોના હૈયા ડોલાવ્યા હતા. સંદલ શરીફની વિધીમાં રાજપારડી ગામના હિંદુ સમાજના ભાઈ - બહેનોએ પણ ભાગ લઈ કોમી એક્તાનો સંદેશો આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરગાહ કમિટી અને સમસ્ત ગ્રામજનોએ સફળ બનાવ્યો હતો.