2023નું વર્ષ ભારતીય અર્થતંત્ર માટે સૌથી મોટા ટર્નિંગ પોઇન્ટ સમાન રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધના પડકારો છતાં આ વર્ષે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો વિકાસદર સૌથી ઝડપી રહેશે.
1 ગ્લોબલ સ્લોડાઉનની અસર સૌથી ઓછી : પ્રતિકૂળ વૈશ્વિક સ્થિતિ હોવા છતાં આગામી 10 વર્ષ દેશનો સરેરાશ વિકાસદર 6.5 ટકા રહેવાની શક્યતા છે. આ મોટા દેશોમાં સૌથી વધારે રહેશે. ભારત એશિયાના જીડીપીમાં 28 ટકા અને અને વૈશ્વિક જીડીપીમાં 22 ટકા યોગદાન આપશે. ગ્લોબલ સ્લોડાઉનની અસર પણ ભારતમાં સૌથી ઓછી રહેશે. કારણ કે, ભારતીય અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો સ્થાનિક બજાર પર આધારિત છે. ભારતથી નિકાસ ઓછી છે અને આયાત પણ પસંદગીની પેદાશો સુધી મર્યાદિત છે. ઓછા ઇન્ટરનેશનલ એક્સપોઝરના કારણે ભારત અન્ય દેશોમાં ઊથલ-પાથલની સ્થિતિમાં પણ સુરક્ષિત રહેશે.
2 યુવા વસતી ઇકોનોમીને ગતિ આપશે : ભારતની ઇકોનોમી આજે 3.47 ટ્રિલિયન ડોલર છે. ચીન 15 વર્ષ પહેલાં 2007માં આ સ્તર પર રહ્યા બાદ સ્થિતિ બદલાઇ છે. આજે ચીનમાં જીડીપી પાંચ ગણા સુધી વધીને 18 ટ્રિલિયન ડોલર છે. ચીનની વસતી વૃદ્ધ થઇ રહી છે. તેના ઇકોનોમિક ગ્રોથમાં ઘટાડો થયો છે. હાલમાં ભારતીયોની સરેરાશ વય 28 વર્ષની છે જ્યારે ચીનની સરેરાશ વય 39થી 11 વર્ષ ઓછી છે. વધતા વર્કફોર્સના કારણે આવનાર 10 વર્ષમાં ભારતમાં સરેરાશ વિકાસ દર 6.5 ટકા અને ચીનમાં 3.6 ટકા રહી શકે છે.
3 ભારત પાંચ વર્ષમાં ત્રીજી આર્થિક શક્તિ બનશે : 2027માં જાપાન-જર્મનીને પાછળ છોડીને ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે. હાલ 3.47 ટ્રિલિયન ડોલરની સાથે ભારત દુનિયામાં પાંચમી સૌથી મોટી ઇકોનોમી છે. 2027માં ભારતની ઇકોનોમી 7 ટ્રિલિયન ડોલર અને 2031 સુધી 8.5 ટ્રિલિયન ડોલર રહેવાની આશા છે. અમેરિકાની ઇકોનોમી 20.86 ટ્રિલિયન ડોલર, ચીનની 18.31 ટ્રિલિયન ડોલર, જાપાનની 5.06 ટ્રિલિયન ડોલર અને જર્મનીની 4.03 ટ્રિલિયન ડોલર છે. આઇએમએફનો અંદાજ છે કે, 2027માં અમેરિકન ઇકોનોમી 30.28 ટ્રિલિયન ડોલર, ચીનની 26.43 ટ્રિલિયન ડોલર, જાપાનની 5.17 ટ્રિલિયન ડોલર તેમજ જર્મનીની 4.92 ટ્રિલિયન ડોલર રહેશે.
4 દર વર્ષે 400 અબજ ડોલર જોડાશે : ભારતીય ગ્રાહકોની ખરીદશક્તિના દમથી દેશમાં ખાનગી વપરાશ 2030નાં અંત સુધી 165 લાખ કરોડથી બેગણા સુધી વધીને 371.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. 2023થી ભારત દર વર્ષે પોતાના જીડીપીમાં સરેરાશ 400 અબજ ડોલર અને 2028થી 500 અબજ ડોલર ઉમેરશે. હજુ સુધી આવો વાર્ષિક ગ્રોથનો આંકડો માત્ર અમેરિકા અને ચીન જ હાંસલ કરી શક્યા છે.
