ચક્રવાતી વાવાઝોડું અસાનીના જોખમને જોતાં ઓડિશા સરકારે 18 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જોખમને જોતાં સરકારે NDRF(The National Disaster Response Force )ની 17 ટીમ અને ODRAF(The Odisha Disaster Rapid Action Force )ની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. 175 ફાયરબ્રિગેડને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. આંદામાનના સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શુક્રવારે જ જાણી શકાશે.
વાવાઝોડું 8 મે સુધીમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે 8 મે સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. આ પછી એની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. અમે એના પર નજર રાખી રહ્યા છીએ.
દેશનાં આ રાજ્યોમાં અસાનીથી અસર થઈ શકે છે
વાવાઝોડું આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં જોવા મળી શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે.
PM મોદીએ કરી સમીક્ષા બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ ઓડિશા સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
2021માં ત્રણ વાવાઝોડા આવી ચૂક્યા છે
2021માં ભારતમાં ત્રણ વાવાઝોડાં આવી ચૂક્યાં છે. વાવાઝોડું જવાદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું, જ્યારે વાવાઝોડું ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યું હતું. આ સિવાય મે 2021માં વાવાઝોડું યાસ આવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.