• Gujarati News
  • National
  • Youths Who Talk Of 'shoot' To Farmer Leaders Change Statement, Farmers Will Not Protest At Republic Day Celebrations

ખેડૂત આંદોલનને રવિવારે બે મહિના પૂરા:ખેડૂત નેતાઓને ‘શૂટ’ની વાતો કરનારા યુવકે નિવેદન બદલ્યું, પ્રજાસત્તાક દિનના સમારંભમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન નહીં કરે

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની સતર્કતા સમિતિએ શુક્રવારે રાતે કોઈ વ્યક્તિને (જેનો ચહેરો ઢંકાયેલો હતો) પકડી હતી, જેને મીડિયાની સામે લાવવામાં આવી હતી. - Divya Bhaskar
ખેડૂતોની સતર્કતા સમિતિએ શુક્રવારે રાતે કોઈ વ્યક્તિને (જેનો ચહેરો ઢંકાયેલો હતો) પકડી હતી, જેને મીડિયાની સામે લાવવામાં આવી હતી.

દિલ્હી નજીકની હરિયાણાની કુંડલી સરહદે આંદોલન સ્થળેથી પકડાયેલા યુવકે શનિવારે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહે છે કે, ‘મેં ખેડૂતોના દબાણમાં આવીને પત્રકારો સાથે વાત કરી હતી. એ વખતે મેં કહ્યું હતું કે, ધરણાં સ્થળે હિંસા કરવા પોલીસે મને પૈસા આપ્યા હતા. જોકે, મેં ખેડૂતોના દબાણમાં આવીને એમ કહ્યું હતું.’ પોલીસના મતે, યુવક યોગેશ સોનીપતનો રહેવાસી છે. શુક્રવારે રાતે એક ટેન્ટ નજીક શંકાસ્પદ વર્તનના આધારે ખેડૂત નેતાઓએ તેને ઝડપ્યો હતો. એ વખતે તેણે પોતાને સોપારી કિલર ગણાવતા હોબાળો મચી ગયો હતો. તેણે દાવો કર્યો હતો કે, મને હિંસા ફેલાવવા રૂ. 10 હજાર અપાયા હતા. મને ચાર ખેડૂત નેતાને ગોળી મારવાનું કામ સોંપાયું હતું. બાદમાં ખેડૂતોએ તેને પોલીસને સોંપી દીધો હતો.

બે વર્ષ કાયદા રોકવાના પ્રસ્તાવ પર 32 સંગઠનની બેઠક
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો અમલ બે વર્ષ સુધી રોકવાના સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવા દિલ્હીની સિંઘુ સરહદે પંજાબના 32 ખેડૂત સંગઠને અલગથી બેઠક યોજી હતી. ત્યાર પછી આંદોલનમાં સામેલ તમામ 40 ખેડૂત સંગઠનની પણ બેઠક થઈ હતી. જોકે, ખેડૂત સંગઠનો પહેલા પણ સરકારનો પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે.

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલીની પોલીસની મંજૂરી: ખેડૂતો
પંજાબ-હરિયાણાના ખેડૂત આંદોલનને રવિવારે બે મહિના પૂરા થઈ ગયા છે. તેઓ 26 નવેમ્બરથી દિલ્હીની વિવિધ સરહદે કૃષિ કાયદાના વિરોધમાં ધરણાં કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે, દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતોને રાજધાનીમાં ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી દીધી છે. પોલીસ સાથે ખેડૂત નેતાઓની બેઠક પછી અભિમન્યુ કોહરે કહ્યું કે, ‘ટ્રેક્ટર રેલી ગાઝીપુર, સિંઘુ અને ટિકરી સરહદેથી શરૂ થશે. અમે રાત્રે એક બેઠક યોજીને રેલીને અંતિમ રૂપ આપીશું.’ અન્ય એક ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢનીએ કહ્યું કે, ‘અમે પ્રજાસત્તાક દિન નિમિત્તે સમારંભમાં સામેલ થનારા નેતાઓનો વિરોધ નહીં કરીએ.’ જોકે, ખેડૂતો રેલી કે રાજકીય કાર્યક્રમોમાં મંત્રીઓ-નેતાઓનો વિરોધ ચાલુ રાખશે.’ 26 જાન્યુઆરીએ દિલ્હી સરહેદથી બેરિકેડ્સ હટાવી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...