• Gujarati News
  • National
  • Yogi Adityanath: Maths Graduate, Retired At The Age Of 22, Clashes With BJP Are Common

પીપલ ભાસ્કર:ચર્ચામાં છે યોગી આદિત્યનાથઃ મેથ્સ ગ્રેજ્યુએટ, 22 વર્ષની ઉંમરે સંન્યાસ, ભાજપ સાથે ઘર્ષણના કિસ્સા સામાન્ય છે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગીની સંન્યાસીમાંથી વિવાદિત રાજકારણી સુધીની સફર...

જન્મ- 5 જૂન 1972
વાસ્તવિક નામ- અજય સિંહ બિષ્ટ
શિક્ષણ- બીએસસી (ગઢવાલ યુનિ.)

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં છે. ભાજપની ટોચની નેતાગીરીથી માંડીને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે પણ તેમણે મુલાકાત કરી. યુપી વિધાનસભાની ચૂંટણી આડે 1 વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે અટકળોનું બજાર ગરમ છે.

કોરોનાથી બગડેલી રાજ્યની અને પક્ષની છબિ મુદ્દે ભાજપ તેમનાથી નારાજ છે કે પૂર્વાંચલ બનાવવા મુદ્દે યોગીનો જુદો મત હોવાની અટકળો છે તે સમય આવ્યે જ જાણવા મળશે પણ 49 વર્ષના યોગી ઘણાં કારણોથી ચર્ચામાં છે. પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગીના જન્મદિને શુભેચ્છા ન પાઠવી તે મુદ્દો બન્યો, પછી સરકારી પોસ્ટર્સમાંથી મોદીનો ચહેરો હટાવાયાના સમાચાર સામે આવ્યા.

સંન્યાસીમાંથી રાજકારણી સુધીની સફરમાં યોગી તેમની હિન્દુત્વવાદી છબિ અને વિવાદાસ્પદ બયાનબાજીને કારણે ઘણીવાર વિવાદમાં રહ્યા. 2017માં ભાજપે મુખ્યમંત્રીપદ માટે યોગીનું નામ જાહેર કર્યું તો ઘણાં લોકો માટે તે ચોંકાવનારું હતું. પૂર્વાંચલમાં યોગીનો દબદબો છે.

પૂર્વાંચલના કારણે જ યોગી અને ભાજપ વચ્ચે રાજકીય ઘર્ષણના કિસ્સા પણ નવા નથી. યોગી ઘણીવાર ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારની સામે ઊભા રહેલા હિન્દુ મહાસભા તથા હિન્દુ યુવા વાહિનીના ઉમેદવારોનું સમર્થન કરી ચૂક્યા છે.

રામમંદિર આંદોલન વખતે અજય સિંહ બિષ્ટમાંથી યોગી બન્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત મશાલગાંવમાં જન્મેલા યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ ફોરેસ્ટ રેન્જર અને માતા ગૃહિણી હતા. કોલેજમાં એબીવીપી સાથે જોડાઇને વિદ્યાર્થી રાજકારણ શરૂ કર્યું. તે દરમિયાન રામજન્મભૂમિ આંદોલનમાં રસ લેવાનું શરૂ કરી દીધું. 1993ની શરૂઆતમાં રામમંદિર આંદોલન પરાકાષ્ઠાએ હતું ત્યારે અજય સિંહ ગોરખનાથ મંદિરે દર્શન કરવા ગયા અને ત્યાંના મહંત અવૈદ્યનાથ સાથે મુલાકાત થઇ.

મહંતે અજયને ગોરખપુર મઠમાં પોતાના શિષ્ય બનવા કહ્યું. નવેમ્બર, 1993માં પરિવારને જાણ કર્યા વિના અજય ગોરખપુર પહોંચ્યા. 1994ની 15 ફેબ્રુઆરીએ દીક્ષા લઇ અજય સિંહમાંથી યોગી આદિત્યનાથ બન્યા. સપ્ટેમ્બર, 2014માં અવેદ્યનાથના નિધન બાદ યોગી ગોરખનાથ મંદિરના મુખ્ય પુજારી બની ગયા.

ગોરખપુરમાં માનીતાઓ માટે પક્ષની વિરુદ્ધ પણ ગયા
​​​​​​​
યોગી પહેલીવાર 19998માં 26 વર્ષની ઉંમરે ગોરખપુરના સાંસદ બન્યા. ત્યાર બાદ સતત ચૂંટણી જીતતા રહ્યા. પૂર્વાંચલમાં તેઓ ભાજપના સ્ટાર પ્રચારક રહ્યા છે પણ ઘણીવાર તેમણે ભાજપ વિરુદ્ધ ઊભા રહેલા ઉમેદવારોનું સમર્થન કર્યું. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ હિન્દુ મહાસભાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી હતી. ડિસેમ્બર, 2006માં લખનઉમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ચાલી રહી હતી ત્યારે જ ગોરખપુરમાં 3 દિવસનું વિરાટ હિન્દુ મહાસંમેલન યોજ્યું. 2007માં તેઓ પૂર્વાંચલમાં પોતાના માનીતા ઉમેદવારો માટે 100થી વધુ ટિકિટ ઇચ્છતા હતા. મહિલા અનામત ખરડા મુદ્દે પણ તેમનું વલણ ભાજપના વલણથી વિપરીત હતું.

તોફાનો ભડકાવવાના આરોપસર જેલમાં પણ ગયા હતા
​​​​​​​2002માં યોગીએ ગોરખપુરમાં હિન્દુ યુવા વાહિની નામના સંગઠનની સ્થાપના કરી. તેને સાંસ્કૃતિક સંગઠન ગણાવાયું પણ સંગઠનના લોકો પર ગૌરક્ષા, લવ જેહાદ મુદ્દે લોકોને હેરાન કરવાના આક્ષેપ થતા રહ્યા. 2005માં યોગીએ યુપીના એટાથી શુદ્ધિકરણ અભિયાન શરૂ કર્યું, જેને ઘરવાપસી નામ અપાયું. 2007માં યોગી સામે તોફાનો ભડકાવવાનો આરોપ પણ મુકાયો હતો. આ મામલે તેઓ 11 દિવસ જેલમાં પણ રહ્યા. યોગીના ઘણાં વિવાદિત નિવેદનો જેમ કે- સૂર્ય નમસ્કારનો વિરોધ કરનારા ભારત છોડે.. મધર ટેરેસા ભારતમાં ખ્રિસ્તીઓના ષડયંત્રનો હિસ્સો હતા.. શાહરુખના બોલ હાફીઝ સઇદ જેવા, પાકિસ્તાન જઇ શકે છે.. તાજ મહેલ ભારતીય સંસ્કૃતિ નથી દર્શાવતો..થી પણ હોબાળો મચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...