• Gujarati News
  • National
  • Zydus Cadillac Corona Vaccine Approved For Emergency Use, Can Be Given To Children Over 12 Years Of Age

વેક્સિન મોરચે રાહત:ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી, 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને લગાવી શકાશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • આ વેક્સિન વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિન છે
  • ભારતમાં અત્યાર સુધી 50થી વધારે કેન્દ્રો પર વેક્સિન માટે સૌથી મોટા ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે
  • આ વેક્સિનને મંજૂરી મળતા તે ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે

ભારતીય ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી શુક્રવારે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. તે વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિન છે. આ વેક્સિન 12 વર્ષ અને વધુ ઉંમરના બાળકો તથા ઉંમરલાયક લોકોને લગાવી શકાશે.

ઝાયડસ કેડિલાના જણાવ્યા પ્રમાણે તેણે ભારતમાં અત્યાર સુધી 50થી વધારે કેન્દ્રો પર વેક્સિન માટે સૌથી મોટા ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે. આ સાથે તે દેશમાં ઉપલબ્ધ ચોથી વેક્સિન હશે. અત્યાર સુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવીશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-Vનો ઉપયોગ થતો રહ્યો છે.

ત્રણ ડોઝવાળી હશે વેક્સિન
ભારતમાં વર્તમાન સમયમાં લગાવવામાં આવી રહેલી ત્રણેય વેક્સિન ડબલ ડોઝ ધરાવે છે. જોનસન એન્ડ જોનસન તથા સ્પુતનિક લાઈટ જેવી સિંગલ ડોઝ વેક્સિન પણ છે, જે આગામી મહિનામાં ભારતમાં આવી શકે છે. જોકે ઝાયકોવ-ડી વેક્સિન આ તમામથી અલગ છે. આ વેક્સિનના ત્રણ ડોઝ લગાવવાના રહેશે.

ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ સમયે ત્રણ ડોઝ લગાવવાના સંજોગોમાં આ વેક્સિન વધારે સમય સુધી ઈમ્યુનિટીને મજબૂત રાખે છે. જોકે કેડિલા તેના બે ડોઝના પણ ટેસ્ટીંગ કરી રહી છે. તેને લગતા પરિણામો ટૂંક સમયમાં આવી શકે છે.

ઝાયડસ કેડિલાના અમદાવાદ રિસર્ચ સેન્ટરમાં તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિન ZyCoV-Dની ફાઇલ ફોટો.
ઝાયડસ કેડિલાના અમદાવાદ રિસર્ચ સેન્ટરમાં તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિન ZyCoV-Dની ફાઇલ ફોટો.

50 કેન્દ્ર પર ટ્રાયલનો દાવો
ઝાયડસે દાવો કર્યો છે કે તેણે ભારતમાં વેક્સિનને લગતા સૌથી વ્યાપક ટ્રાયલ કર્યાં છે. 50થી વધારે કેન્દ્રો પર આ વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ વેક્સિન વિશ્વની સૌ પ્રથમ DNA વેક્સિન છે. આ વેક્સિનને મંજૂરી મળતા તે ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે.

12-18 વર્ષની ઉમરના 1000 બાળકો પર રસીનું પરીક્ષણ થયું
ઝાયડસનો દાવો છે કે તેની વેક્સિન બાળકો ઉપર પણ અસરકારક સાબિત થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 12-18 વર્ષના આશરે 1000 બાળકો ઉપર પણ ZyCoV-Dનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ અંગેના તમામ ડેટા DCGIને સોંપી દેવામાં આવ્યા છે.

2 ડોઝમાં પણ એટલીજ અસરકારકતા સામે આવી
અત્યાર સુધી વેક્સિનના 3 ડોઝ આપવાની વાત હતી પણ આજે કંપનીએ જણાવ્યું હતું કે 3 મિલિગ્રામ સાથે 2 ડોઝ લેવાથી પણ વેક્સિન એટલી જ અસરકારક સાબિત થઈ છે. કંપનીએ ઝીકોવી-ડી રસી માટે બે ડોઝની પદ્ધતિનું પણ મૂલ્યાંકન કર્યું છે, જેમાં ઇમ્યુનોજેનિસિટીના પરિણામો વર્તમાન ત્રણ ડોઝ રેજિમેન્ટની સમકક્ષ હોવાનું જણાયું છે. આ રસીકરણની સંપૂર્ણ કોર્સ અવધિ ઘટાડવામાં મદદ કરશે અને ભવિષ્યમાં રસીની ઉચ્ચ સલામતી પ્રોફાઇલ જાળવી રાખશે.

ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલ.
ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલ.

ભારતને પ્રાથમિકતા આપશે
શર્વિલ પટેલે જણાવ્યું કે, વેક્સિનને લઈને અન્ય દેશો તરફથી પણ પૂછપરછ થઈ રહી છે. જોકે વર્તમાન સ્થિતિમાં અમે ભારત પર જ ફોકસ કરી રહ્યા છીએ. અમે પહેલા ભારતની માગને પ્રાથમિકતા આપીશું. અમે સરકારના સંપર્કમાં છીએ પણ હજુ એ નક્કી નથી કે કુલ ઉત્પાદનનો કેટલો જથ્થો સરકારને આપવામાં આવશે અને કેટલો ઓપન માર્કેટમાં વેચાશે.

ZyCoV-D કઈ રીતે કામ કરે છે?
ઝાયકોવ-ડી એક DNA-પ્લાઝ્મિડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઈમ્યુનિટીને વધારવા માટે જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. જે રીતે અમેરિકા સહિત અનેક દેશોમાં લાગી રહેલી ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરે છે, એ રીતે આ પ્લાઝમિડ-DNAનો ઉપયોગ કરે છે. mRNAને મેસેન્જર RNA પણ કહી શકાય, જે શરીરમાં જઈને કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટિબોડી બનાવવાનો મેસેજ આપે છે, જ્યારે પ્લાઝમિડ માનવ કોશિકાઓમાં રહેલા એક નાના DNA મોલેક્યુઅલ હોય છે, આ DNA સામાન્ય ક્રોમોસોમ DNAથી અલગ હોય છે. પ્લાઝ્મિડ-DNA સામાન્ય રીતે બેક્ટેરિયલ સેલમાં જોવા મળે છે અને સ્વતંત્ર રીતે રેપ્લિકેટ થઈ શકે છે.