5 સૌથી મોટો વર્કફોર્સ : ભારતમાં નોકરી કરતી વસતી (18-60 વર્ષ) 1970થી વધી રહી છે. આ ટ્રેન્ડ 2040 સુધી જારી રહેશે. ભારત વૈશ્વિક નોકરી કરતી વયની વસતીમાં 23 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરશે. જો આ નોકરી કરતી વસતીને પૂર્ણ રોજગારી મળશે તો 2047 સુધી અર્થવ્યવસ્થા 40 ટ્રિલિયન ડોલરના સ્તર સુધી પહોંચી શકે છે.
6 વર્ક ફ્રોમ ઇન્ડિયા: વિદેશમાં વર્કિંગ પ્રોફેશનલ્સ માટે વધુ ખર્ચ તેમજ ચીન સાથે સંબંધોમાં કડવાશને કારણે ભારત વિદેશી કંપનીઓ માટે મોટું વર્કિંગ હબ બની રહ્યું છે. 2020માં વર્ક ફ્રોમ ઇન્ડિયા મૉડલથી 43 લાખ લોકોને રોજગારી મળી હતી, જે 2022માં વધીને 51 લાખ થઇ ચૂકી છે. સાથે જ, અમારા અનુમાન અનુસાર 2030 સુધી આઉટસોર્સિંગ પર વૈશ્વિક ખર્ચ $180 અબજ (14 લાખ કરોડ રૂ.)થી વધીને $500 અબજ (41.3 લાખ કરોડ રૂ.) પર પહોંચશે. તેનો સૌથી વધુ લાભ ભારતને થશે. દેશમાં તેનાથી 1.1 કરોડ લોકોને કામ મળશે. તેની અસર રિયલ એસ્ટેટ, રિટેલ, બેન્કિંગ અને અન્ય સેક્ટર્સમાં મજબૂતીના રૂપમાં સામે આવશે.
7 સૌથી ઓછો લેબર કોસ્ટ - સસ્તી લેબર કોસ્ટને કારણે જ ચીને 15 વર્ષમાં ઝડપી પ્રગતિ કરી છે. હવે ભારત ઉત્પાદન ખર્ચના મામલે દુનિયાનો સૌથી કિફાયતી દેશ છે. તેનાથી વિદેશી રોકાણ વધશે. જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનું યોગદાન અત્યારે 15.6% છે, જે 2031 સુધી 21% થઇ જશે. તેનાથી ભારત વૈશ્વિક લીડર તરીકે ઉભરી શકે છે. મેન્યુફેક્ચરિંગમાં લેબર કોસ્ટ ભારતમાં કલાક દીઠ $0.8 (67 રૂપિયા) છે. જ્યારે ઇન્ડોનેશિયામાં કલાક દીઠ $1 (82.85 રૂ.), ચીનમાં $7.1 (588.24 રૂ.) જ્યારે દ.કોરિયામાં કલાક દીઠ 1850 રૂ. છે.
8 ડિજિટલ સિસ્ટમ આપણી તાકાત - કોઇ દેશના વિકાસ માટે સડક, પોર્ટ, રેલવે, એરપોર્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂત હોવું જરૂરી છે. પરંતુ હવે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. ભારત આજે UPI જેવી સાર્વજનિક ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને કારણે આ સેક્ટરમાં વૈશ્વિક લીડર છે. અમેરિકા, બ્રિટન જેવા દેશો આ મામલે ખૂબ જ પાછળ છે. ભારતની 140 કરોડની વસતીમાં સરળતાપૂર્વક ચાલી રહેલી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ વૈશ્વિક કંપનીઓ તેમજ રોકાણકારોને સોનેરી તક ઉપલબ્ધ કરાવી રહી છે. ભારતમાં દર મહિને 8.26 કરોડ રૂપિયાના અંદાજે 4500 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થાય છે.
9 દેશમાં પ્રોગેસિવ નીતિ - અનેક પશ્ચિમી દેશો ચીનમાંથી બહાર નીકળી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવવા માટે ભારત સરકારે મેન્યુફેક્ચરિંગને લક્ષ્ય બનાવીને 13 સેક્ટરમાં મોટાં પેકેજ જાહેર કર્યાં છે. તેનાથી રોકાણ અને રોજગારી વધશે.
10 મુક્ત વેપાર કરાર - 2022માં ભારતે UAE તેમજ ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે જેનો ફાયદો જોવા મળશે. 2023માં બ્રિટન, યુરોપિયન યુનિયન તેમજ કેનેડા સાથે કરાર થશે. મુક્ત વેપાર કરારથી વૈશ્વિક માર્કેટમાં ભારતની પકડ મજબૂત બનશે. જેને કારણે ભારત વૈશ્વિક શક્તિ તરીકે આગળ વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.