Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરના બેદિલને 2 એવોર્ડ
જામનગરસાહિત્યકાર બેદિલ ડાે. અશોક ચાવડાને હાસ્ય કવિત સંગ્રહ તેમજ ગંભીર સાહિત્ય એમ બંને માટે એવોર્ડ અપાયા છે. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ જાહેર કરેલ શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક-2012 અંતર્ગત ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ના ગઝલસંગ્રહ ‘પગરવ તળાવમાં’ની કવિતા વિભાગ-3 અને હાસ્યકવિતાસંગ્રહ ‘પીટ્યો અશ્કો’ની હાસ્યવ્યંગકટાક્ષ વિભાગ-3 માટે પસંદગી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં પારિતોષિકો પૈકી તેમને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ રકમ એનાયત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ચાવડા ‘બેદિલ’ને ‘ડાળખીથી સાવ છૂટા’ કાવ્યસંગ્રહ માટે ‘સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર-2013’, દિલ્હી સાહિત્ય અકાદમી, ભારત સરકારે એનાયત કર્યો છે. કાવ્યસંગ્રહ માટે તેમને ગુજરાત સરકારનો પણ ‘દાસી જીવણ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. વધુમાં તેમના સમગ્ર સર્જન માટે વર્ષ-2012ના વર્ષનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ પણ ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે. આમ, શિષ્ટ સાહિત્ય, વ્યંગ સાહિત્ય અને પ્રતિબદ્ધ સાહિત્ય એમ ત્રણેય સ્વરૂપોમાં અશોક ચાવડા સુપેરે સક્રિય છે. ‘કવિલોક’, ‘કુમાર’ અને ‘ઉદ્દેશ’ જેવાં સામયિકોનાં પૂર્વ સહસંપાદક અને કવિ-વિવેચક-સંશોધક-અનુવાદક એમ સાહિત્યક્ષેત્રે કાર્યરત ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ હાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે સેવાઓ આપે છે. સાહિત્યની સાથેસાથે ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવનાર ‘બેદિલ’નો પ્રથમ ગઝલસંગ્રહ ‘પગલાં તળાવમાં’ 2003ના વર્ષમાં પ્રકટ થયો હતો, જેની બીજી આવૃત્તિ સાથે 2012માં પ્રકટ થયેલાં તેમનાં પુસ્તકોમાં ‘પગરવ તળાવમાં’ (ગઝલસંગ્રહ), ‘તું કહું કે તમે’ (ગીતસંગ્રહ), ‘પીટ્યો અશકો’ (હાસ્યકવિતાસંગ્રહ) , ‘શબ્દોદય’ (વિવેચનસંગ્રહ), ઇત્યાદી મુખ્ય છે.