કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ લિંગાયત સમાજ અને મઠની શક્તિ બતાવવાનું શરૂ કરી દીધું છે. સિદ્ધગંગા મઠના શ્રી સિદ્ધિલિંગ સ્વામીના નેતૃત્વમાં બુધવારે કર્ણાટકના સંતોના એક જૂથે યેદિયુરપ્પા સાથે મુલાકાત કરી.
હવે થોડા દિવસમાં 300-400 લિંગાયત સંતો બેંગલુરુમાં ભેગા થવાની આશા છે, જેથી ‘ભવિષ્યની કાર્યવાહી’ પર ચર્ચા થઈ શકે. આ પહેલા રાજ્યના અગ્રણી મઠોના 30થી વધુ સંતોએ યેદિયુરપ્પાની મુલાકાત લીધી હતી.
અખિલ ભારીયસેવા વીરશૈવ મહાસભા અધ્યક્ષ અને લિંગાયક કોંગ્રેસ નેતા શમનૂર શિવશંકરપ્પાએ પણ કહ્યું કે, જો યેદિયુરપ્પાને રાજીનામું આપવા મજબૂર કર્યા, તો ભાજપના બુરા હાલ થશે. યેદિયુરપ્પાએ શક્તિ પ્રદર્શન કરવા 25 જુલાઈએ પક્ષના તમામ ધારાસભ્યોને એક હોટલમાં ડિનર માટે આમંત્રિત કર્યા છે.
સૂત્રોના મતે, આગલા જ દિવસે 26 જુલાઈએ ધારાસભ્યોની બેઠક થવાની છે, જેમાં નેતૃત્વ પરિવર્તન મુદ્દે થોડી વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હકીકતમાં કર્ણાટકમાં 600થી વધુ મઠ છે, જે 35% વસતી પર પ્રભાવ ધરાવે છે. આમ, અહીં ઘણે અંશે સત્તાનું સુકાન મઠો જ નક્કી કરે છે.
તો યેદિયુરપ્પાની જીત નક્કી
કર્ણાટક ભાજપ સાથે જોડાયેલા રાજકીય વિશ્લેષકના મતે, જો યેદિયુરપ્પા આ સ્થિતિને લિંગાયત સન્માનની લડાઈ બનાવવામાં સફળ થશે, તો ભાજપ હાઈ કમાન્ડને 2023ની ચૂંટણી સુધી પીછેહટ કરવી પડશે. યેદિયુરપ્પા આ સમાજના સૌથી શક્તિશાળી નેતા મનાય છે. કર્ણાટકમાં સત્તાની ચાવી લિંગાયત કે વોક્કાલિગાના હાથમાં રહે છે. જનતાદળ (એસ)ના એચ.ડી. કુમારાસ્વામીને વોક્કાલિગા સમાજના નેતા મનાય છે. કર્ણાટકમાં તેમની 12% વસતી છે.
ચાર મોટા કારણ, આખરે કયા આધારે ખુરશી છોડવા દબાણ કરાય છે?
1. યેદિયુરપ્પા પર ધારાસભ્યોએ કોવિડ મિસ-મેનેજમેન્ટ, ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલને રૂ. 3667 કરોડ જમીન વેચવાની મંજૂરીનો વિવાદ વધ્યો છે. ચાર મંત્રી રવિન્દ્ર બેલાડ, બી.આર. યતનાલ, કે. પૂર્ણિમા અને ઉદય ગરુડચરે પત્ર લખીને વિરોધ કર્યો છે.
2. કેટલાક ધારાસભ્યોના મતે, તેઓ વિકાસ પરિયોજનાઓમાં પસંદગીના કોન્ટ્રાક્ટર પસંદ નથી કરવા દેતા. આરોપ છે કે, મુખ્યમંત્રી કોંગ્રેસ જેડીએસ ધારાસભ્યોને ફંડ જારી કરે છે, પરંતુ ભાજપ ધારાસભ્યોને નહીં. હવે યેદિયુરપ્પાએ રૂ. 1000 કરોડનું ફંડ જારી કર્યું છે.
3. ભાજપ નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને ફરિયાદ કરી છે કે, યેદિયુરપ્પાની તબિયત લથડતા તેમના પુત્ર બી.વાય. વિજયેન્દ્ર અને પુત્રી બી. વાય. ઉમા દેવી સરકાર ચલાવે છે. તેમાં વિજયેન્દ્ર દરેક નિર્ણયમાં હસ્તક્ષેપ કરતો હોવાનો કથિત મુદ્દો પણ સામેલ છે.
4. ભાજપ પ્રદેશ અધ્યક્ષ નવીન કતીલ અને ભાજપ નેતા બસવરાજ પાટીલ યતનાલની વાતચીતની કથિત ટેપ વાઈરલ થઈ રહી છે. તેમાં કતીલ કહે છે કે, પ્રામાણિક, હિંદુ સમર્થક અને ભાજપને સત્તામાં પાછી લાવવાની શક્તિ રાખનારા નેતા જ કર્ણાટકમાં મુખ્યમંત્રી બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.